શેરબજારમાં ઊછાળો : સોનામાં રૂા. 1100 અને ચાંદીમાં રૂા. 1400નું પ્રચંડ ગાબડું


ક્રૂડ તૂટીને 65 ડોલર

અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ચિંતા વચ્ચે આ બંને દેશોએ યુદ્ધ નહીં ઇચ્છતા હોવાનો સંકેત પાછળ યુદ્ધનું ટેન્શન હળવું થતા વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં જંગી ઊછાળો નોંધાયો હતો. બીજી તરફ ડોલર તૂટતા બેઉ કિંમતી ધાતુ સોના-ચાંદીમાં પ્રચંડ ગાબડા નોંધાયા હતાં. તો ક્રૂડ તેલ પણ ઝડપથી ગબડીને 65 ડોલર ઊતરી આવ્યું હતું.

અમેરિકા દ્વારા ઇરાનના જનરલની હત્યા બાદ ઇરાન દ્વારા અમેરિકા એરબેઝ પર હુમલા બાદ અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ચિંતા ઊદ્ભવી હતી. જોકે, બંને દેશોએ યુદ્ધ નથી ઇચ્છતા તેઓ સંકેત આપતા વૈશ્વિક બજારોમાં રાહતની લાગણી ઊદ્ભવી હતી.

આ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સુધારો નોંધાતા તેની ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર થવા સાથે ફંડો દ્વારા મોટાપાયે હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ જંગી ઊછાળો નોંધાયો હતો. બીજી તરફ ક્રૂડના ભાવ પણ ઝડપથી તૂટીને 65 ડોલર નજીક ઊતરી આવ્યો હતો.

મુંબઈ શેરબજાર ખાતે ફંડોના શોર્ટ કવરીંગ સહિત ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ 634.61 પોઇન્ટ ઊછળીને 41452.35 અને નિફટી 190.05 પોઈન્ટ ઊછળીને 12215.90ની સપાટીએ મજબૂત રહ્યાં હતાં. સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂા. 2.26 લાખ કરોડનો વધારો થતા કામકાજના અંતે તે રૂા. 157.06 લાખ ડોલર પહોંચ્યું હતું.

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધની શક્યતા ઓસરતા વૈશ્વિક બજારમાં ડોલર ઝડપથી પટકાયો હતો. જેના પગલે વૈશ્વિક સોનું ઝડપથી તૂટીને 1551 ડોલર અને ચાંદી 17.85 ડોલર ઊતરી આવી હતી. જ્યારે રૂપિયા સામે ડોલર 50 પૈસા તૂટી 71.21ના મથાળે ઊતર્યો હતો.

વૈશ્વિક બજારમાં ડોલર અને સોનું તૂટતા અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું રૂા. 1100 તૂટીને રૂા. 41200ની સપાટીએ ઊતરી આવ્યું હતું. જ્યારે ચાંદી રૂા. 1400 તૂટીને રૂા. 47200ની સપાટીએ નરમ રહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T7L0mP
via Latest Gujarati News

Post a Comment

0 Comments