
ભૂતકાળમાં સતત પીટાયેલા મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોએ ૨૦૨૦ના વર્ષમાં આકર્ષક દેખાવ કર્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી મિડ-કેપ ઇન્ડેક્સમાં આશરે ત્રણ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં આશરે પાંચ ટકા તેજી આવી છે.
આની સામે આ સમયગાળામાં સેન્સેક્સમાં ૧.૬ ટકા વધારો થયો છે. મિડકેપ ઇન્ડેક્સ ગત શુક્રવારે તેની બાવન સપ્તાહની ઉંચી સપાટી ૧૫૬૭૭ હાંસલ કરી હતી.
ચાલુ વર્ષના આરંભથી બીએસઇ-૫૦૦ ઇન્ડેક્સની આશરે ૩૦૦ કંપનીઓએ સેન્સેક્સ કરતા ચડિયાતો દેખાવ કર્યો છે. સ્મોલ અને મિડકેપ શેરોના સસ્તા વેલ્યુએશન અને બ્લૂચિપ શેરોમાં મજબૂત તેજીને પગલે રોકાણકારો મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો તરફ વધ્યા છે.
બજારમાં આગામી સમયગાળામાં વ્યાપક તેજી આવશે. કારણ કે મિડ-કેપ શેરો નવા અપટ્રેન્ડની અણી પર છે. રોકાણકારોએ ક્વોલિટી મિડ-કેપમાં તેમના વેઇટેજમાં વધારા સાથે બજારની બદલાતી આ સ્થિતિનો લાભ લેવા માટે તેમના લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો જોઈએ તેમ એનાલિસ્ટોએ જણાવ્યું હતું.
ઘરેલુ ફંડ-હાઉસે આ કેટેગરીના શેરોમાં ખરીદી ચાલુ રાખી છે. ડિસેમ્બરમાં ફંડ હાઉસિસે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં આશરે રૂા. ૧,૨૧૮ કરોડનું રોકાણ કર્યું હતું.
મિડ-કેપ અને સ્મોલ કેપ શેરોએ ઓગસ્ટ ૨૦૧૩ અને જાન્યુઆરી ૨૦૧૮ની વચ્ચે ચડિયાતો દેખાવ કર્યો છે. આ પછી ઉંચી વેલ્યુએશન અને અર્નિંગ ગ્રોથના અભાવથી તેમાં તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઇના સ્મોલ-કેપ ઇન્ડેક્સે જાન્યુઆરી ૨૦૧૮ પછી સૌથી ખરાબ દેખાવ કર્યો છે.
ઇન્ડિયા બુલ્સ ઇન્ટિગ્રેટેડ, ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, ટી.વી. ૧૮ બ્રોડકાસ્ટ, સેન્ટ્રમ, જય કોર્પ, ઓરિએન્ટ સિમેન્ટ સહિતના આશરે ૧૭ મિડ-કેપ શેરોમાં પહેલી જાન્યુઆરીથી આશરે ૨૦થી ૫૦ ટકા સુધીની તેજી આવી છે.
બિરલા કોર્પ, બ્લૂડાર્ટ, અદાણી ગ્રીન, વેલસ્પન કોર્પ, દીપક ફર્ટિલાઇઝર્સ, ચેન્નાઈ પેટ્રો, સેઇલ અને હિન્દુસ્તાન એરોનેટિક્સ સહિતના બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સના આશરે ૭૫ શેરોમાં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૦થી ૨૦ ટકા સુધી વળતર મળ્યું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NF5IqA
via Latest Gujarati News
0 Comments