
રાજ્યોમાં સીએએ, એનઆરસી લાગુ નહીં થવા દઇએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની જાહેરાત
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર
દેશમાં જ્યારે સીએએ અને એનઆરસીના વિરોધમાં ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ તેમાં જોડાઇ હતી અને દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ સાથે ધરણા કર્યા હતા. અધ્યક્ષા સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના અનેક નેતાઓ, કાર્યકર્તાઓએ સત્યાગ્રહ નામે આ ધરણા કર્યા હતા. જે નેતાઓ આ સત્યાગ્રહમાં જોડાયા હતા તેમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ વગેરે જોડાયા હતા.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મનમોહનસિંહે આ સત્યાગ્રમ ધરણામાં બંધારણના આમૂખનું પઠન કર્યું હતું. હાલ દેશમાં જે લોકો વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયા છે તેમને શ્રદ્ધાંજલી પાઠવવા માટે નેતાઓએ એક મિનિટનું મૌન પણ પાળ્યું હતું. આ અંગે જાણકારી આપતા કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન સરકારને એ યાદ અપાવવાનું હતું કે દેશનું બંધારણ કેટલુ મજબૂત છે.
આ ધરણા રાજઘાટ પર યોજવામાં આવ્યા હતા કે જ્યાં ગાંધીજીની સમાધી આવેલી છે. ગાંધીજી સત્યાગ્રહ માટે જાણીતા હતા, તેથી કોંગ્રેસે આ ધરણાને પણ સત્યાગ્રહ નામ આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતુ ર્કે દેશમાં યુવાઓ પર જે અત્યાચાર થયા તે અને જે ગેર બંધારણીય કાયદો લાવવામાં આવ્યો છે તેના વિરોધમાં જે યુવાઓ, વિદ્યાર્થીઓ, ગરીબો, મહિલાઓ, વૃદ્ધો વગેરે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેને કોંગ્રેસનો સંપૂર્ણપણે ટેકો છે.
અન્ય જે નેતાઓ આ પ્રદર્શનમાં જોડાયા હતા તેમાં અહેમદ પટેલ, અશોક ગેહલોત, કમલ નાથ, એ.કે. એન્ટોની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે, આનંદ શર્મા, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના મોટા ભાગના નેતાઓ, પક્ષના કાર્યકર્તાઓ આ સત્યાગ્રણ નામના ધરણા પર બેઠા હતા.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓ અહીં એ લોકોની સાથે ઉભા રહેવા આવ્યા છે કે જેઓ આ દેશમાં એનઆરસી, સીએએનો વિરોધ કરી રહ્યા છે. આ સત્યાગ્રહ ધરણામાં બોલતી વેળાએ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે બિજનોરમાં 22 વર્ષનો બાળક અનસ કોફીનું મશિન ચલાવી પોતાનું ઘર ચલાવતો હતો અને થોડા દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા તે આ પ્રદર્શનમાં માર્યો ગયો છે. જ્યારે એક 21 વર્ષનો યુવક સુલેમાન કે જે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો તેની માતાએ મને કહ્યું કે મારો પુત્ર આ દેશ માટે શહિદ થયો છે. આ દરેક બાળકો માટે અમે આજે અહીં બેઠા છીએ કે જેઓ આ આંદોલનમાં શહીદ થયા છે. અહેમદ પટેલે કહ્યું હતું કે આજે એવા લોકો સત્તામાં બેઠા છે કે જેઓના એક પણ વ્યક્તિ આ દેશની આઝાદીની લડાઇમાં સામેલ નહોતા. આજે લોકતંત્ર, રાષ્ટ્ર ખતરામાં છે.
બોક્સર અને કોેંગ્રેસના નેતા જિતેન્દ્રસિંહે પણ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના નેતા મિરા કુમારે કહ્યું તું કે આ દેશને આઝાદી અપાવવામાં આ દેશના ગરીબો, દલિતો, વંચીતો દરેક વર્ગના લોકો લડાઇ લડયા.
જોકે તે સમયે તેમને કોઇએ તેમની નાગરિકતા નહોતી પૂછી, આજે જે લોકો આ દેશના નાગરિકોની જ નાગરિકતા પૂછી રહ્યા છે તેઓ આ દેશની આઝાદી માટે કુરબાનીઓ અપાઇ રહી હતી ત્યારે ક્યાંય પણ નહોતા. આ ધરણામાં કોંગ્રેસના જે મુખ્ય પ્રધાનો જોડાયા હતા તેમણે જાહેરાત કરી હતી કે તેમના રાજ્યોમાં એનઆરસી, સીએએ લાગુ નહીં થવા દઇએ.
જનતાએ મોદી-શાહનો ઘમંડ ઉતાર્યો : વિપક્ષ
બિન ભાજપી પક્ષો પર વિશ્વાસ : એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે ઝારખંડના નાગરિકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો ઘમંડ ઉતારી દીધો છે. જ્યારે એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે ઝારખંડના પરિણામો એ દર્શાવે છે કે લોકો હવે બિન ભાજપી પક્ષો પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે.
શાહ-મોદીને નકારી દીધા : શિવસેનાએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર બાદ ઝારખંડ પણ ભાજપે ગૂમાવ્યું, લોકોને હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદી પરથી વિશ્વાસ ઉતરી રહ્યો છે, આ બન્ને નેતાઓએ દાવો કર્યો હતો કે એનઆરસી અને નાગરિકતા કાયદો જીતમાં મદદ કરશે પણ એવું ન થયું, ઝારખંડના ગરીબો, આદિવાસીઓએ શાહ-મોદીને નકારી દીધા છે.
ભાજપ અપરાજીત નથી : કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે જો દરેક વિરોધ પક્ષો એક થઇ જાય તો આગામી દિવસોમાં જે થોડા ઘણા રાજ્યો બચ્યા છે ત્યાં પણ ભાજપની હાર નિશ્ચિત છે. આ પરીણામો પરથી એક બાબત બહુ જ સ્પષ્ટ થાય છે કે ભાજપ અપરાજીત નથી, તેને ગમે ત્યારે પરાજીત કરી જ શકાય. અગાઉ હરિયાણામાં ઘમંડ ઉતર્યો, મહારાષ્ટ્ર અને હવે ઝારખંડમાંથી પણ સત્તા ગુમાવી છે જે પુરવાર કરે છે કે ભાજપ અપરાજિત નથી તેને હરાવી જ શકાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35UBreO
via Latest Gujarati News
0 Comments