
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર, 2019, શનિવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દેશમાં હિન્દી દિવસના પ્રસંગે 'એક દેશ, એક ભાષા'ની વકીલાત કરતાં હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારવા ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશની એક ભાષા હોવી ખૂબ જ જરૂરી છે. આજે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ હિન્દી ભાષા કરી શકે છે. જોકે તેમના નિવેદનથી વિવાદ સર્જાયો હતો.
અમિત શાહે હિન્દી દિવસ પર એક વીડિયો સંદેશમાં કહ્યું કે સમગ્ર દેશની એક ભાષા હોવી ખૂબ જ જરૂરી છે, જે દુનિયામાં ભારતની ઓળખ બને. આજે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ જો કોઈ ભાષા કરી શકે તો તે સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા જ છે.
હું દેશના બધા જ નાગરિકોને અપીલ કરવા માગું છું કે દુનિયાના 20 ટકાથી વધુ લોકો હિન્દીમાં વાત કરી શકે છે, હિન્દી વાંચી શકે છે, હિન્દીમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે તો હિન્દીને દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષા બનાવવાની દિશામાં શા માટે આગળ ન વધી શકાય? જેથી યુએને પણ સ્વીકારવું પડે કે હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષા છે અને આપણા દેશને એકાત્મતાના સૂત્રમાં બાધવા માટે હિન્દીનો આપણે સદુપયોગ કરી શકીએ છીએ.
શાહે કહ્યું અનેક ભાષાઓ અને અનેક બોલીઓ આપણા દેશની સૌથી મોટી તાકાત છે, પરંતુ દેશની ભાષા એક ભાષા હોય, જેના કારણે વિદેશી ભાષાઓને જગ્યા ન મળે તેવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે.
દેશની એક ભાષાને ધ્યાનમાં રાખીને આપણા પૂર્વજોએ રાજભાષાની કલ્પના કરી હતી અને રાજભાષારૂપે હિન્દી સ્વીકારી હતી. હિન્દીને પ્રોત્સાહન આપવું આપણી જવાબદારી છે. હિન્દી દિવસના પ્રસંગે શનિવારે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે આજે હિન્દી દિવસના પ્રસંગે હું બધા નાગરિકોને અપીલ કરૂં છું કે આપણે પોત-પોતાની માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાની સાથે હિન્દી ભાષાનો પણ ઉપયોગ કરી દેશની એક ભાષાને પૂજ્ય બાપૂ અને સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપીએ.
જોકે, અમિત શાહના આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો અને ખાસ કરીને બંગાળથી લઈને દક્ષિણના રાજ્યોએ અમિત શાહના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો. એઆઈએમઆઈએમના વડા અસાદુદ્દિન ઓવૈસીએ 'એક ભાષા'ની ચર્ચાને હિન્દુત્વ સાથે જોડીને આ વિવાદને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો. તેમણે ટ્વીટ કરી કહ્યું, હિન્દી દરેક ભારતીયની માતૃભાષા નથી. ભારત હિન્દી, હિન્દુ, હિન્દુત્વથી પણ મોટો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે આપણે બધી ભાષાઓ અને સંસ્કૃતિઓનું સમાનરૂપે સન્માન કરવું જોઈએ. તામિલનાડુના દ્રમુકના નેતા સ્ટાલીને કહ્યું કે અમે સતત હિન્દીને અમારા પર થોપવાનો વિરોધ કરી રહ્યા છીએ. આજે અમિત શાહે કરેલી ટીપ્પણી આઘાતજનક છે. તેનાથી દેશની એકતા પર અસર થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZTYxCx
via Latest Gujarati News
0 Comments