હોરર ફિલ્મોના પ્રખ્યાત ડિરેક્ટર વિક્રમ ભટ્ટનો આજે B'day, સુષ્મિતા-અમિષા સાથે રહ્યું અફેર

મુંબઈ, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર

બોલિવૂડમાં અનેક સુપરહિટ હોરર ફિલ્મો કરનાર વિક્રમ ભટ્ટનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1969માં મુંબઈમાં થયો હતો. આજે તેમના 51માં જન્મદિવસ નિમિત્તે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે જાણીએ.

વિક્રમ ભટ્ટના દાદા વિજય ભટ્ટ 50,60ના દાયકાના મોટા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હતા. તેમણે ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. વિક્રમ ભટ્ટના પિતા પ્રવીણ ભટ્ટ પણ ખ્યાતનામ સિનેમેટોગ્રાફર છે. વિક્રમ ભટ્ટએ પણ અનેક ફિલ્મો આપી છે જેમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે. જો કે તેની કારર્કિદીની શરૂઆત થઈ ત્યારે તેણે રોમાંટિક અને કોમેડી ફિલ્મો પર પણ કામ કર્યું હતું પરંતુ ત્યારબાદ અચાનક તે હોરર ફિલ્મો તરફ વળ્યા અને તેમણે 12 જેટલી હોરર ફિલ્મો બનાવી.

1992માં વિક્રમ ભટ્ટએ જાનમ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ મદહોશ, ગુનહગાર અને ફરેબ જેવી ફિલ્મો પણ તેણે બનાવી. વર્ષ 2002માં રાઝ ફિલ્મથી તેણે હોરર જોનરમાં ફિલ્મો બનાવવાની શરૂઆત કરી અને તેનાથી એક નવો ટ્રેંડ પણ શરૂ થયો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી અને ત્યારબાદ તો તેણે હોરર ફિલ્મોની લાઈન લગાવી દીધી.

વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મોમાં 1920, શાપિત, હોન્ટેડ 3ડી, રાઝ, ક્રિચર, રાજ રિબૂટ, 1921 અને ઘોસ્ટ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિક્રમ ભટ્ટ તાજેતરમાં નવી ફિલ્મ સાથે આવી રહ્યા છે. આ ફિલ્મથી હિના ખાન બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મનું નામ હૈક્ડ છે અને તેનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

અભિનેત્રીઓ સાથે અફેર

વિક્રમ ભટ્ટના અંગત જીવન અંગે વાત કરીએ તો તેના લગ્ન નાનપણની મિત્ર અદિતિ સાથે થયા હતા. તેમની કૃષ્ણા ભટ્ટ નામની દીકરી પણ છે. જો કે વિક્રમ ભટ્ટ સુષ્મિતા સેન અને અમિષા પટેલ સાથેના સંબંધોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે.

અમિષા પટેલ સાથે વિક્રમ ભટ્ટ 5 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. પરંતુ ત્યારબાદ બંનેના સંબંધોનો અંત આવ્યો. આ ઉપરાંત અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પણ તેનું અફેર રહ્યું હતું. એક મુલાકાત દરમિયાન વિક્રમ ભટ્ટે સ્વીકાર્યું પણ હતું કે સુષ્મિતા સેનના કારણે તેના લગ્નજીવનનો અંત આવ્યો હતો. જો કે  વિક્રમ ભટ્ટે અફેરને પોતાની ભુલ ગણાવી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tSuRHN
via Latest Gujarati News

Post a Comment

0 Comments