
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મુકવા હાલ પૂરતી મનાઈ કરી દીધી છે. અસોશિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ પર હાલ કોઈ પ્રતિબંધ નહીં મુકાય તેમ જણાવ્યું હતું.
આ મામલે આગળની સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલીને આ મુદ્દે બે સપ્તાહની અંદર લેખિત જવાબ દાખલ કરાવવા નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન અરજીકર્તા તરફથી પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, દરેક ચૂંટણી વખતે સત્તાધારી પાર્ટીને મોટી રકમ દાનમાં મળી રહી છે અને કોર્ટે તેના પર પ્રતિબંધ મુકવો જોઈએ. વધુમાં એસબીઆઈ અને ચૂંટણી પંચે પણ આ સ્વીકાર્યું હોવાની દલીલ કરી હતી.
દરેક ચૂંટણી પહેલા સરકાર ચૂંટણી બોન્ડની યોજના શરૂ કરી દે છે. રિઝર્વ બેંક અને ચૂંટણી પંચ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને લખી ચુકી છે. હવે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પણ સરકાર ઇલેક્ટોરલ બોન્ડની યોજના લઈ આવી છે જેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ.
અરજીમાં ઇલેક્ટોરલ બોન્ડ યોજના 2018 ઉપર પ્રતિબંધ મુકવા માંગ કરવામાં આવી છે અને સાથે જ ચૂંટણી બોન્ડ અંતર્ગત દાન આપનારાની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે તેમ લખવામાં આવ્યું છે.
વિદેશમાંથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ફાળો આપનારાની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે અને રાજકીય પાર્ટીઓ પણ દાન આપનારાઓના નામ સાર્વજનિક નથી કરતી. સુપ્રીમ કોર્ટે 12મી એપ્રિલના રોજ ચૂંટણી બોન્ડના માધ્યમથી અપાતા ફંડ પર પ્રતિબંધ મુકવાની માંગને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય દળોને ફંડ આપનારાઓની ઓળખ અને તેમના ખાતમાં રહેલી ધનરાશિની વિગતો 30 મે સુધીમાં સીલબંધ કવરમાં પેક કરીને ચૂંટણી પંચને સોંપવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ ચૂંટણી પંચને આગામી આદેશ સુધી તે વિગતો કવરમાં બંધ રાખવા નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતે કાયદામાં કરવામાં આવેલા ફેરફારોનું વિસ્તારપૂર્વક પરીક્ષણ કર્યા બાદ સંતુલન કોઈ એક દળના પક્ષમાં ઝુકેલું ન હોય તે સુનિશ્ચિત કરશે તેમ જણાવ્યું હતું. જો કે, ચૂંટણી પંચે તે સમયે પણ આ યોજનાના વિરોધ કરવા સાથે તેમાં પારદર્શિતાનો અભાવ હોવાનું જણાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3arykNX
via Latest Gujarati News
0 Comments