ચીન કોરોના વાઈરસથી ભયભીત : 3 કરોડ લોકો 'નજરકેદ'


ચીનની સંકૂચિત માનસિકતાને કારણે 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન'ને પણ પુરતી માહિતી આપી નથી!  

ચીને કોરોના વાઈરસને 'સાર્સ'નો પિતરાઈ ગણાવ્યો વાઈરસ રોકવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી

બિજીંગ/જિનીવા, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ચીનમાં પ્રસરી રહેલા વાઈરસ કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી દીધી છે. આ વાઈરસને કારણે ચીનના પાંચ  શહેરોને તાળાબંધી કરી દેવામાં આવી છે. એટલે કે વુઆન, ઈઝોહુ અને હુઆનગેંગ શહેરના રહેવાસીઓને શહેરની બહાર નીકળવાની મનાઈ કરી દેવાઈ છે. એ રીતે ત્યાં બહારના લોકોનો પ્રવેશ પણ પ્રતિબંધિત કરી દેવાયો છે. 

પાંચ  શહેરના 2 કરોડો લોકો નજરકેદ હોય એવી સ્થિતિમાં આવી પહોંચ્યા છે. આ ત્રણેય શહેરને જોડતી બસ, રેલવે, મેટ્રો તથા અન્ય પરિવહન સેવાઓ બંધ કરી દેવાઈ છે. ચીની પાટનગર બિજીંગમાં નવા વર્ષને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્સવોનું આયોજન થયું હતું. એ બધા રદ કરી દેવાયા છે. 

સર્પ અથવા ચામાચિડીયામાંથી આવેલો આ વાઈરસ મનુષ્ય દ્વારા બીજા મનુષ્યમાં ફેલાતો હોવાનું હવે સામે આવ્યું છે. માટે એ વધારે ઘાતક બન્યો છે. એ સંજોગોમાં ભીડ થાય એવા બધા કાર્યક્રમો રદ કરી દેવાયા છે.

દરમિયાન નજર કેદની સ્થિતિમાં આવી પહોંચેલા લોકો ખોરાક-પાણીની અછત સર્જાશે તો શું થશે તેની ચિંતા કરવા લાગ્યા છે. સરકારે આદેશ કર્યો છે કે અનિવાર્ય કામ ન હોય ત્યાં સુધી બહાર નીકળવવું નહીં. ચીનમાં સામ્યવાદી શાસન છે, માટે સરકારના નિર્ણયો સામે કોઈ મોરચા કાઢી શકે એમ નથી.

ડિસેમ્બરમાં ચીનમાં જોવા મળેલો વાઈરસ હવે બહાર નીકળીને જાપાન, તાઈવાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, અમેરિકા જેવા દેશોમાં પહોંચી ગયો છે. હવે સાવધાની નહીં રાખવામાં આવે તો જગતના અન્ય પ્રદેશોમાં તેને ફેલાતા વાર નહીં લાગે.

2002-03માં ચીનમાં સાર્સ (સિવિઅર એક્યુટ રિસ્પરેટરી સીન્ડ્રોમ) નામનો વાઈરસ ફેલાયો હતો. તેનાથી સાડા છસ્સો મોત થયા હતા. આ વાઈરસ તેનો કઝિન એટલે કે તેના જેવુ જ બંધારણ ધરાવે છે એવુ ચીની સરકારે સ્વીકાર્યું હતું. 2012માં સાઉદી અરબમાં 'મેર્સ' વાઈરસ ફેલાયો હતો. એ પણ આ પ્રકારનો જ હતો. 

ચીની સરકારે વાઈરસ સામે લડનારી ટીમો તૈનાત કરી દીધી છે. જાહેર જગ્યાએ પસાર થનારા સૌ કોઈનું વાઈરસ ચેકિંગ કરવામાં આવે છે. ચીની લુનાર નવા વર્ષને ધ્યાનમાં લઈને ફરવા જનારા પ્રવાસીઓને અટકી જવા સલાહ અપાઈ છે. તો સરકાર દ્વારા આયોજિત તમામ ટુર 8મી ફેબુ્રઆરી સુધી રદ કરી દેવાઈ છે. આ વાઈરસની હજુ સુધી કોઈ રસી તૈયાર થઈ નથી. માટે ચેપ લાગ્યા પછી અટકાવવાનું કામ અઘરૂં છે.  

જોકે ચીન વાઈરસ મુદ્દે માહિતી છૂપાવતું હોવાની જગતના અન્ય દેશોના વિદ્વાનોને શંકા છે. કેમ કે વાઈરસ અંગે ચીને અત્યાર સુધી ખાસ માહિતી જાહેર કરી ન હતી. જો માહિતી છૂપાવાશે તો વાઈરસ વધારે નુકસાનકારક સાબિત થશે એવી ચેતવણી પણ વાઈરોલોજિસ્ટોએ આપી છે.

વાઈરસના ફેલાવા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સક્રિય થયું છે અને તેને વૈશ્વિક ઇમર્જન્સી ગણવી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. કેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પાસે પણ પુરતી માહિતી નથી. ચીની સરકારના આંકડા મુજબ હજાર કરતાં ઓછા લોકોને વાઈરસનો ચેપ લાગ્યો છે. જ્યારે લંડનની ઇમ્પિરિયલ કોલેજના તબીબોના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા ચાર હજાર લોકો ચેપનો ભોગ બન્યાં છે.

