'મુસ્લિમો માર્ગ પર નમાઝ પઢે એનો અર્થ એવો નથી કે માર્ગ તેમની માલિકીનો થઈ જાય' : સુપ્રીમમાં રજૂઆત


નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ, 2019, શુક્રવાર

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણીના સાતમા દિવસે રામલલ્લા વિરાજમાન વતી દલીલો કરતા વકીલે કહ્યું હતું કે મુસ્લિમો તો માર્ગમાં પણ ઘણી વખત નમાઝ અદા કરે છે. પણ તેનો અર્થ એવો નથી કે એ માર્ગ તેમની માલિકીનો થઈ જાય.

અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પાંચ ન્યાયધીશોની બનેલી બેંચ સમક્ષ ચાલી રહી છે. સાતમા દિવસે રામ લલ્લા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને કોર્ટ સમક્ષ દલીલ રજૂ કરી હતી. વકીલે કહ્યું હતું કે મુસ્લિમો માર્ગમાં નમાઝ અદા કરતા હોય છે, પણ તેનો અર્થ એવો નથી કે તે માર્ગની માલિકી માટે હક-દાવો રજૂ કરે. કોઈ સ્થળે પ્રાર્થના કે નમાઝ અદા કરવા માત્રથી તેના ઉપર હક જતાવી શકાય નહીં.

વકીલે કહ્યું હતું કે અયોધ્યા રામજન્મભૂમિ સ્થળેથી મળેલાં પુરાવામાં સ્પષ્ટ થયું હતું કે વિવાદિત બાંધકામ પહેલાં ત્યાં મંદિર હતું અને હિન્દુ પ્રતીકો વગેરે પણ મળી આવ્યું હતું. વકીલે ફોટોગ્રાફ્સ રજૂ કરતા બતાવ્યું હતું કે રામજન્મસ્થળેથી ખોદકામ દરમિયાન મળેલા સ્તંભોમાં શ્રીકૃષ્ણ, શિવતાંડવ, શ્રીરામનું બાળસ્વરૂપ વગેરે જોવા મળતું હતું.

1950માં એ સ્થળેથી જે ઢાંચો મળ્યો હતો તે એ વાતની સાબિતી આપતો હતો કે ત્યાં સદીઓ પહેલાં મસ્જિદ નહોતી. મસ્જિદના આંતરિક ઢાંચામાં વિશ્વભરમાં ક્યાંય પણ એવા પ્રકારનું બાંધકામ મળતું નથી.

મુસ્લિમ પક્ષના વકીલે મસ્જિદ હોવાની સાબિતી માટેની દલીલો રજૂ કરી હતી. મુસ્લિમો એ ઢાંચામાં મસ્જિદ અદા કરતા હોવાથી તેમની માલિકી મજબૂત હોવાની દલીલ કરી હતી, પણ તેમની પ્રતિદલીલમાં રામ લલ્લાના વિરાજમાનના વકીલે કહ્યું હતું કે કોઈ સ્થળે પ્રાર્થના કે નમાઝ અદા કરી લેવાથી એ જમીનની માલિકી કોઈ ચોક્કસ પંથ કે સંપ્રદાયની થઈ શકે નહીં.

કોર્ટે રામ લલ્લા વિરાજમાનના વકીલને પૂછ્યું હતું કે તમારી દલીલ પ્રમાણે જે સ્થળે મસ્જિદ બની હતી એ સ્થળે મંદિર હતું કે કોઈ ધાર્મિક ઢાંચો હતો. જવાબમાં વકીલે કહ્યું હતું કે આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અહેવાલમાં કહેવાયું હતું કે જે સ્થળે મસ્જિદ બની હતી તે સ્થળ ખાલી ન હતું કે ખેતીલાયક જમીન પણ ત્યાં ન હતી. એ સ્થળ વિશાળ ઢાંચો હતો અને તેના ઉપર જ મસ્જિદ ખડી કરવામાં આવી હતી.

વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરતા કહ્યું હતું કે અયોધ્યાના જે સ્થળેથી પૌરાણિક અવશેષો મળ્યા છે એવા જ અવરેશો અન્ય ઉત્તર ભારતીય મંદિરોમાં પણ છે. એનો અર્થ એવો થયો કે એક આખી પરંપરા અને એક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ એ મંદિર કરતું હતું. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31MPQr0
via Latest Gujarati News

Post a Comment

0 Comments