
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર
દિલ્હીના કિરાડી વિસ્તારમાં કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી. એમાં 9 લોકોનાં મોત થયા હતા. ત્રણની હાલત ગંભીર હોવાનું મનાય છે. ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારે સહાયની જાહેરાત કરી હતી.
દિલ્હીના કિરાડી વિસ્તારમાં આવેલા એક કપડાના ગોદાનમાં આગ ફાટી નીકળી હતી. ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ ગોદાનમાં ફેલાઈ હોવાનું પ્રાથમિક તારણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્રણ લોકો તો આગમાં લપેટાઈને ઘટના સૃથળે જ ભડથુ થઈ ગયા હતા.
એ સિવાયના છ લોકોનાં મોત સારવાર દરમિયાન થયા હતા. ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાયું હતું. 10 જેટલા લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ગોદાનમાં અગ્નિશામક સાધનો ન હતા એટલે આગને ફેલાતી અટકાવી શકાઈ ન હતી. ફાયર ફાઈટર્સના જવાનોએ 10ને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
કપડાંનું આ ગોડાઉન ત્રણ માળના બિલ્ડિંગમાં આવેલું હતું અને એ બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી અને કપડાં સળગવાં લાગતા છેક ત્રીજા માળે પહોંચી ગઈ હતી. આગ લાગી ત્યારે ઘણાં લોકો ગોડાઉનમાં સૂતા હતા. એ લોકો આગની લપેટમાં આવી ગયા હતા.
અનાજ મંડી અગ્નિકાંડ : મેનેજર, માલિકો સહિત ત્રણ આરોપીના 14 દિવસનાં જ્યુડિશિયલ રિમાન્ડ મંજૂર
દિલ્હીની અનાજ મંડીમાં લાગેલી આગમાં 43 લોકોનાં મોત થયા હતા. એ મુદ્દે કોર્ટે મેનેજર અને બે પ્રોપર્ટી માલિકોને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. ચાર માળની બિલ્ડિંગમાં લાગેલી આગ પાછળ ફાયર સેફ્ટીના નિયમોમાં ગંભીર ગરબડો થઈ હોવાનું જણાયું હતું. પોલીસે આ આગ પછી પ્રોપર્ટી માલિક, સહમાલિક એવો તેનો સાળો અને મેનેજર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ બિલ્ડિંગમાં ગેરકાયદે પ્રોડક્શન યુનિટ ચલાવતા હોવાનું બહાર આવ્યું પછી પોલીસે કોર્ટમાં વધારે સમય માટે કસ્ટડીની માગણી કરી હતી. કોર્ટે પોલીસની માગણી મંજૂર કરીને આરોપીઓની 14 દિવસની કસ્ટડી આપી હતી. પોલીસે કહ્યું હતું કે આ ખૂબ જ સંવેદનશીલ બાબત હોવાથી સુરક્ષામાં ગરબડ કરનારાની તપાસ કરવી જરૂરી છે. એટલે કોર્ટમાં વધારે સમય માગવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sZ7dsc
via Latest Gujarati News
0 Comments