સેન્સેક્સ 42273નો વિક્રમ સર્જીને 416 પોઇન્ટ પટકાયો


અમદાવાદ, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર

આગામી બજેટ પ્રોત્સાહક રહેવાના આશાવાદ પાછળ મુંબઇ શેરબજારનો સેન્સેક્સ આજે 42273 અને એનએસઇ નિફ્ટી 12430ની વિક્રમી સપાટીને આંબ્યા બાદ પ્રતિકૂળ અહેવાલો પાછળ ઉંચા મથાળેથી પટકાયા હતા.

તા. 1 ફેબુ્રઆરીએ રજૂ થનાર બજેટમાં બજારને સ્પર્શતી મહત્ત્વની જોગવાઈઓ રજૂ થવાના આશાવાદ પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે નીકળેલ નવી લેવાલી પાછળ કામકાજના પ્રારંભિક તબક્કામાં સેન્સેક્સ ઇન્ટ્રાડે ઉછળીને 42273.87ની નવી વિક્રમી સપાટીને આંબી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં આજે કામકાજનો પ્રારંભ 12430.50ની ઓલટાઈમ હાઈસપાટીએ જવા પામ્યો હતો.

જો કે, વૈશ્વિક સ્તરે લીબિયા અને ઇરાકમાં ક્રૂડનો પૂરવઠો અટકતા ક્રૂડ ઓઇલ ઉછળીને 66 ડોલર પહોંચી જવા પામ્યું હતું. બીજી તરફ આગેવાન કંપનીઓના પરિણામોની જાહેરાતમાં ચોક્કસ પ્રતિકૂળતા તેમજ ટેલિકોમ કંપનીઓની પ્રતિકૂળતાના પગલે બેકિંગ ક્ષેત્રની નાણાંકીય તંદુરસ્તી ખરડાવાની દહેશત પાછળ મોટાપાયે ઓફલોડિંગ થતા બજાર ઝડપથી પાછુ ફર્યું હતું.

આ અહેવાલો પાછળ સેન્સેક્સ ઉંચા મથાળેથી પાછો ફરતા કામકાજના અંતે 416.46 પોઇન્ટ તુટી 41528.91ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી 127.80 પોઇન્ટ તુટી 1224.55ની સપાટીએ નરમ રહ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sILt4h
via Latest Gujarati News

Post a Comment

0 Comments