ઇસ્લામાબાદ તા.22 જાન્યુઆરી 2020, બુધવાર
જમ્મુ કશ્મીરના મુસ્લિમોની ચિંતા કરતા પાકિસ્તાનમાં લોકો બેફામ ભાવવધારાનો શિકાર બન્યા છે એ તરફ જોવાની પાકિસ્તાનની સરકાર કે લશ્કરને પરવા નથી. એક પરાઠાની કિંમત 60 રૂપિયા સુધી ભાવ વધારો પહોંચ્યો હતો.
ધી એક્સપ્રેસ ટ્રાઇબ્યુન અખબારના એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હાલ એક કિલો લોટની કિંમત 75થી 80 રૂપિયા થઇ ગઇ હતી. વડા પ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાની લશ્કર મોટી મોટી ગુલબાંગો મારે છે પરંતુ સરેરાશ પાકિસ્તાની નાગરિકને એક ટંક ભોજનના સાંસા પડી રહ્યા હોવાનું અખબારી રિપોર્ટમાં જણાવાયું હતું.
આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે ખૈબર પખ્તુનવામાં પરાઠાની દુકાનોની હડતાળ મંગળવારે પણ ચાલુ રહી હતી. એ લોકો કહે છે કે અમને પરાઠા બનાવવા માટેના લોટના ભાવ પરવડતા નથી. વીસ કિલો લોટની ગુણનો ભાવ અત્યારે 1100થી 1150 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
વાયવ્ય સરહદ પ્રાંતમાં તો પરિસ્થિતિ સાવ કંગાળ હતી. એક કિલો લોટ માટે લોકોએ લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું.
પાકિસ્તાનના લાહોર, ફૈસલાબાદ અને મુલતાનમાં પણ એક કિલો લોટની કિંમત 70થી 75 રૂપિયા બોલાઇ રહી હતી. બીજી બાજુ ઇમરાન ખાનના પ્રધાનો બકવાસ જેવી વાતો કરી રહ્યા હતા. રેલવે પ્રધાન શેખ રશીદને ઘઉંના લોટના ભાવ વિશે સવાલ પૂછતાં એમણે કહ્યું કે નવેંબર ડિસેંબરમાં શિયાળો આવે એટલે લોકોનો ખોરાક વધી જતો હોય છે. પરિણામે જીવનજરૂરી ચીજોના પુરવઠાને અસર થાય છે. માગ વધી જતાં પુરવઠાની સ્થિતિ ખોરવાઇ જાય છે. એટલે ભાવવધારા જેવું લાગે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3atOaro
via Latest Gujarati News
0 Comments