ઉત્તર કોરિયાએ ફરીથી બે મિસાઇલોનું પરીક્ષણ કરતા દક્ષિણ કોરિયા છંછેડાયું


(પીટીઆઇ) સિયોલ, તા. 16 ઓગસ્ટ, 2019, શુક્રવાર

ઉત્તર કોરિયાએ આજે સવારે ફરીથી બે અજ્ઞાાત પ્રોજેક્ટાઇલ મિસાઇલોનું પરીક્ષણ કર્યુ છે. મીડિયાના અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ સપ્તાહમાં છઠ્ઠી વખત મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવતા કોરિયન દ્વીપમાં તંગદિલી વધી ગઇ છે. દક્ષિણ કોરિયા અને અમેરિકા દ્વારા સંયુક્તપણે ચાલી રહેલી સૈન્ય ડ્રીલના વિરોધમાં ઉત્તર કોરિયા મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. 

ઉત્તર કોરિયા દ્વારા સતત કરવામાં આવી રહેલા પરીક્ષણથી વિશ્વ સમક્ષ ખતરો ઉભો થયો છે. આજે સવારે પરીક્ષણ કરાયેલી બે મિસાઇલો પૂર્વ તટથી છોડવામાં આવી હતી.આ મિસાઇલ પણ શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા ઘણા લાંબા સમયથી દક્ષિણ કોરિયા અને અમેરિકા દ્વારા  દર વર્ષે યોજાતી સંયુકત સૈન્ય કવાયતનો વિરોધ કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના કાંગવોન પ્રાંતના ટોંગચોન શહેરની પાસેથી આ મિસાઇલો છોડવામાં આવી હતી. આ મિસાઇલોએ 230 કિલોમીટર એટલે કે 143 માઇલનું અંતર કાપ્યું હતું અને અંતે આ બંને મિસાઇલો પૂર્વ સમુદ્ર એટલે કે જાપાનના સમુદ્રમાં પડી હતી. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂને આશા વ્યક્ત કરી હતી કે 2045 સુધીમાં બંને દેશો વચ્ચે શાંતિની સ્થાપના થશે અને શક્ય છે કે 2045 સુધીમાં બંને દેશો ફરીથી એક થઇ જાય. જો કે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને મૂનના આ નિવેદનને ફગાવી દીધો હતો. 

ઉત્તર કોરિયા દ્વારા આજે છોડવામાં આવેલી મિસાઇલોની વિગતવાર માહિતી મળી નથી પણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઇલો પણ અગાઉની જેવી જ શોર્ટ રેન્જ મિસાઇલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

આ દરમિયાન દક્ષિણ કોરિયના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું છે કે અમે ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણ પર બારીકાઇથી નજર રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગયા વર્ષે સિંગાપોરમાં ઐતિહાસિક મંત્રણા થઇ હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં મંત્રણા યોજાવાની હતી પણ મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા માટે સર્જાયેલા મતભેદને કારણે રદ કરવામાં આવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30c6cJ7
via Latest Gujarati News

Post a Comment

0 Comments