નિર્ભયા કાંડ વખતે સગીર વયનો હોવાની પવનની અપીલ સુપ્રીમે ફગાવી


નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર

નિર્ભયાના અપરાધીઓને પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે, સુપ્રીમ કોર્ટે એક અપરાધી પવનની સ્પેશિયલ લીવ પીટીશનને ફગાવી દીધી છે.

જેને પગલે હવે 10 દિવસ બાદ ફાંસીએ લટકાવવામાં આવી શકે છે. પવને એવી દલીલ કરી હતી કે જ્યારે આ ઘટના બની ત્યારે હું સગીર વયનો હતો અને તેથી મને તેનો લાભ આપવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ દલિલોને ફગાવી દીધી હતી.

પવનના વકીલ એ.પી.સિંઘે કહ્યું હતું કે પવનના સ્કૂલ લીવિંગ પ્રમાણે જ્યારે નિર્ભયા સાથે આ ઘટના બની ત્યારે તે સગીર વયનો હતો. અને જ્યારે નીચલી કોર્ટ, હાઇકોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે એક પણ કોર્ટે પવનના ડોક્યુમેન્ટ્સની ચકાસણી જ નહોતી કરી અને સજા આપી દીધી હતી.

જ્યારે દિલ્હી પોલીસ વતી હાજર સોલિસિટર જનરલ તુશાર મેહતાએ કહ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે અપરાધી 19 વર્ષનો હતો. અને તેની સર્ટિફાઇડ કોપી પણ છે જેમાં તેના જન્મના સર્ટિફિકેટનો પણ સમાવેશ થાય છે. પવને શુક્રવારે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, અગાઉ તેની આ જ પ્રકારની માગણીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને હવે સુપ્રીમ કોર્ટે પણ નકારી દીધી છે. 

શુક્રવારે જ દિલ્હી કોર્ટે ચારેય અપરાધીઓને પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવા માટે નવુ ડેથ વોરંટ જારી કરી દીધુ હતું. ડેથ વોરંટ અનુસાર પહેલી ફેબુ્રઆરીએ વિનય, પવન, મુકેશ અને અક્ષય ત્રણેયને લટકાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આર ભાનુમતી, અશોક ભુષણ, એ. એસ. બોપન્નાની બેંચે આ અપીલની સુનાવણી કરી હતી જોકે અરજીને ફગાવી દીધી હતી.

સોલિસિટર જનરલે એવો પણ દાવો કર્યો હતો કે પવન જો ખરેખર ઘટના સમયે સગીર વયનો હતો તો તેણે આટલા વર્ષો સુધી આ વાતને કેમ છુપાવી અને તેને જાહેર ન કરી? જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે પવનની આ દલીલો કેમ સામે નહોતી આવી? અને પવનના જે પણ ડોક્યુમેન્ટ્સ અગાઉ તેણે રજુ કર્યા છે તેમાં સ્પષ્ટપણે સાબિત થાય છે કે ઘટના સમયે તે સગીર વયનો નહોતો અને તેની ઉમર 19 વર્ષની હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37ehIr2
via Latest Gujarati News

Post a Comment

0 Comments