માનવ શરીરનું સરેરાશ તાપમાન ઘટી રહ્યું છે, બોડી ટેમ્પરેચર હવે 37 નહીં, 36.6 ડિગ્રી! : સ્ટેનફોર્ડ યુનિવર્સિટી


સ્ટેનફોર્ડ, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

પાઠય પુસ્તકમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિને એ વાત ભણવામાં આવી હોય કે મનુષ્યના શરીરનું સેરરાશ તાપમાન 37 ડિગ્રી સેન્ટિગ્રેડ (98.6 ફેરનહિટ) છે. વિજ્ઞાાનના સિદ્ધાંતો પર આધારિત આ તથ્યમાં ફેરફારને અવકાશ ન હતો. માટે લગભગ દોઢસો વર્ષથી સંશોધકો આ આંકડો પકડીને જ ચાલે છે.

 તાવ આવ્યો હોય કે શરીરમાં બીજી કોઈ બીમારી હોય ડૉક્ટર તપાસ કરતી વખતે પહેલું કામ તાપમાન તપાસવાનું કરે. જો તાપમાન વધારે જણાય તો સમજી લેવાનું તાવ આવ્યો છે, તાપમાન ઓછુ મપાય તો અન્ય રોગ હોઈ શકે. આ બધી તપાસ શરીરના સરેરાશ તાપમાનને માપદંડ ગણીને થતી હોય છે. હવે એ માપદંડ જ ફેરવવો પડે અને મેડિકલ સાયન્સની ગણતરીઓ ફરીથી કરવી પડે એવી સિૃથતિ આવી છે.

શરીર રચનાની અસર

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એવુ રિસર્ચ પેપર રજૂ કર્યું છે કે દોઢસો વર્ષ દરમિયાન બોડી ટેમ્પરેચરમાં ઘટાડો થયો છે. દોઢસો વર્ષ પહેલા સરેરાશ તાપમાન 37 ડીગ્રી ધારવામાં આવ્યું હતું. હવેની તપાસ પ્રમાણે તાપમાન જરા ઘટીને 36.6 ડિગ્રી છે. એટલે કે આપણુ શરીર ઠંડુ પડી રહ્યું છે. ઠંડુ કેમ પડી રહ્યું છે એ વળી સંશોધકો માટે અલગ તપાસનો વિષય બન્યો છે. સંશોધકોના મતે શરીરની લંબાઈ, જાડાઈ, વજન વગેરેને કારણે તાપમાનમાં ફરક પડતો હોવાનું જણાયુ છે. અમેરિકાના મેડિકલ સાયન્સ ક્ષેત્રના જર્નલ 'ઈ-લાઈફ'માં આ સંશોધન પ્રગટ થયું હતું. 

દોઢસો વર્ષના ડેટાની તપાસ

સંશોધકોએ આ તારણ 6,77,000 ટેમ્પરેચર રિડિંગનો અભ્યાસ કર્યા પછી આપ્યું હતું. 1862થી લઈને 2017 સુધીના 1,90,000 વ્યક્તિના તાપમાનનો ડેટા આ માટે તપાસવામાં આવ્યો હતો. મોટા ભાગના કિસ્સામાં ડૉક્ટર સારવાર કરે ત્યારે તાપમાનની નોંધ કરતા હોય છે. એટલે વ્યક્તિ હયાત હોય કે ન હોય મેડિકલ રિપોર્ટના આધારે તેના શરીરના તાપમાન અંગે જાણકારી મળવી મુશ્કેલ નથી. આ નાગરિકો સ્વાભાવિક રીતે અમેરિકનો છે અને આ સંશોધન પણ અત્યારે તો અમેરિકન નાગરિકો પુરતું જ છે. પરંતુ હવે દુનિયાના અન્ય દેશોએ પણ પોતાના નાગરિકોની ઠંડી-ગરમીનું માપ ફરીથી કાઢવી પડે એવી સિૃથતિ આવી છે.

