
હરિયાણામાં ભાજપને સરકાર બનાવતા પ્રાદેશિક પક્ષનો ટેકો લેવો પડયો
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર
ભાજપને હવે જુદા જુદા રાજ્યોના કોંગ્રેસ સિવાયના પ્રાદેશિક પક્ષો સત્તાથી દૂર રાખવામાં સફળ થતા જાય છે અને કોંગ્રેસે વ્યવહારૂ અભિગમ વાપરીને બેક ફૂટ પર રહીને પણ જે તે રાજ્યોમાં સાથી પક્ષોનો વિશ્વાસ મેળવી ગઠબંધન કરવાની સચોટ રણનીતિ અપનાવી છે.
મોદી અને અમિત શાહનો પ્રભાવ કમ સે કમ વિધાનસભાની ચૂંટણીમાં તો ઘટી ગયો છે તે પામી જઇને જ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ જોડે બેસવા તરફ ઝોક બતાવી રહ્યા હોય તેમ લાગે છે. કોંગ્રેસની તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને સત્તા પર આવી શકે તેવી શક્યતા નથી તે ખરૂ પણ ભાજપની પણ આવી સ્થિતિ થાય તો વજ્રઘાત સમાન ટ્રેન્ડ છે.
ઝારખંડમાં ભાજપ જે એસ યુને તેમની સાથે ગઠબંધન કરાવવામાં સફળ ન થયું તે જ બતાવે છે કે પ્રાદેશિક પક્ષો પણ તેલ જૂઓ અને તેલની ધાર જૂએ જેવા શાણા બની ગયા છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ જોડે હાથ મીલાવ્યા. કોંગ્રેસે મુત્સદ્દીગીરી વાપરીને ભાજપને સત્તાથી દૂર રાખતા અસાધારણ સાથ શિવસેનાને આપી દીધો જે ભાજપની થિંક ટેન્કની કલ્પના બહારની વાત હતી.
મધ્યપ્રદેશમાં પણ કમલનાથના નેતૃત્વ હેઠળ સરકાર બનાવતા કોંગ્રેસે બહુજન સમાજવાદી પક્ષના બે, સમાજવાદી પક્ષના એક તેમજ ચાર અપક્ષોનો ટેકો મેળવ્યો હતો. કોંગ્રેસે તેની 114 ઉપરાંત સરકાર રચવા જરૂરી 7 બેઠકો આ રીતે મેળવી. ભાજપની 108 બેઠકો હતી.
ઓડિશામાં બીજુ જનતા દળ સામે ભાજપ હાર્યું તે પ્રાદેશિક પક્ષની તાકાતનું વધુ એક ઉદાહરણ છે. દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીનો ટેકો ના હોત તો હરિયામામાં પણ તેઓ સરકાર બનાવી ના શક્યા હોત. કાશ્મીરમાં પીડીપી અનિવાર્ય હતું. નોર્થ ઈસ્ટનાં રાજ્યો કે ગોવામાં પણ નાના પક્ષ કે અપક્ષો ભેગા કરવાથી ભાજપ ટકી શક્યું છે.
કેન્દ્ર સરકારમાં એનડીએની રીતે જોઇએ તો શિવસેના, ચંદ્રાબાબુ નાયડુના ટીડીપીએ છેડો ફાડી નાખ્યો છે અને હવે નીતિશકુમાર અને રામવિલાસ પાસવાનનો પક્ષ પણ એવી સેન્સ આપી રહ્યો છે કે બહુ લાંબુ નહીં ચાલે.
2020ના વર્ષમાં જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં દિલ્હીમાં તેમજ તે પછી છેક વર્ષના અંતે નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી હોઇ તમામ પક્ષો બદલાતા પ્રવાહોને પામીને તેમની રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઇ જશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EKXuZi
via Latest Gujarati News
0 Comments