ઝારખંડમાં પરિવર્તનનો પવન : ભાજપનું રાજ ગયું, મહાગઠબંધન સત્તામાં


મારા રાજ્યનો મજૂર હવે નાગરિકતા પુરવાર કરવાની નહીં પણ મનરેગાની લાઇનમાં ઉભો રહેશે : ભાવી સીએમનો કટાક્ષ



નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે, ઝારખંડમાં ભાજપે સત્તા ગૂમાવી દીધી છે જ્યારે અહીંનો સૃથાનિક પક્ષ ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ, આરજેડીનું ગઠબંધન સરકાર બનાવવા જઇ રહ્યું છે.

પરીણામોના અંતિમ આંકડા પર નજર કરીએ તો 81 વિધાનસભા બેઠકોમાંથી ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ) અને કોંગ્રેસના ગઠબંધનને 45થી વધુ બેઠકો મળી ગઇ છે જે સરકાર રચવા માટે પુરતી છે જ્યારે ભાજપ અહીં માત્ર 25 જેટલી બેઠકો જ મેળવી શક્યું છે.  આ જીત સાથે જ ઝારખંડ મુક્તિ મોર્ચાના વડા અને આદિવાસીઓમાં પ્રખ્યાત હેમંત સોરેન ઝારખંડના નવા મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે. 

હેમંત સોરેન અને ગઠબંધનના આમ નાગરિકો વચ્ચે જઇ કરાયેલા પ્રચારને કારણે જ આ જીત મળી છે. જ્યારે બીજી તરફ ભાજપે વધુ એક રાજ્ય ગૂમાવ્યું છે. ભાજપનો અહીં સૃથાનિક ચેહરો રઘુબર દાસ હતા કે જેઓ આદિવાસી નથી જ્યારે ગઠબંધનના સ્ટાર પ્રચારક આદિવાસી નેતા હેમંત સોરેન હતા. આ જીત બાદ હેમંત સોરેને કહ્યું હતું કે આ જીતથી ઝારખંડમાં એક નવા યુગની શરૂઆત થશે.

અમને સ્પષ્ટ બહુમત આપવા બદલ હું ઝારખંડની જનતાનો આભાર વ્યક્ત કરૂં છું. હેમંત સોરેન પૂર્વ મુખ્ય પ્રધાન સિબુ સોરેનના પુત્ર છે. હેમંતે જીત બાદ પિતા સિબુ સોરેનને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે આ જીત  સિબુ સોરેનના સપનાઓ અને આશાઓને પુરી કરવા માટે મળી છે. આ રાજ્યના એક નવા યુગની શરૂઆત થવા જઇ રહી છે.

હેમંત સોરેને કહ્યું હતું કે સરકારના એનઆરસીને જનતાએ જાકારો આપ્યો છે, અગાઉ નોટબંધી લાગુ કરી લાઇનોમાં ઉભા રાખ્યા જ્યારે હવે એનઆરસી લાગુ કરી લાઇનોમાં ઉભા રાખવા માગે છે. મજૂરો ક્યાંથી પોતાની નાગરિકતા પુરવાર કરે, હવે તેઓ મનરેગાની લાઇનમાં ઉભા રહીને પોતાની નાગરિકતા સાબિત કરશે.  

હેમંત સોરેન આદિવાસીઓમાં હીરો છે

ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ) અને કોંગ્રેસના ગઠબંધનની આગેવાની હેમંત સોરેને સંભાળી હતી. હેમંત સોરેનની પ્રચાર કરવાની સ્ટ્રેટેજી કામ આવી ગઇ અને આ જીતનો શ્રેય તેમને આપવામાં આવી રહ્યો છે. હેમંત સોરેન આદિવાસીઓમાં પ્રખ્યાત નેતા છે. 

તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન સિબુ સોરેનના પુત્ર છે. 44 વર્ષીય હેમંત સોરેન પાસે કોઇ વિશેષ ડીગ્રી નથી પણ તેઓ આદિવાસીઓમાં બહુ જ પ્રખ્યાત નેતા છે. 2005માં તેઓએ વિધાનસભાની ચૂંટણી સાથે રાજકારણમાં પગ મુક્યો હતો. જોકે તેઓને સ્ટિફન મરાંડીએ હરાવી દીધા હતા, 2009માં મોટા ભાઇ દુર્ગાની મોત બાદ બદલાવ આવ્યો. હેમંત સોરેને દુર્ગાનું સ્થાન લીધુ અને પક્ષમાં આગળ આવ્યા. 

