ત્રણ મહિના માટે CAA પર પ્રતિબંધ લાદો યોર ઑનર...

નવી દિલ્હી તા.22 જાન્યુઆરી 2020, બુધવાર

નાગરિકતા અંગેના નવા કાયદાને પડકારતી અરજીની આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નીકળેલી સુનાવણી દરમિયાન પીઢ કોંગ્રેસી નેતા અને ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે કોર્ટને વિનંતી કરી હતી કે ત્રણ મહિના માટે CAA પર પ્રતિબંધ લાદો યોર ઑનર...

આ કાયદાને પડકારતી કુલ 144 (એકસો ચુમાલીસ) અરજી સુપ્રીમ કોર્ટમાં આવી પડી હતી. એમાંની 131 અરજી કાયદાની વિરુદ્ધની હતી.

સિબ્બલે એવી પણ અરજી કરી હતી કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની નોંધણી પણ રોકો. એકવાર કોઇ વ્યક્તિ નાગરિક થઇ જાય ત્યારબાદ એની નાગરિકતા સરકાર છીનવી શકે નહીં.  

સુનાવણી શરૂ થાય એ પહેલાંજ કોર્ટ નંબર એક ખીચોખીચ ભરાઇ જતાં સુરક્ષાની સમસ્યા સર્જાઇ જાય એમ હોવાથી એટર્ની જનરલે ભીડને વિખેરવાની વિનંતી કરી હતી. ભીડ એટલી વધી ગઇ હતી કે કોર્ટ નંબર એકના ત્રણ ત્રણ દરવાજા ખોલી નાખવા પડ્યા હતા. કોર્ટની બહાર પણ ભારે ભીડ હતી. સૌને કોર્ટની અંદર જવું હતું. પરંતુ જગ્યા જ રહી નહોતી.

ડિસેંબરમાં શરૂમાં આ કાયદાની વિરુદ્ધ 60 અરજી હતી. આજે સુનાવણી નીકળી ત્યારે અરજીઓ લગભગ અઢી ગણી થઇ ગઇ હતી. જો કે કેન્દ્ર સરકાર તરફથી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. સરકારી પ્રવક્તા કહે છે કે કાયદાની વિરુદ્ધની દરેક અરજીમાં ખરેખર શું કહેવામાં આવ્યું છે એનો અભ્યાસ કર્યા વિના આ વિશે કંઇ બોલી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સિબ્બલને કહ્યું હતું કે આમ એકપક્ષી નિર્ણય કોર્ટ લઇ શકે નહીં. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાની બનેલી બેન્ચ આ અરજીઓ સાંભળી રહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NOJnHv
via Latest Gujarati News

Post a Comment

0 Comments