ભારત હજુ સુધી ચેપમુક્ત : આરોગ્ય મંત્રાલય

ભારત આ વાઈરસથી હજુ સુધી ચેપમુક્ત છે એવુ કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે પહેલેથી સાવધાની વર્તીને 22  તારીખે જ દેશના મહત્ત્વના એરપોર્ટ પર આરોગ્ય ચકાસણી શરૂ કરી દીધી હતી.

પરિણામે અમદાવાદ સહિતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જરૂર પ્રમાણે પ્રવાસીઓની તપાસ થઈ રહી છે. દેશના વિવિધ એરપોર્ટ પર અંદાજે 13 હજાર મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. કોઈમાં વાઈરસ હોવાનું જણાયુ નથી. ભારતમાં આ વાઈરસ ન ફેલાય એ માટે સરકારે અન્ય સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.

700 ભારતીય વિદ્યાર્થી ફસાયા 

વુઆનમાં 700 જેટલા ભારતીય રહે છે. મોટા ભાગના તો ત્યાં મેડિકલનો અભ્યાસ કરે છે. ડૉક્ટરની ડિગ્રી મેળવવા ચીનના અનેક શહેરોમાં ભારતીય વિદ્યાર્થીઓ જાય છે.  વુઆનમાં આવા-જાહી પર પ્રતિબંધ મુકાઈ જતાં અન્ય નાગરિકો સાથે ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાઈગયા છે. 

વાઈરસ જણાતા 30 ભારતીય નર્સને સાઉદીમાં પુરી દેવાઈ

સાઉદી અરબમાં કામ કરતી કેરળની 30 નર્સને એકાંતવાસમાં મોકલી દેવાઈ છે. કેમ કે તેમાંથી અમુક નર્સમાં આ વાઈરસના લક્ષણો જાવા મળ્યાં છે. સાઉદી સરકારે તેમની સારવાર કે પુરતી તપાસ કરવાને બદલે અલગ કરી દીધી છે.

ફિલિપાઈન્સથી આવેલી મહિલાની સારવાર કરતી વખતે 38 વર્ષની એક ભારતીય નર્સ આ વાઈરસનો ભોગ બની હતી. નર્સોએ આ બાબતની જાણકારી તેમના પરિવારજનોને આપી હતી. કેરળે કેન્દ્રની મદદથી સાઉદીમાં આવેલી ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરી નર્સોને મદદ મળે એ માટે પ્રયાસ કરી રહી છે. 

દેખાવ પરથી નામ પડયું

આ વાઈરસની હાજરી બ્રિટનમાં કામ કરતા ચીની ડૉક્ટર પૂન લીટે છેક 2003માં પારખી હતી. પરંતુ એ વખતે વાઈરસ સુશુપ્તાવસૃથામાં હતો. માટે તેનાથી કોઈ ખતરો ન હતો. જંગલમાં રહેતા ચામાચિડીયા, વાનર વગેરે અનેક પ્રકારના ઘાતક વાઈરસના વાહક હોય છે.

એ વાઈરસ જો મનુષ્યના શરીરમાં પ્રવેશે તો પછી સક્રિય થઈને તોડફોડ મચાવાની શરૂઆત કરે છે. મનુષ્યના શરીરમાં ન પ્રવેશે ત્યાં સુધી ખાસ નુકસાનકારક નથી હોતા. કોરોના શબ્દનો આૃર્થ ક્રાઉન થાય છે. આ વાઈરસ માઈક્રોસ્કોપ નીચે ક્રાઉન (રાજમુગટ) જેવો દેખાય છે, માટે નામ અપાયું છે. 

ચીનમાં લૂનાર ન્યુ યરની ઉજવણી દરમિયાન વાઇરસનો ફેલાવો જોખમી

કોરોના વાઇરસના ફોલાવામાં સૌથી મોટું ચિંતાનું કારણ એ પણ છે કે ચીનમાં વર્તમાન સમયે લૂનાર ન્યુ યરનો તહેવાર ચાલી રહ્યો છે. પૃથ્વી પર સૌથી મોટું માનવ સ્થળાંતર ચીનમાં લૂનાર ન્યુ યર દરમિયાન થાય છે. ચીનના નવા વર્ષને લૂનાર ન્યુ યર તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉજવણી માટે ચીનમાં કરોડો લોકો સ્થળાંતર કરે છે.

ચીની સરકાર પ્રમાણે ચીનના લોકો લૂનાર ન્યુ યર દરમિયાન કરોડો લોકો મુસાફરી કરે છે.  જેથી આ વાઇરસના ફેલાવાની શક્યતા પણ વધી ગઇ છે, જેને લઇને ચીની સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બંને ચિંતિત છે. અધુરામાં પુરૂ આ વર્ષે લૂનાર ન્યુ યરનો તહેવાર 10 જાન્યુઆરીથી 18 ફેબુ્રઆરી સુધી છે અને તે જ દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓમાં પણ વેકેશન છે. જેથી લોકોના સ્થળાંતર અને મુસાફરીમાં વધારો થયો છે, જેથી વાયરસના ફેલાવાનું જોખમ પણ વધ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RlRsFH
via Latest Gujarati News

Post a Comment

0 Comments