
શ્રીનગર, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
પાકિસ્તાને સતત બીજા દિવસે પૂંચ સરહદે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાનનું આ ફાયરિંગ સ્પષ્ટ પણે સિઝફાયરનો ભંગ છે. સોમવારથી પાકિસ્તાન દ્વારા સરહદે સતત ગોળીબારી ચાલુ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ કુપ્રવૃત્તિનો આકરી ભાષામાં જવાબ આપ્યો હતો. દરમિયાન કાશ્મીર પોલીસે દાવો કર્યો હતો કે તેમણે 3 આતંકીઓને પકડી લીધા છે.
પકડાયેલા આતંકવાદીઓ હિઝબુલ મુઝાહિદીનના છે અને તેઓ આતંકી તરીકે હમણાં જ ભરતી થયા હતા. એટલે કે આતંકની કામગીરીમાં તેઓ નવોદિત હતા. આ ત્રણેય આતંકવાદીઓએ અગાઉ ગ્રેનેડ ફેંકવા સહિતની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આ ત્રણેય આતંકીઓના નામ અનુક્રમે રશીદ લતીફ, આસિફ ઈકબાલ અને શાહિદ હાસન દાર હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.
પૂંચ ઉપરાંત ક્રિષ્ના ઘાટી, માનકોટે અને મેંધાર સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ સરહદ પારથી ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં ગોળીબાર પછી પાકિસ્તાને તોપગોળા પણ ફેંક્યા હતા. છેલ્લા ચાર દિવસમાં પાકિસ્તાન દ્વારા આ સરહદી શાંતિ ભંગનો ત્રીજો કિસ્સો છે. પાકિસ્તાનના ગોળીબારને કારણે એક જવાન શહિદ થયો હતો, જ્યારે એક નાગરિકને ઈજા થઈ હતી.
એક તરફ પાકિસ્તાની વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જઈને કાશ્મીર મુદ્દે શાંતિ સ્થાપવાની વાતો કરે છે. બીજી તરફ હંમેશા થતું આવ્યું છે એમ પાકિસ્તાની સેના દ્વારા ભારતની સરહદે અડપલાં કરવાની પ્રવૃત્તિ ચાલુ જ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GqUp1P
via Latest Gujarati News
0 Comments