370 નાબૂદ થયા બાદ સતત ત્રીજી વખત પાકે. હાર સ્વીકારી


ઇસ્લામાબાદ, તા. 15 સપ્ટેમ્બર, 2019, રવિવાર

આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન દ્વારા ખુલ્લેઆમ યુદ્ધ સહીતની ધમકીઓ આપવામાં આવી હતી, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલો ચગાવવાનો પણ દાવો કર્યો હતો. જોકે ધીરે ધીરે પાક. ઢીલુ પડી ગયું અને સતત ત્રીજી વખત પોતાની હારનો સ્વીકાર કરવો પડયો છે. 

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મામલો લઇ જવાની તૈયારી કરી લીધી હતી પણ હવે તેના કાયદા મંત્રાલય દ્વારા ઇમરાન ખાન સરકારને એવી સલાહ આપવામાં આવી છે કે જો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયા તો હાર નિશ્ચિત છે. 

જ્યારે ઇમરાન ખાન બુમબરાડા પાડી રહ્યા હતા કે અમે આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જઇશું જોકે હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલે બેઠક થઇ તો તેમાં પણ 15માંથી 14 દેશોએ પાકિસ્તાન નહીં પણ ભારતને સાથ આપ્યો હતો તેથી સંયુક્ત રાષ્ટ્રમાં પણ પાક.ની ભૂંડી રીતે હાર થઇ હતી. 

એવી જ રીતે ઇમરાન ખાન અને પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ યુદ્ધની ધમકીઓ આપી હતી. જોકે હવે બન્ને દ્વારા પોતાનો બચાવ કરતા હોય તેવા નિવેદનો થઇ રહ્યા છે. અગાઉ કુરેશીએ કહ્યું હતું કે અમે યુદ્ધ નથી ઇચ્છતા જ્યારે હવે ઇમરાન ખાને કહ્યું છે કે જો યુદ્ધ થાય તો તેમાં પાક.ની હાર શક્ય છે. પહેલી વખત પાકિસ્તાને એક જ મહિનામાં આર્ટિકલ 370 મુદ્દે ત્રણ ત્રણ વખત પોતાની હારનો સ્વીકાર કરવો પડયો છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LWCjGX
via Latest Gujarati News

Post a Comment

0 Comments