અફઘાનિસ્તાનમાં અફઘાન - અમેરિકાની ઝડપી લશ્કરી કાર્યવાહીમાં 90 તાલિબાની આતંકીઓના મોત


(એએનઆઇ) કાબુલ, તા. 15 સપ્ટેમ્બર, 2019, રવિવાર

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથેની શાંતિ માટેની વાટાઘાટો પડતી મૂક્યા પછી તાલિબાનો સામેની લશ્કરી કાર્યવાહી ઝડપી બનાવીને આજે અફઘાન દળોની મદદથી 90 તાલિબાની આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. જ્યારે 20 ત્રાસવાદીઓને જખ્મી કર્યા છે. દેશના સામંગન પ્રાંતમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા છે.

અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વી પ્રાંત પકતીકામાં આજે તાલિબાનો સામે અમેરિકા અને અફઘાનિસ્તાનના દળોએ આતંકવિરોધી સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું.

અમેરિકાની મદદપ્રાપ્ત આ હવાઇ હુમલામાં અમેરિકા - ચઅફઘાનિસ્તાનના દળોએ સંયુક્તપણે કરેલી લશ્કરી કાર્યવાહીમાં 90 તાલિબાની આતંકીઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 20 ત્રાસવાદીઓ ઘાયલ થયા હતા.

આતંકવાદીઓની 23 મોટર સાયકલ, એક ટ્રેકટર અને હથિયારોનો નાશ કરાયો હતો. શાંતિ માટેની વાટાઘાટો નિષ્ફળ નીવડયા પછી તાલિબાનવિરોધી અમેરિકાની આ સહુથી મોટી લશ્કરી કામગીરી મનાય છે, એમ અફઘાન નેશનલ આર્મી કોર્પના પ્રવકતાએ જણાવ્યું. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાના આરંભે, સમજૂતીના દ્વારે પહોંચેલી તાલિબાનો સાથેની શાંતિ-મંત્રણા રદ કરી દીધી હતી.  શાંતિ માટેની વાટાઘાટો છતાં અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલા ચાલુ રહ્યા હતા.

સામંગનમાં પણ 12 તાલિબાનોના મોત

અફઘાનિસ્તાનના સામંગન પ્રાંતમાં પણ તાલિબાનવિરોધી અભિયાન શરૂ કરાયું હતું. અહીં કરાયેલા હવાઇ હુમલામાં તાલિબાન ગૃપ કમાન્ડર મુલ્લા નુરૂદ્દીન સહિત 12 આતંકવાદીઓના મોત થયા હતા. અફઘાન લશ્કરના પ્રવકતા મુહમ્મદ હનીફે કહ્યું કે દારા-એ-સૂફ પયાન જિલ્લામાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. એ પછી આજે સવારે લડાકૂ વિમાનોના હલ્લા દ્વારા એને નિશાન બનાવાયું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34VUQvM
via Latest Gujarati News

Post a Comment

0 Comments