યુવકોને આતંકી બનાવવા પાક. મોકલતો અલકાયદાનો વોન્ટેડ આતંકી ઝડપાયો


પાક. અને ભારતમાં કોના સંપર્કમાં હતો તેની તપાસ જારી, અલકાયદા સહિતના સંગઠનો માટે કામ કરતો હતો 

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2019, રવિવાર

માત્ર કાશ્મીર જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકીઓ છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે અલકાયદાના એક એક આતંકીની ઝારખંડથી ધરપકડ કરી હતી.

ઝડપાયેલો આતંકી અન્ય યુવકોનું માઇન્ડ વોશ કરીને આતંકી બનાવવા માટે પાકિસ્તાન મોકલતો હતો. આ આતંકીનું નામ મોહમ્મદ કલીમુદ્દીન મુજાહિરી છે અને તે ઘણા સમયથી વોન્ટેડ પણ હતો.  

પોલીસે તેની વિરૂદ્ધ જમશેદપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી તે ફરાર હતો. કલીમુદ્દીન મુજાહિરી આતંકવાદી સંગઠન અલકાયદા ઇંડિયા સબકંટિનેંટ (એક્યુઆઇએસ)માં રહીને જેહાદ એ વતન માટે યુવકોને તૈયાર કરતો હતો.

ઝારખંડ પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકી ઘણા યુવકોના સંપર્કમાં હતો, યુવકોનો સંપર્ક કરવા માટે તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતો હતો. 

એટલુ જ નહીં આતંકી યુવાઓને પાકિસ્તાન મોકલવા માટે પણ તૈયાર કરી લેતો હતો, પાકિસ્તાનમાં બાદમાં તેના આકાઓ યુવકોને આતંકી બનવાની તાલિમ આપતા હતા. પોલીસ ઘણા સમયથી તેની તપાસ કરી રહી હતી અને તેને વોન્ટેડ પણ જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર તેને જમશેદપુરના ટાટાનગર રેલવે સ્ટેશન પાસેથી જ પકડી પાડવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી તે અલગ અલગ સૃથળે છુપાઇને ફરતો હતો જોકે અંતે ઝડપાઇ ગયો હતો. તેની ધરપકડથી અન્ય આતંકીઓ સુધી પહોંચવામાં પણ મદદ મળી રહેશે. 

એવી શક્યતાઓ છે કે તે કાશ્મીરના આતંકીઓના પણ સંપર્કમાં હતો. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે તે ભારતમાં આવ્યો કેવી રીતે અને પાકિસ્તાનમાં તે કોના કોના સંપર્કમાં છે.

 આ ઉપરાંત હાલ ભારતમાંથી તેણે કેટલા યુવકોને પાકિસ્તાન મોકલ્યા છે વગેરેની માહિતી કઢાવવામાં આવી રહી છે. અલકાયદા સંગઠન માટે પણ તે કામ કરતો હતો અને અન્ય આતંકી સંગઠનોને પણ તે મદદ કરી રહ્યો હોવાના પણ અહેવાલો છે. આ ઉપરાંત તે ભારતમાં ક્યા ક્યા હુમલા કરવાનું આયોજન કરી રહ્યો હતો તેની પણ માહિતી મેળવવાના પ્રયાસો જારી છે, જોકે આ બધા સવાલોના જવાબ તેની પૂછપરછ બાદ સામે આવી શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nv5e8a
via Latest Gujarati News

Post a Comment

0 Comments