શાસ્ત્રીની ફરી વાર ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્તિ : કપિલની સમિતિનો નિર્ણય


શાસ્ત્રીએ માઈક હેસન અને ટોમ મૂડીને પાછળ રાખ્યા

મુંબઈ, તા. 16 ઓગસ્ટ, 2019, શુક્રવાર

ભારતીય કેપ્ટન કોહલીની પસંદગીના પ્રભાવમાં આવ્યા વિના કપિલ દેવની આગેવાની હેઠળની સમિતિએ તેની પસંદગીના જ રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ફરી વખત નિયુક્તિ આપી દીધી છે.

કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની સમિતીએ મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે પાંચ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લીધા બાદ સર્વાનુમતે હાલનો કોચ શાસ્ત્રીના કાર્યકાળને  વધુ બે વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો હતો. શાસ્ત્રી હવે 2021માં ભારતની ભૂમિ પર રમાનારા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રહેશે.

વિશ્વના ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાની રેસમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈક હેસ્સન અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ મૂડીને વર્તમાન કોચ શાસ્ત્રીએ અપેક્ષા પ્રમાણે જ પાછળ રાખી દીધા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન સિંઘ અને ઝિમ્બાબ્વેના કોચ તેમજ ભારતીય ટીમના ભૂતપૂર્વ મેનેજર લાલચંદ રાજપુત ભારતીય ટીમના હેડ કોચ બનવાની રેસમાં ટોપ-થ્રીમાં પણ પહોંચી શક્યા નહતા. 

બીસીસીઆઇએ કુલ છ ઉમેદવારોને ટીમ ઈન્ડિયાના હેડ કોચની રેસમાં સામેલ કર્યા હતા, જેમાંથી વિન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ સિમોન્સ અંગત કારણોસર ખસી ગયા હતા અને તેમણે ઈન્ટરવ્યૂમાં હાજરી આપી નહતી.

આજે બપોરથી મુંબઈ ખાતેના બીસીસીઆઇના હેડ ક્વાર્ટરમાં કપિલ દેવની આગેવાની હેઠળની પેનલે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ કરી હતી. હેસ્સન ઉપરાંત રોબિન સિંઘ અને લાલચંદ રાજપુતે પ્રત્યક્ષપણે પેનલની સામે હાજરી આપીને રજુઆત કરી હતી. જ્યારે ટોમ મૂડી અને શાસ્ત્રીએ વિડિયો કોન્ફરન્સિંગથી ઈન્ટરવ્યૂ આપ્યો હતો. 

ભારતીય ટીમ સાથે શાસ્ત્રીની ચોથી ટર્મ

ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ફરી વખત પસંદગી પામનારા ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીની આ ચોથી ટર્મ છે. વર્ષ 2007માં ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસ માટે તેમને ક્રિકેટ મેનેજર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પછી વર્ષ 2014ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક દેખાવ બાદ શાસ્ત્રીને ટીમ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ તે પદ પર 2016 સુધી રહ્યા હતા. વર્ષ 2016માં તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણની પેનલે શાસ્ત્રીને પડતા મૂકીને કુમ્બલેને કોચ બનાવ્યા હતા. જોકે એક જ વર્ષ બાદ વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે પરત ફર્યા હતા. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33IAllI
via Latest Gujarati News

Post a Comment

0 Comments