સરકારી ઉપક્રમો ઘટી રહ્યા છે ત્યારે રોજગાર નિર્માણ મોરચે આક્રમક નીતિની તાતી જરૂર


તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં  આર્થિક મંદીએ દેશમાં રોજગાર નિર્માણ પર પ્રતિકૂળ અસર પાડી હોવાનું જણાવાયું  છે. નાણાં વર્ષ ૨૦૧૯માં નિર્માણ પામેલા ૮૯.૭૦ લાખ નવા રોજગારની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં  ૧૬ લાખ નવા રોજગાર ઓછા નિર્માણ પામવાની  શકયતા દર્શાવાઈ છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-દરમિયાન કુલ નવા પેરોલનો આંક ૪૩.૧૦ લાખ રહ્યો છે, જે વાર્ષિક ધોરણે ગણતરી કરવામાં આવે તો ૭૩.૯૦ લાખ જેટલો થઈ શકે છે. 

દેશમાં બેરોજગારીના ઊંચા દરને ધ્યાનમાં રાખીને સરકાર નવી નેશનલ એમ્પ્લોયમેન્ટ પોલિસી તૈયાર કરવા વિચારી રહી છે. આ સંદર્ભમાં પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવ્યો છે. નવી પોલિસીમાં વ્યાપક ફેરબદલ કરવા નિર્ણય કરાયો છે. નેશનલ એમ્પ્લોયમેન્ટ પોલિસી પર છેલ્લા એક દાયકાથી કામ થઈ રહ્યું  છે. પોલિસીને લગતી પ્રથમ દરખાસ્ત ૨૦૦૭માં રજુ કરવામાં આવી હતી પરંતુ તેના પર કોઈ સ્પષ્ટ નિર્ણય થઈ શકતો નથી અને બેરાજગારી કુદકેને ભુસકે વધી રહી છે. 

એમ્પ્લોઈઝ પ્રોવેડિન્ટ ફન્ડ ઓફિસના આંકડામાં સરકારી રોજગાર, રાજ્ય સરકારના રોજગાર તથા ખાનગી રોજગારના આંકડાનો સમાવેશ થતો નથી કારણ કે આ ડેટા નેશનલ પેન્શન સ્કીમ દ્વારા જાળવવામાં આવે છે. નેશનલ પેન્શન સ્કીમમાં પણ વર્તમાન નાણાં વર્ષમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં ૩૯૦૦૦ ઓછા રોજગાર નિર્માણ થવાના સંકેત  મળી રહ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. 

આસામ, બિહાર  સહિતના કેટલાક રાજ્યોમાં છેલ્લા એક વર્ષમાં સ્થળાંતરિત થયેલા મજુરોના રેમિટેન્સિસના આંકમાં પણ ઘટાડો થયાનુું જોવા મળી રહ્યું છે. બેન્કરપ્સી પ્રક્રિયા હેઠળના કેસોના નિકાલમાં ઢીલને કારણે કંપનીઓ કરાર હેઠળના કામદારોની સંખ્યા પર કદાચ કાપ મૂકી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

અસમાન વિકાસને કારણે કૃ।ષ તથા ઔદ્યોગિક રીતે ઓછા વિકાસ પામેલા રાજ્યોના   કર્મચારીઓ રોજગારની તકો શોધવા વિકસિત રાજ્યો તરફ મોટી માત્રામાં સ્થળાંતર થઈ રહ્યાનું જણાય રહ્યા છે, પરંતુ તેઓ યોગ્ય રોજગાર મેળવી શકતા નથી. દેશમાં યુવાનોની સંખ્યામાં જે રીતે  વધારો થઈ રહ્યો છે તેની સરખામણીએ રોજગારમાં વધારો થતો જોવા મળતો નથી. 

કામ કરવાની વય ધરાવતા યુવક -યુવતિઓ દેશના આર્થિક વિકાસ દરમાં પોતાનું યોગદાન આપી શકે માટે રોજગારની તકો વધે તે જરૂરી છે.  આમ થશે તો જ ભારતમાં હાલમાં જોવા મળી રહેલી મોટી આર્થિક અસમાનતા દૂર થઈ શકશે. જો કે આર્થિક અસમાનતામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. 

