
પટના, તા. 14 નવેમ્બર, 2019, ગુરૂવાર
બિહારની વિભૂતિ સમાન મહાન ગણિતજ્ઞા વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન થયું છે. પટનાના કુલ્હરિયા કોંપ્લેક્સમાં તેઓ પોતાના પરિવારજનો સાથે રહેતા હતા અને ગુરૂવારે સવારે તેમનું નિધન થયું હતું.
વહેલી સવારે વશિષ્ઠ નારાયણની તબિયત લથડતાં તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક પીએમસીએચ પહોંચાડયા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા.
વશિષ્ઠ નારાયણની તબિયત છેલ્લા ઘણા સમયથી નાજુક હતી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત રાજ્ય સરકારના કોઈ ટોચના મંત્રીએ તેમની ખબર કાઢવા જવાની સૌજન્યતા નહોતી જાળવી.
આ તરફ પ્રકાશ ઝાએ તેમના પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી રાખી હતી. આરાના બસંતપુરના રહેવાસી વશિષ્ઠ નારાયણ સિંહ બાળપણથી જ ખૂબ તેજસ્વી હતા. તેમના મૃત્યુ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે દુખ વ્યક્ત કર્યું હતું અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાવવાની જાહેરાત કરી હતી.
વધુમાં તેમણે વશિષ્ઠ નારાયણે સમગ્ર વિશ્વમાં બિહાર અને ભારતનું નામ રોશન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. ગરીબ કુટુંબમાં જન્મેલા વશિષ્ઠ નારાયણે છઠ્ઠા ધોરણમાં નેતરહાટની એક શાળામાં દાખલો લીધો હતો અને ત્યાર બાદ સતત પ્રગતિના પંથે આગળ વધ્યા હતા.
તેઓ જ્યારે પટનાની સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે તેમનું નસીબ ચમક્યું હતું અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર જોન કૈલીની તેમના પર નજર પડી હતી. ત્યાર બાદ 1965માં વશિષ્ઠ નારાયણ અમેરિકા જતા રહ્યા હતા અને ત્યાં તેમણે 1969માં પીએચડીનો અભ્યાસ કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pfFK42
via Latest Gujarati News
0 Comments