
મુંબઇ તા. 10 જાન્યુઆરી 2020, શુક્રવાર
પુણેની શિવાજીરાવ ભોંસલે કો.ઓપ. બેન્કની રોકડ રકમમાં ૭૧.૭૮ કરોડરૂપિયાનો ગેરવહેવાર થયો હોવાનું બહાર આવતા પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં વિધાનસભ્ય (વિધાન પરિષદ) અનિલ ભોસલે સહિત ૧૬ જણ સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ૧૬ જણમાં ભોસલેની પત્ની અને નગરસેવિકા રેશ્મા ભોસલેનો પણ સમાવેશ થાય છે.
આ સમગ્ર પ્રકરણે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા યોગેશ લકડેએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતે ગુનો દાખલ થયા બાદ આ સમગ્ર પ્રકરણની તપાસ આર્થિક ગુના શાખા (ઇઓડબલ્યુ) ને સોંપવામાં આવી છે.
તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે બેન્કીંગની કોઇપણ સેવા ન ધરાવતી શિવાજીરાવ ભોસલે કો.ઓપ. બેન્કના મુક્યાલયમાં આ રોકડ રકમ મોકલી હોવાનું બતાવી ૭૧.૭૮ કરોડ રૂપિયા ગાયબ હોવાનું આરબીઆઇની તપાસમાં બહાર આવ્યું હતું. આ પૈસા બાબતનો હિસાબ પણ બેન્કના વ્યવસ્થાપને આરબીઆઇના અધિકારીઓને આપ્યો નહોતો.
આ વહેવાર ૧૬ એપ્રિલ, ૨૦૧૯ના થયો હોવાની નોંધ બેન્કે કરી છે. છેલ્લા થોડા વર્ષોમાં બેન્કની એનપીએ ની રકમ ૨૩૨ કરોડથી વધીને ૩૧૪ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ કારણસર બેન્કનું લાયસન્સ રદ્દ કરી લિકિવડેશનની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે ? તેવી કારણ દર્શાવો (શો કોઝ) નોટીસ પણ આરબીઆઇએ ૨૪ ઓકટોબરના રોજ બજાવી હતી.
અનિલ ભોસલે એનસીપીના વિધાન પરિષદના સભ્ય છે. બે વર્ષ પહેલા થયેલ પાલિકાની ચૂંટણીમાં તેમના પત્ની રેશ્મા ભોસલેની ટિકિટ એનસીપીએ નકાર્યા બાદ તેમણે ભાજપ તરફથી ઉમેદવારી અરજી નોંધાવી હતી જેકે પક્ષ તરફથી ઉમેદવારી રદ્દ કરતા તેઓ ભાજપના ટેકાથી અપક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. અનિલ ભોસલે હાલ એનસીપીની વિધાનસભ્ય હોવા છતાં તે પક્ષમાં સક્રીય નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35D4hiI
via Latest Gujarati News
0 Comments