મુંબઈ, 25 ડિસેમ્બર 2019, બુધવાર

બોલિવૂડમાં આજના સમયમાં બોલ્ડ ફોટોશૂટ અને લવમેકિંગ સીન કરવા સાવ સામાન્ય વાત થઈ ચુકી છે. મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી કવર પેજ પર લગભગ દરેક અભિનેત્રી ચમકી ચુકી છે. પરંતુ વાત આવે 1951ની તો વિચાર કરવો પડે કે તે સમયમાં બોલ્ડ ફોટોશૂટ કરવાની હિંમત કોણ કરી શકે ? આ એ સમય હતો જ્યારે યુવતીઓ ફિલ્મોની અભિનેત્રી બનવાથી પણ ગભરાતી હતી. સામાન્ય રીતે તે સમયની ફિલ્મોમાં અભિનેત્રીઓ સાડીમાં જ જોવા મળતી. આ સમયમાં આવેલી એક અભિનેત્રીએ સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દીધા હતા પોતાની બોલ્ડનેસથી. આ અભિનેત્રી હતી બેગમ પારા.

બેગમ પારાએ લાઈફ મેગેઝીન માટે સૌથી પહેલા ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તેણે વાઈટ સાડી પહેરી હતી અને સાથે જ સિગરેટના કશ લગાવ્યા હતા. આ ફોટોશૂટ પછી તેઓ બોમશેલ અને પીન અપ ગર્લ તરીકે પ્રખ્યાત થયા હતા. આ ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર જેમ્સ બુર્કેએ કર્યું હતું. 

પાકિસ્તાનથી આવ્યા હતા બેગમ પારા

બેગમ પારાનો જન્મ 25 ડિસેમ્બર 1926ના રોજ ઝેલમમાં થયો હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલી પારાના 10 ભાઈ બહેન હતા. એક મુલાકાત દરમિયાન બેગમ પારાએ જણાવ્યું હતું કે, તેઓ શરૂઆતમાં જાલંધરમાં રહેતા હતા અને પછી બીકાનેર આવ્યા. તેમના પિતા જસ્ટિસ હતા અને તેમનો પ્રાથમિક અભ્યાસ બીકાનેરમાં જ થયો હતો.

કોલેજના અભ્યાસ માટે તેઓ અલીગઢ ગયા હતા. તેમણે હોસ્ટેલમાં રહી કોલેજનો અભ્યાસ કર્યો હતો. તેમનો પરીવાર મોર્ડન વિચારોનો હતો તેથી પડદા કરવાના રીવાજ ક્યારેય પાળ્યા ન હતા. તેમને ફિલ્મો જોવાની પણ આઝાદી હતી. તેમનું નામ પારા હતું પરંતુ ફિલ્મોમાં આવ્યા એટલે તેમણે નામની આગળ બેગમ શબ્દો જોડ્યો. 

ફિલ્મોમાં એન્ટ્રી

પારા વેકેશનમાં મુંબઈ જતા, ત્યાં તેમના ભાભી પ્રોતિમા દાસગુપ્તા રહેતા જે કોર્ટ ડાંસર ફિલ્મમાં અભિનય કરતી હતી. તેમના ઘર અનેક લોકો આવતા જે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. તે જ સમયે કેટલાક પ્રોડ્યુસર અને ડિરેકટરને તે મળ્યા જેમણે પારાને અભિનય કરવાની સલાહ આપી. આ રીતે તેમની ફિલ્મી કારર્કિદીની શરૂઆત થઈ હતી. 

બેગમની બોલિવૂડ સફર

બેગમ પારા 1940,50ની સૌથી બોલ્ડ અભિનેત્રી હતા. તેમણે 17 વર્ષની ઉંમરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની પહેલી ફિલ્મ ચાંદ હતી જેમાં તે પ્રેમ અદીબ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1944માં રિલીઝ થઈ હતી.

બેગમ પારા સોહની મહિવાલ ( 1946 ), ઝંઝીર ( 1947 ), મેહંદી ( 1947 ) જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમણે નીલ કમલ ( 1947 )માં રાજકપૂર અને મધુબાલા સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તે લૈલા મજનૂ ( 1953 ), નયા ઘર અને પહેલી ઝલક ( 1955 )માં પણ જોવા મળ્યા હતા. 

બેગમ પારાનું લગ્નજીવન

ફિલ્મી કારર્કિદી આગળ વધ્યા બાજ બેગમ પારાએ 1956માં દિલીપ કુમારના ભાઈ નાસિર ખાન સાથે લગ્ન કર્યા અને ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો. તેમના ત્રણ સંતાન હતા જેમાંથી અયૂબ ખાન જે ફિલ્મ અભિનેતા છે.  49 વર્ષની ઉંમરએ નાસિરનું અવસાન થયું અને પારાએ ત્રણેય સંતાનોની એકલા હાથે પરવરીશ કરી. 

બેગમ પારાની છેલ્લી ફિલ્મ

પારા છેલ્લે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયામાં જોવા મળ્યા હતા.  આ ફિલ્મ 2007માં આવી હતી. આ ફિલ્મમાં તે સોનમ કપૂરની દાદીના પાત્રમાં જોવા મળ્યા હતા. વર્ષ 2008ના વર્ષમાં ડિસેમ્બર માસમાં જ તેમને 81 વર્ષની ઉંમરએ અવસાન થયું હતું. 

લવમેકિંગ સીન 

2007ના વર્ષમાં બેગમ પારાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેણે તે સમયે પણ લવ મેકિંગ સીન કર્યા હતા. તેમની પહેલી ફિલ્મ ચાંદમાં તેમણે લવમેકિંગ સીન કર્યા છે. પરંતુ તે સમયે બધું જ ઘણું અલગ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મોમાં તેમણે દરેક પ્રકારના રોલ કર્યા છે. બોલ્ડ ઈમેજ દર્શાવવી તે સમયે ખૂબ મોટી વાત હતી. તે સમયે તેઓ જીન્સ, પેન્ટ ડ્રેસ પણ પહેરતા એટલા માટે મેગેઝીન માટે તેમના ફોટોશૂટ કરવામાં આવતાં. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PSHxXe
via Latest Gujarati News