2009થી 2010 દરમિયાન હેમંત સોરેન રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા. તેઓ અર્જૂન મૂંડાની સરકારમાં ઉપ મુખ્ય પ્રધાન બન્યા, 2013માં તેઓ સૌથી નાની ઉંમરે મુખ્ય પ્રધાન બન્યા. જોકે તેઓ એક વર્ષ સુધી જ મુખ્ય પ્રધાન પદ પર રહી શક્યા હતા.

જાન્યુઆરીમાં હેમંત સોરેને કોંગ્રેસ અને આરજેડી જેવા પક્ષોની સાથે ગઠબંધન કરવાની શરૂઆત કરી દીધી હતી. પ્રચાર પણ સ્થાનિક સ્તરે બહુ જ કર્યો અને મોટી રેલીઓ કરવાનું ટાળ્યું, હેલિકોપ્ટર લઇને ઠેર ઠેર પ્રચારમા લાગી ગયા અને એવા વિસ્તારમાં પણ પહોંચ્યા કે જ્યાં વાહનો જવા મુશ્કેલ હોય. હવે તેઓ ઝારખંડના મુખ્ય પ્રધાન બનવા જઇ રહ્યા છે. 

સીએમની હારનો રેકોર્ડ રઘુબર દાસે જાળવી રાખ્યો

ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં પરીણામો ચોકાંવનારા પણ છે, કેમ કે અહીં ભાજપની કમાન જે સ્થાનિક નેતા રઘુવર દાસ પાસે હતી તેઓ જ ચૂંટણી હારી ગયા છે. રઘુવર હાસ મુખ્ય પ્રધાન હોવા છતા જમશેદપુરની બેઠક પરથી તેમના પ્રતિદ્વંદી સુર્યા રોય સામે હારી ગયા છે. જ્યારે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા છે. 

સૂર્યા રાય અપક્ષ ઉમેદવાર તરીકે જ ચૂંટણી લડયા અને રઘુવર દાસને હરાવ્યા. જ્યારે સામેપક્ષે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન બે બેઠકો બારહેતી અને દુમકા બન્ને બેઠકો જીતી ગયા હતા. 

પહેલી બેઠક પર તેઓએ ભાજપના ઉમેદવારને 25 હજાર જ્યારે બીજી બેઠક પર 13 હજાર મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જ્યારે ઝારખંડના કોંગ્રેસના પ્રમુખ રમેશ્વર ઓરાઓ પણ જીતી ગયા હતા. 

જ્યારે બીજી તરફ ભાજપના બે મંત્રીઓ પણ હારી ગયા હતા જેમાં એક શ્રમ પ્રધાન રાજ પાલીવરનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઝારખંડનો એક ઇતિહાસ રહ્યો છે કે અહીં મોટા ભાગની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનોએ હારનો સામનો કરવો જ પડયો છે. 2008માં સિબુ સોરેન હારી ગયા હતા, 2014માં બાબુલાલ મરાંડી બન્ને બેઠકો પર હારી ગયા હતા, 2014માં ત્રણ વખત સીએમ રહેલા અર્જૂન મૂંડા પણ હારી ગયા હતા. 2014માં જ પૂર્વ મુખ્ય પ્રધાન મધુકોડા પણ હાર્યા હતા. 

મોદી-અમિત શાહે જ્યાં રેલીઓ કરી ત્યાં નવ બેઠકો ભાજપે ગુમાવી

ગઠબંધનના પ્રચારની કમાન હેમંત સોરેને સંભાળી હતી : પ્રજાએ રઘુબરને રવાના કર્યા

નવી દિલ્હી,તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે અહીં અનેક રેલીઓ સંબોધી હતી, અને રામ મંદિર, એનઆરસી, સીએએ જેવા અનેક મુદ્દાઓને આ રેલીઓમાં ઉઠાવ્યા હતા છતા ભાજપે હારનો સામનો કરવો પડયો છે. મોદી પાંચ વખત ઝારખંડ આવ્યા હતા અને 9 સભાઓને સંબોધીત કરી હતી, જે વિસ્તારોમાં મોદી અને અમિત શાહે સભાઓ કરી તેમાં  નવ જેટલી બેઠકો ભાજપે ગૂમાવવી પડી હતી.   

