કાયદો અને વાસ્તવિકતા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કાશ્મીરમાં સ્થિતિ યથાવત


૪ ઓગષ્ટ ૨૦૧૯ની સાંજે જમ્મુ કાશ્મીરને બંધ કરવામાં આવ્યું હતું. તે રાતથી જ માનવ અધિકાર પરના હુમલાની શરૂઆત થઇ હતી. રાજ્યપાલ, સલાહકાર, મુખ્ય સેક્રેટરી, ડીજીપી વગેરે જે નવી ટિમે ચાર્જ સંભાળ્યો તેમને ભારતના બંધારણ પ્રત્યે બહુ ઓછો આદર હતો. આ જ દિવસે કાશ્મીર વેલીમાં મોબાઇલ ફોન નેટવર્ક, ઇન્ટરનેટ સેવા, લેન્ડલાઇન કનેક્ટિવિટી કાપી નાંખવામાં આવી હતી. 

આંદોલનો પર પણ પ્રતિબંધો મુકવામાં આવ્યા. ૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરતો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે લાગુ કરતો બંધારણીય આદેશ ૨૭૨ જાહેર કરવામાં આવ્યો. તે જ દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટે ૧૪૪ની ધારા લાગુ કરી. સેંકડો નેતાઓ અને રાજનૈતિક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. કોઇ પણ કારણ વગર ત્રણ પૂર્વ મુખ્યમંત્રીની પણ અટકાયત કરવામાં આવી, જે હજુ સુધી કસ્ટડીમાં છે.

અનુરાધા ભાસીન, ગુલામ નબી આઝાદ અને અન્ય લોકોએ આ પ્રતિબંધોને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યા. અરજદારોના મૂળભુત અધિકારોના ઉલ્લંઘનની સાથે અનુરાધા ભાસીન દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી કે તે પોતાનું અખબાર પણ પ્રકાશિત કરી શકતા નથી. જે અખબારી સ્વાતંત્ર્યનો ભંગ પણ છે.

૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ના સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, 'રાષ્ટ્રિય હિત અને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવાના પ્રયત્નો કરવામાં આવે.'  જેનો ડર હતો તે જ થયું, કાશ્મીરમાં જનજીવન સામાન્ય થયું નહીં. ૧૦ ઓક્ટોબર ૨૦૧૯ના કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે કેટલાક પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા છે. જો કે જમ્મુ કાશ્મીરમાં અને તેમાં પણ કાશ્મીર વેલીમાં સ્થિતિ યથાવત જ રહી.

ઘણા દિવસો સુધી વિવિધ મુદ્દાઓની સુનવણી ચાલી. ૨૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ ચુકાદો સુરક્ષિત કરાયો અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે પાંચ મુદ્દાઓ ગણાવ્યા, આ મુદ્દાઓ કંઇક આ પ્રમાણે છે. (૧) શું સરકાર કલમ ૧૪૪ અંતર્ગત આપેલા આદેશમાંથી છૂટ આપવાનો દાવો કરી શકે છે? (૨) શું વાણી સ્વાતંત્ર્ય અને ઇન્ટરનેટના માધ્યમથી બિઝનેસ એ મૂળભુત અધિકાર નથી? (૩) શું ઇન્ટરનેટ એ મૂળભુત અધિકાર છે? (૪) કલમ ૧૪૪ અંતર્ગત લગાવવામાં આવેલા પ્રતિબંધો યોગ્ય છે? (૫) શું પ્રેસની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે?

કોર્ટના તારણો અને કેટલાક મુદ્દાઓ પર તારણો રજુ કરવાની અનિચ્છા આશ્ચર્યજનક નહોતી. ચુકાદાની શરૂઆતમાં જ કોર્ટે પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો, 'સ્વતંત્રતા અને સુરક્ષા સંબંધી ચિંતાઓ વચ્ચે સંતુલન કરવાનો અમારી પાસે મર્યાદિત અવકાશ છે..... અમે અહીં માત્ર એ સુનિશ્ચિત કરવા માટે છીએ કે દરેક નાગરિકને તેના મૂળભુત હક અને  સ્વતંત્રતા મળે છે કે કેમ.' ૪ આગેસ્ટ ૨૦૧૯થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ સુધીના સમયગાળામાં જ્યારે સરકાર તથાકથિત સામાન્ય સ્થિતિ હોવાની વાત કરતી હતી તે દરમિયાન ૨૦ નાગરિકો અને ૩૬ આતંકીઓ માર્યા ગયા.

ઉપરાંત આઠ સુરક્ષા જવાનોએ પણ જીવ ગુમાવ્યો. તમે જ્યારે આ વાંચો છો ત્યારે પણ ઇન્ટરનેટ, આંદોલન, સભાઓ, રાજકિય કાર્યક્રમો, ભાષણ અને કાશ્મીર ખીણમાં પ્રવાસીઓ પરનોે પ્રતિબંધ શરૂ જ હશે. કોઇ પણ કારણ વગર રાજકિય નેતાઓ કસ્ટડીમાં જ હશે. તો ચુકાદા પછી પણ કંઇ બદલ્યું છે?

બેન્જામીન ફ્રેન્કલિને કહ્યું છે કે 'જે લોકો જરા અમથી અસ્થાયી સુરક્ષા માટે જરૂરી સ્વતંત્રાને છોડી દેશે, તેઓ ન તો સુરક્ષાના હકદાર છે ન તો સ્વાતંત્ર્યના.' અહીં સંદર્ભ અલગ હતો, જ્યારે પણ સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે આ ઉક્તિ ક્લાસિક ગણાય છે. શું નિષ્કર્ષ કે સ્થિતિ અલગ હોત જો કોર્ટે બેંજામીન ફ્રેન્કલિનના આ સિદ્ધાંતને માર્ગદર્શક ગણ્યો હોત? કોર્ટનો ચુકાદો સરકારને પોતાના તાનાશાહી અને સૈન્યવાદી અભિગમથી પાછા વળવાની તક આપે છે.

પરંતુ મને શંકા છે કે શું સરકાર ખરેખર તક ઝડપશે? આ ચુકાદાએ કાશ્મીરના ૭૦ લાખ લોકોને પણ સ્વતંત્રતાની નવી આશા આપી છે. જો કે ચુકાદાના સાત દિવસ થવા છતા તેવા કોઇ એંધાણ દેખાતા નથી. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકાર આ વાતથી નાખુશ છે કે તેમની કાર્યવાહી પર સતત ન્યાયિક સમીક્ષા કરવામાં આવી રહી છે. તો સામે અરજદારો પણ નાખુશ છે કેમકે તેમને હકિકતમાં કોઇ રાહત નથી મળી રહી. પ્રાઇવસી કેસની માફક કોર્ટ આમાં ઘણું કરી શકી હોત. એક તક ગુમાવી દેવામાં આવી. કદાચ આવતી સુનવણીમાં વધારે કાર્યવાહિ કરવામાં આવે. ઘણી વખત કાયદો પણ નિરાશ કરે છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38kggDy
via Latest Gujarati News

Post a Comment

0 Comments