શરીરનું અફર તાપમાન

મનુષ્ય સિૃથર તાપમાનવાળું શરીર ધરાવતું સજીવ છે. એટલે તાપમાનમાં વધ-ઘટ થાય તો એ બીમારી હોઈ શકે. સર્પ અને દેડકા જેવા ઘણા સજીવો ઋતુ પ્રમાણે પોતાના શરીરનું તાપમાન ઓછુ-વધતું કરી શકે છે. મનુષ્ય માટે એ શક્ય નથી. એટલે જ આપણને તાપમાન ઘટે ત્યારે ઠંડી લાગે, તાપમાન વધે ત્યારે ગરમી થાય. જો શિયાળામાં આપણે બોડીનું તાપમાન ઘટાડીને 20 ડીગ્રી કરી શકતા હોઈએ તો અત્યારે જે ઠંડીનો હાહાકાર મચે છે એ બાદ થઈ જાય.  

તફાવતનું કારણ શું?

મેડિકલ સાયન્સના વિદ્વાનો બે મુદ્દે ચર્ચા કરી રહ્યાં છે. કાં તો ખરેખર તાપમાન ઘટી રહ્યું છે. આૃથવા તો પહેલાના જમાનામાં આજના જેટલા ચોકસાઈપૂર્વકના થર્મોમિટર અને મેડિકલ સાધનો હતા નહીં, માટે ત્યારે સાચુ તાપમાન નોંધાયુ ન હતું. એ બેમાંથી શું સાચું એ હવે નવો કોયડો છે. તાપમાન ઘટવાનું ખરૂં કારણ શું એ અત્યારે કહી શકાતું નથી. સંશોધકોએ એ વાત પણ કહી હતી કે તાપમાનમાં ફેરફારની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પણ થાય છે. એટલે હવેની પેઢી ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે કે 19મી સદીની પેઢી વધારે શારીરિક રીતે સક્ષમ હતી એ સંશોધન કરવું પડશે.

ભૂતકાળમાં પણ અભ્યાસ થયા છે

તાપમાનમાં ફરક હોવાના અમુક દાવા ભૂતકાળમાં થયા છે. જેમ કે યુનિવર્સિટી ઑફ મેરિલેન્ડે 1992માં 148 દરદીઓના તાપમાનનું માપ કરીને સરેરાશ આંકડો 37 નહીં, 36.8 ડીગ્રી હોવાનું કહ્યું હતું. પરંતુ એ માત્ર 148 દરદીની તપાસ થઈ હોવાથી આંકડો માન્ય ગણાયો ન હતો. 2017માં બ્રિટનમાં 35,000 દરદીઓનો ડેટા લઈને સરેરાશ આંકડો 36.6 હોવાનું સંશોધન રજૂ થયું હતું. તેને પણ ઘણા સંશોધકોએ નકારી દીધું હતું.

સરેરાશ તાપમાન કઈ રીતે નક્કી થયું?

સરેરાશ તાપમાનની સૌથી પહેલો ખ્યાલ જર્મનીના ડૉક્ટર કાર્લ રેનહોલ્ડ ઓગસ્ટે 1851માં આપ્યો હતો. એ વખતે જર્મન શહેર લિપસિકના  વિવિધ 25,000 વ્યક્તિઓના તાપમાનની માપણ કરી હતી. તેના આધારે સરેરાશ તાપમાનનો આંક તારવ્યો હતો. એ પછી અમેરિકાના અને યુરોપના અન્ય ડૉક્ટરોએ પણ કાર્લનો આંકડો સાચો છે કે કેમ તેની પોતાની રીતે તપાસ કરી હતી. તેમની તપાસમાં કાર્લનો આંકડો સાચો જણાતા તેને વૈશ્વિક માપદંડ ગણી લેવાયો હતો.  અલબત્ત, આ આંકડો સરેરાશ હતો એટલે વ્યક્તિ એ વ્યક્તિએ જરા-તરા ફેરફાર હોઈ શકે. પરંતુ સરેરાશ આંક 37 ડિગ્રી થયો હતો. હવે તાપમાન ઘટી રહ્યું છે એટલે સરેરાશ 37 ડિગ્રી પણ નથી નોંધાતુ. અત્યારે તાપમાન માપવા માટે અનેક ચોકસાઈપૂર્વકના થર્મોમિટર ઉપલબૃધ છે, પરંતુ કાર્લે પોણા બસ્સો વર્ષ પહેલા સચોટ નિદાન કરી દેખાડયું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37dS7P6
via Latest Gujarati News

Post a Comment

0 Comments