ઇરાને કરેલા હુમલામાં અમેરિકાના 11 સૈનિકો ઘાયલ થયા હતા : અમેરિકાની કબૂલાત


વોશિંગ્ટન, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

ઈરાકમાં અમેરિકન બેઝ પર ઈરાને ગયા સપ્તાહે કરેલા હુમલામાં અમેરિકાના 11 સૈનિકોને ઈજા થઈ હતી તેમ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કબૂલ્યું છે.અમેરિકન સૈન્યે અગાઉ હુમલાના તુરંત બાદ કોઈ નુકસાન થયાનો ઈનકાર કર્યો હતો.

બીજીબાજુ ઈરાનના ટોચના નેતા અયાતોલ્લાહ અલી ખામનેઈએ વર્ષ 2012 પછી પહેલી વખત તહેરાનમાં શુક્રવારની નમાઝમાં ભાગ લીધો હતો અને ઈરાનના આ હુમલાને સુપરપાવર તરીકેની અમેરિકાની છબી પર કાળા ડાઘ સમાન ગણાવ્યો હતો.  

ઈરાકના બગદાદ એરપોર્ટ પર ઈરાનના ટોચના જનરલ કમાન્ડર કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા ડ્રોન હુમલામાં હત્યાનો બદલો લેવા ઈરાને અમેરિકન બેઝ પર હુમલો કર્યો હતો. જોકે, આ હુમલા પછી તુરંત અમેરિકાએ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું હોવાનો ઈનકાર કર્યો હતો. 

આ હુમલાને હવે લગભગ એક સપ્તાહ થઈ ગયું છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ઘેરાયેલા યુદ્ધના વાદળો દૂર થઈ રહ્યા છે ત્યારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને જણાવ્યું હતું કે, ઈરાકમાં અલ-અસદ એર બેઝ પર ઈરાનના 8મી જાન્યુઆરીના હુમલામાં કોઈ અમેરિકન સૈનિક માર્યો નથી ગયો, પરંતુ કેટલાકને ઈજા થઈ છે અને આ હુમલાથી થયેલા નુકસાનનું હજી મુલ્યાંકન થઈ રહ્યું છે.

કાસિમ સુલેમાનીની હત્યા પછી ઈરાનના હુમલા વખતે એડવાન્સ વોર્નિંગ પછી અમેરિકાના લગભગ 1,500થી વધુ સૈનિકો આ એરબેઝ પર બંકરોમાં ભરાયા હતા. હુમલાથી માલ-સામાનને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાની નથી થઈ તેમ યુએસ મિલિટરીએ અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું.

હુમલાના બીજા દિવસે સવારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ કહ્યું હતું કે ઈરાનના હુમલામાં કોઈ અમેરિકન સૈનિકને નુકસાન નથી થયું. અર્બને કહ્યું કે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા આઠ અમેરિકનોને વધુ સારવાર માટે જર્મનીના લેન્ડ્સતુલ અને ત્રણને કુવૈત ખાતે કેમ્પ અરિફજાન ખસેડવામાં આવ્યા છે.

ઈરાનના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ઈરાન અને ઇરાકે હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન સૈન્ય વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈરાનની ન્યાયપાલિકાના પ્રવક્તાએ કહ્યું કે ઈરાન અને ઈરાક સુલેમાનીની હત્યાના અમેરિકાના આતંકવાદી કાર્ય વિરૂદ્ધ પહેલાં ઈરાનમાં કેસ કરાશે. ત્યાર બાદ અમે ઇરાક અને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કરીશું. 

દરમિયાન ઈરાનના ટોચના નેતા અયાતોલ્લાહ અલી ખામનેઈએ તહેરાન ખાતે વર્ષ 2012 પછી સૌપ્રથમ વખત શુક્રવારની નમાજમાં જાહેરમાં ભાગ લીધો હતો.

તેમણે ઈરાનના 8મી જાન્યુઆરીના હુમલાને સુુપરપાવર અમેરિકાની છબી પર કાળા ડાઘ સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અમેરિકાએ આઈએસ સામે લડતા ઈરાનના ટોચના કમાન્ડર જનરલ સુલેમાનીની કાયરતાપૂર્ણ રીતે હત્યા કરી છે. સુલેમાનીના મોત બાદ તેમણે અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ અપી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FZqkG7
via Latest Gujarati News

Post a Comment

0 Comments