૨૦૧૯નું વર્ષને સરકારની જીદ અને તોછડાપણા માટે યાદગાર બનીને રહેશે. જેમાં મુખ્યત્વે બે બાબત છે. એક મંદી ન હોવાની મમત અને બે વેપારમાં જીદી અને વિશ્વથી ઉપર ચાલવાનું વલણ. ભારતની આર્થિક નીતિઓમાં જાણે વેપારને વિસારે પાડી દેવામાં આવ્યો છે. મંદી હોવા છતાં એનો સ્વીકાર ન કરી સરકારે ભૂલ તો કરી જ હતી.
એનાથી મોટી ભૂલ એણે મંદીનો મોડેથી સ્વીકાર કરીને કરી હતી. જેને પરિણામે સરકારની શાખ ઘેર ખરડાઈ. એની આબરુનું ધોવાણ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્યારે વધુ થયું જ્યારે ઈતર દેશો સાથેનો વેપારી નાતો લગભગ તોડી નાખ્યો. આઝાદીના કેટલાક દાયકાઓ સુધી તત્કાલીન સરકારોએ જે નીતિ અપનાવી હતી એજ માર્ગે હાલની સરકાર ચાલે છે. માનો ઘડિયાળના કાંટા ઉંધા ફેરવે છે.
સ્વતંત્રતા મળ્યાના ચાર દાયકા સુધી દેશમાં ઈમ્પોર્ટ એટલે કે આયાત શબ્દ પાપ મનાતો હતો અને ઈમ્પોર્ટ અત્યંત જરૂરી હોય ત્યાં સુધી જ મર્યાદિત હતુંં. 'ઈસન્શિયલ અને હાઈ પ્રાયોરિટી'નો ઘટયો ન લાગે ત્યાં સુધી કોઈપણ વસ્તુ આયાત કરવાની છૂટ નતી. જોકે ત્યારે એના કારણો હતા. આમ કરવાના તથાકથિત કારણો હતા.
ઘરઆંગણે સ્થાનિક ઉદ્યોગોને ઉત્તેજન આપવું અને ઉત્પાદન કરવા જરૂરી ક્ષમતા અને પાત્રતા વિકસાવવી. પરંતુ ચાર દાયકાના સંરક્ષણવાદ પછી પ્રતીતિ થઈ કે હકીકતમાં ફળ ઉલટા મળ્યા છે. અત્યંત સખત એવી ઈમ્પોર્ટ સબસ્ટિટયુટ નીતિઓને કારણે મોટા ઉદ્યોગોએ અછતનો અનુભવ કર્યો અને તેઓ ક્ષમતા અનુસાર પરિણામ ન આપી શકયા.
નેવુના દાયકામાં ઉદારીકરણના યુગ પછી અને આ શતાબ્દીના પાડેલા દાયકા દરમિયાન વેપાર અંગેની વિવિધ સમજૂતિઓમાં વૈશ્વિક અને સ્થાનિક ક્ષેત્રે ભારતે ભારે સક્રિયતા દાખવી. એફટીએ હોય કે ડબલ્યુટીઓ, વેપાર અંગેની વિિવિધ બાબતોમાં ભારતે આગળ પડતી ભૂમિકા ભજવી અને વિકસિત અને વિકાસશીલ દેશો સાથે વાટાઘાટો ચાલુ રાખી.
અન્ય બજારની એકસેસ મેળવવા ભારતે મંત્રણાનું ટેબલ કદી નથી છોડયું. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) માટેની વાટાઘાટોમાં પણ ભારત સક્રિય રહ્યું. પોતાના વેપાર હિત જાળવવા અમુક એફટીએમાંથી ભારતે હાથ વેંચી લીધા તો અમુક સાથે કરાર ચાલુ રાખ્યા. પહેલાં નાના દેસો અને પછી જાપાન અને કોરીઆ જેવા વિકસિત દેશો સાથેના કરારમાંથી પણ હાથ ખેંચી લીધા.
