મક્કા મદીના પણ એક સમયે હિન્દુઓનાં હતાં: પ્રવીણ તોગડિયા

ગોંડા તા.22 જાન્યુઆરી 2020, બુધવાર

હિન્દુ રક્ષા નિધિ અર્પણ કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશના ગોંડા વિસ્તારમાં પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ વિવાદાસ્પદ વિધાન કરતાં કહ્યું હતું કે મક્કા મદીના હિન્દુઓના બાપદાદાની માલિકીના હતા. એથી પણ આગળ વધીને તેમણે કહ્યું કે અમેરિકા, રશિયા, જપાન અને મક્કી મદીનામાં આપણા બાપદાદા રહેતા હતા. હિન્દુઓ સમયસર જાગે નહીં તો ભારત પણ ઇસ્લામી દેશ બની જશે.

કોંગ્રેસ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે જવાહરલાલ નહેરુ અને લિયાકત અલી ખાન વચ્ચે થયેલી સમજૂતી હિન્દુઓની રક્ષા કરવામાં કોંગ્રેસને મળેલી નિષ્ફળતાનો બોલતો પુરાવો છે. દેશના ભાગલા થયા ત્યાર એવી સમજૂતી સધાઇ હતી કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થશે તો ભારત એ લોકોના રક્ષણ માટે ઊભું રહેશે અને ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય તો પાકિસ્તાન ઊભું થશે. પરંતુ છેલ્લાં 70 વર્ષમાં પાકિસ્તાનમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો સામે કોંગ્રેસની સરકારો મોઢું સીવીને બેસી રહી. કોઇએ પાકિસ્તાનમાં લઘુમતી પર થઇ રહેલા અત્યાચારો સામે અવાજ ઊઠાવ્યો નહીં.

કોંગ્રેસની સાથોસાથ તોગડિયાએ ભાજપની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારો સામે કોંગ્રેસના નેતાઓ ચૂપ રહે એ સમજી શકાય પરંતુ અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીએ અવાજ ઊઠાવ્યો છે કે ?

નાગરિકતા અંગે નવો કાયદો શા માટે બનાવવો પડ્યો એનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો સામે અવાજ ન ઊઠાવ્યો માટે અત્યારે આ કાયદો ઘડવાની ફરજ પડી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Kg7XG
via Latest Gujarati News

Post a Comment

0 Comments