કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ - પૂર : મૃત્યુઆંક વધીને 89


મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ચાર લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા 

(પીટીઆઇ) તિરૂવનંતપુરમ, તા. 10 ઓગસ્ટ, 2019, શનિવાર

કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં કુલ 89 લોકોનાં મોત થયા છે. આ ત્રણેય રાજ્યોેમાં સામાન્ય જનજીવન ઠપ થઇ ગયું છે. ત્રણેય રાજ્યોમા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. 

વાયનાડ અને કોઝિકોડના 25,000 સહિત કેરળમાં કુલ 1.25 લાખ લોકોને સુરક્ષિત સ્થળે  ખસેડવામાં આવ્યા છે. 8 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કેરળમાં ભૂસ્ખલનની 80 ઘટનાઓ બની છે. મલપ્પુરમના કવનલાપ્પારામાં તથા વાયનાડના પુથુમાલામાં અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 

કેરળના આઠ જિલ્લાઓ ઇર્નાકુલમ, ઇદુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કસરગોડમાં વરસાદ અંગે રેટ એલર્ટ જારી કરવામાં આવી છે. કેરળના અધિકારીઓએ આપેલા સત્તાવાર આંકડા અનુસાર કુલ 1,24,464 લોકોને 1111 રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. કેરળમાં વરસાદને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. 

કર્ણાટકની વાત કરવામાં આવે તો રાજ્યના બેલાગવી, બાગાકલોટે, વિજયાપુરા, રાચીપુર, યાદગિર, ગડાગ, ઉત્તર કન્નડા, હાવેરી, હુબ્બલી-ધારવાડ, દક્ષિણ કન્નડ, ચિક્કામાગાલુરૂ અને કોદાગુ જિલ્લા વરસાદથી સૌથી વધુ અસર પામ્યા છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

સકલેશપુરના મારાનાહલ્લીમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ જોવા મળી છે. દક્ષિણ કન્નડ જિલ્લાનું પાને માંગાલુરૂ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું છે કે લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણકે રાહત અને બચાવ કામગીરી સરકારની પ્રાથમિકતા છે. 

બીજી તરફ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલી જિલ્લાઓમાં પૂરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. આ બંને જિલ્લામાં નેવીની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે તેમાં 26 હોડી અને 110 કર્મચારીઓ સામેલ છે.  રાજસ્થાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાટનગર જયપુર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

છેલ્લા 24 કલાકમાં ઉદયપુર, ડુંગરપુર, પ્રતાપગઢ અને સિરોહી જિલ્લામાં 3 થી 15 સેમી વરસાદ પડયો છે. સૌથી વધુ 15 સેમી વરસાદ પ્રતાપગઢમાં નોંધવામાં આવ્યો છે. અજમેરમાં સવારના આઠથી સાંજના છ સુધીમાં 0.8 સેમી વરસાદ પડયો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yRNsCU
via Latest Gujarati News

Post a Comment

0 Comments