જે વિસ્તારોમાં મોદીએ સભાઓ કરી હતી તેના પર નજર કરીએ તો ગુમલા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મિસિર કુઝૂર હારી ગયા, જ્યારે જમશેદપુર પૂર્વમાં ખુદ મુખ્ય પ્રધાન રઘુવર દાસ હારી ગયા અને જમશેદપૂર પશ્ચિમમાં પણ ભાજપની હાર થઇ. બહરીમાં પણ મોદીની સભા હતી અને અહીં પણ ભાજપ હારી ગઇ, દુમકામાં પણ ભાજપ હારી ગઇ. 

તેવી જ રીતે અમિત શાહે જે રેલીઓ કરી તે વિસ્તારોમાં ભાજપની હાર પર નજર કરીએ તો ભાજપે આવી પાંચ બેઠકો ગૂમાવી છે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ જે સભાઓ કરી હતી તેમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની હાર થઇ હતી પણ સામે ચાર બેઠકો પર જીત મેળવી લીધી હતી. હેમંત સોરેનની મોટા ભાગની સભાઓ સફળ રહી હતી અને મોટા ભાગને બેઠકો જીતી લીધી હતી. 

પૂર્ણિમાએ રાગિણીને ઝરિયાની બેઠકમાં 5000 મતોથી હરાવી  

'ગેંગ્સ ઓફ વાસેપુર'ના પરિવારની દેરાણી ચૂંટણીમાં જેઠાણી પર ભારે પડી

ફિલ્મમાં રામાધીર સિંહનું કેરેક્ટર સૂર્યદેવ સિંહથી પ્રેરિત હતું, સૂર્યદેવની પુત્રવધૂઓ વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ગેંગ્સ ઓફ વાસેપુરના પરિવારની દેરાણી-જેઠાણી વચ્ચે જંગ ખેલાયો હતો. દેરાણીએ જેઠાણીને 5 હજાર મતોથી પરાજય આપીને ઝરિયાની બેઠક કબ્જે કરી હતી.

ગેંગ્સ ઓફ વાસેપુરમાં રામાધીર સિંહનું કેરેક્ટર સૂર્યદેવ સિંહ પરથી પ્રેરિત હતું. ધનબાદ, ઝરિયા, વાસેપુરમાં સૂર્યદેવ સિંહની આણ પ્રવર્તતી હતી. એ સૂર્યદેવ સિંહનો એક ભાઈ બચ્ચા સિંહ મંત્રી રહી ચૂક્યો છે.

બીજા ભાઈ રાજન સિંહના પુત્ર નિરજસિંહની હત્યા સૂર્યદેવ સિંહના પુત્ર સંજીવ સિંહે કરી હતી. નિરજ અને સંજીવ સગા કાકા-બાપાના છોકરા હતા. 2014માં સંજીવ સિંહ ભાજપની ટિકિટ પર ઝરિયાની બેઠકમાં જીત્યો હતો. કોંગ્રેસે નિરજ સિંહને ટિકિટ આપી હતી. ચૂંટણી પછી 67 ગોળી ધરબીને નિરજની હત્યા કરી દેવામાં આવી હતી.

સંજીવ સિંહ હત્યાના આરોપમાં જેલમાં હોવાથી ભાજપે તેની પત્ની રાગિણીને ઝરિયા બેઠક પર ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે નિરજ સિંહની પત્ની અને રાગિણીની દેરાણી પૂર્ણિમાને ટિકિટ આપી હતી. સૂર્યદેવ સિંહની આ બે પુત્રવધૂઓ વચ્ચે જંગ હોવાથી ઝરિયાની બેઠક ચર્ચામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ ચૂંટણીજંગમાં આખરે દેરાણી પૂર્ણિમાએ જેઠાણી રાગિણીને 4913 મતોથી પરાજય આપ્યો છે. તે સાથે જ ઝરિયાની બેઠક પૂર્ણિમાએ જેઠ અને પતિના હત્યારા સંજીવ સિંહ પાસેથી ઝુંટવી લીધી છે. પૂર્ણિમાને 44,599 મત મળ્યા હતા. જ્યારે રાગિણીને 39,686 મત  મળ્યા હતા. ઉત્તર પ્રદેશના બલિયાના વતની સૂરજદેવ સિંહે આઝાદી પછી ધનબાદ, ઝરિયાની કોલસાની ખાણો ચલાવીને એ વિસ્તારમાં પ્રભુત્વ ખડું કર્યું હતું. સૂર્યદેવ સિંહ પણ આ વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી જીતીને રાજકારણી બન્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34T5u4Y
via Latest Gujarati News

Post a Comment

0 Comments