આવનારા 30 વર્ષમાં સ્પેસએક્સ કંપની એક લાખ લોકોને મંગળ પર લઇ જશે

વોશિંગ્ટન, તા. 22 જાન્યુઆરી 2020 બુધવાર

અમેરિકી ઉદ્યોગપતિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે ઘોષણા કરી છે કે, તેઓ આગામી 30 વર્ષની અંદર એક લાખ લોકોને મંગળ પર લઇ જશે. જેના માટે સ્પેસએક્સ કંપની સ્ટારશીપ પણ બનાવી રહી છે. એલન મસ્કની યોજના છે કે ભવિષ્યમાં દર વર્ષે તે 100 સ્ટારશીપ બનાવશે. 

આ સ્ટારશીપની મદદથી 1 લાખ લોકોને મંગળની યાત્રા કરાવવામાં આવશે. સ્ટારશીપ રોકેટને 2021માં ચંદ્ર પર મોકલવામાં આવશે. આ યાન ચંદ્ર પર લેન્ડ પણ કરશે અને અંતરીક્ષયાત્રીઓ ચંદ્ર પર ઉતરશે પણ ખરા. તેના ત્રણ વર્ષ બાદ એલન મસ્ક મંગળ પર જવાની તૈયારી કરશે. આ રોકેટમાં એક સાથે 100 લોકોને મંગળ પર લઇ જવાની ક્ષમતા છે. 

થોડા સમય પહેલા એલન મસ્કે જણાવ્યું હતું કે અમે ચંદ્ર પર સ્થાળી વસ્તી વિકસાવવાનું વિચારીએ છીએ. હવે તેઓ મંગળ માટે પણ કંઈક આવું જ વિચારી રહ્યા છે. 

2050માં સ્પેસએક્સ દરરોજ ત્રણ સ્ટારશીપ લોન્ચ કરશે, એટલે કે દરરોજ 300 યાત્રી મંગળ પર જશે. એક વર્ષમાં અંદાજે એક લાખ જેટલા લોકો મંગળ પર જઈ શકશે. જો કે તે પહેલા મંગળ પર રોકેટના બળતણની જરૂર પડશે, કેમકે ત્યાં પહોંચતા જ રોકેટમાં બળતણ ઓછું થઇ જશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ay844A
via Latest Gujarati News

Post a Comment

0 Comments