પરંતુ આજ જેવી પરિસ્થિતિ કયારેય નહોતી. છેલ્લા ત્રણ દાયકામાં ભારતે અપનાવેલી નીતિમાં આ સરકારે હવે અચાનક યુ ટર્ન માર્યો છે. અચાનક વર્તમાન સરકારને ૧૯૯૦ અગાઉની નીતિઓ વહાલી લાગવા માંડી છે. 'ડિસએન્ગેજમેન્ટ' વર્તમાન સરકારના નવો મંત્ર છે. ગયા વરસે ભારત રીજનલ કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીઈપી)માંથી નીકળી ગયું.
તો ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપિયન યુનિયન સહિતના અનેક દેશો સાથેની મંત્રણા અચાનક બંધ કરી દીધી. ત્રણ દાયકાનો પરિશ્રમ પર આ સરકારે ૨૦૧૯માં પાણી ફેરવી દીધું. આજે ભારત આર્થિક નીતિઓના ચેમ્પિયનના અભાવથી પીડાય છે. ઈકોનોમિક્સના અચ્છા અચ્છા ખેંરખાઓ છેલ્લા પાંચ વરસમાં મેદાન છોડી ગયા છે. એમણે અલવિદા એટલા માટે નહોતુ કહ્યું કે દિલ્હીનું પ્રદૂષણ એમને માફક નહોતું આવતું.
લાંબો સમય પ્રગતિના પંથે રહેલા ભારતનો વિકાસનો દર અચાનક નથી ખાબક્યો. ઉત્પાદન અને નિકાસ વધારવા વિકસાવવામાં આવેલી સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનની (એસઈઝેડ) નીતિ કોરાણે મૂકી દેવામાં આવી છે. ઘણા એસઈઝેડ હવે ભંગારવાડે છે તો અનેક એસઈઝેડમાં જમીનની હેરાફેરી બહાર આવી છે.
જો એસઈઝેડની નીતિનો અમલ નિષ્ઠાપૂર્વક કરાયો હોત, એસઈઝેડ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ પ્રમાણિકતાપૂર્વક ઉભી કરાઈ હોત તો ઈન્ડિયન મેન્યુફેકચરીંગની હાલત આટલી ડામાડોળ ન હોત. અધિકાંશ એસઈઝેડ ડીલીવર કરવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે. રાજકીય બદઈરાદા, કૌભાંડો અને જમીન સંપાદન અને જમીનની હેરાફેરથી એસઈઝેડની વારતા છલોછલ છે. આ બધી મોહમાયામાં નિકાસ ભૂલાઈ ગઈ. ઉદ્યોગપતિઓ અને રાજ્ય સરકાર ભૂલી ગઈ કે એસઈઝેડની રચના 'લેન્ડ ડેવલપમેન્ટ' અને અન્ય ઈમારતો માટે નહોતી થઈ.
હવે ભારતની નેતાગીરી જબરદસ્તી સ્વદેશી વિચારને કમબેક કરાવી રહી છે અને ૬૦-૭૦ના દાયકામાં ઈમ્પોર્ટ પ્રત્યે જે હાઉ ઉભો થયો હતો એ યુગમાં પ્રવેશી રહી છે. 'નેશનલ ઈન્ટરેસ્ટ' એટલે કે રાષ્ટ્ર હિતનો હવાલો આપીને કેન્દ્ર સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને બીજી વૈશ્વિક સંગઠનોમાંથી અળગી થઈ રહી છે. જેને કારણે એક્સપોર્ટ પર અસર પડી છે.
રિજનલ કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપમાંથી નીકળી જવા. પાછળનો તર્ક ખુદ નાણા અને કોમરો મંત્રાલયના અધિકારીઓને નથી સમજાતો. ઘરેલુ ઉદ્યોગોને અસર થશે એ કારણ આગળ ધરીને દેશની બજાર અન્ય રાષ્ટ્રો માટે ખુલ્લી ન મૂકીને સરકાર પાંચ દાયકા પાછળ ધકેલાઈ છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G30UHu
via Latest Gujarati News
0 Comments