રોજગારનો દર એટલે કામ કરવાની વય સાથેના રોજગારમાં સંકળાયેલા  યુવક-યુવતિઓની ટકાવારી. વર્લ્ડ બેન્કના અંદાજ પ્રમાણે, ભારતની વસતિથી રોજગારનું પ્રમાણ ૫૦ ટકા છે જ્યારે વૈશ્વિક સ્તરે આ દર સરેરાશ ૫૮ ટકા છે. ભારતમાં રોજગારના આંકડા ઘટી રહ્યા છે એમ પણ પ્રાપ્ત આંકડા જણાવી રહ્યા છે.

૧૯૯૧માં ભારતમાં વસતિની સંખ્યા સામે રોજગારનું પ્રમાણ ૫૭ ટકા હતું. ભારતમાં કામ કરવાની વય ધરાવનારામાંથી  રોજગાર સાથે સંકળાવાની ટકાવારી ઘટતી જાય છે. ભારતમાં પચાસ ટકા લોકો રોજગાર ધરાવતા નથી અને બેરોજગારીની ટકાવારી વધી રહી છે ત્યારે તે પાછળના કારણો શોધી તેનો નિકાલ બને એટલો વહેલો લવાય તે જરૂરી છે.

સીએમઆઈઈના આંકડાને જો ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં રોજગારીનું ચિત્ર ઘણું જ બિહામણું જણાઈ રહ્યું છે. સીએમઆઈઈના આંકડા પ્રમાણે ૨૦૧૯માં  દેશમાં રોજગાર માટે લાયક વય સાથેના યુવક-યુવતિઓમાંથી માત્ર ૪૦ ટકા લોકો જ રોજગાર ધરાવતા હોવાનું જોવા મળી રહ્યું છે. ૨૦૧૬માં આ આંક ૪૩ ટકા હતો. આમ રોજગારમાં  સતત ઘટાડો થઈ રહ્યો છે અને બેરોજગારીના આંક વધી રહ્યા છે.

૨૦૧૯ના અંતિમ ત્રિમાસિક દરમિયાન, રોજગારીનું પ્રમાણ ઘટીને ૩૯.૫૦ ટકા રહ્યું હતું. દેશમાં એક ત્રિમાસિક ગાળામાં આ આંક અત્યારસુધીનો નીચો આંક છે. ગ્રામ્ય ભારતની સરખામણીએ શહેરી ભારતમાં રોજગારનું પ્રમાણ નીચું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગાર માટે લોકો શહેર તરફ સ્થળાતંર કરતા હોવાથી શહેરી ભારતમાં બેરોજગારીનો આંક ઊંચો જોવા મળે છે. ૨૦૧૯માં શહેરી ભારતમાં રોજગારના દરમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તેમાં સ્થિરતા જોવા મળી રહી છે. 

પ્રાપ્ત આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરાતા જણાય છે  કે દેશમાં રોજગારનું ચિત્ર ઘણું જ બિહામણું  બનતું જાય છે. રોજગારો વધવાને બદલે ઘટી રહ્યા છે. ભારતમાં જે ગતિએ રોજગાર ઘટી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. બેરોજગારીમાં વધારો થવાનું કારણ જે ક્ષેત્રો સૌથી વધુ રોજગાર પૂરા પાડનારા છે તેમની સ્થિતિ હાલમાં ઘણી જ નાજુક છે.

ભારત ઊભરતા અર્થતંત્ર તરીકે ઓળખાઈ રહ્યું છે ત્યારે  બેરોજગારી અને અર્ધરોજગારીની અગાઉથી જ નબળી રહેલી સ્થિતિ વધુ કથળવાની શકયતા  વિવિધ અહેવાલોમાં વ્યકત કરાઈ રહી  છે. દેશના યુવાનોની મહત્વકાંક્ષા પૂરી કરવાના મોટા પડકારનો આપણે સામનો કરી રહ્યા છીએ. રોજગાર નિર્માણ પ્રત્યે પૂરતા ધ્યાનના અભાવને કારણે, વધુને વધુ લોકો નીચલા સ્તરના સ્વરોજગાર તરફ વળી રહ્યા છે અથવા તો અસુરક્ષિત એવા રોજગાર સ્વીકારી રહ્યા છે. 

આર્થિક તથા સામાજિક નીતિઓની રચના સાથે રોજગાર નિર્માણને પણ પ્રાધાન્ય આપવાનો સમય પાકી ગયો છે અન્યથા રોજગાર વગરના આર્થિક વિકાસની વાતોનો કોઈ અર્થ નહીં રહે. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે દેશના જાહેર ક્ષેત્રના ઉપક્રમોની રચના થવા લાગી, જેથી ખાનગી ક્ષેત્રની ઈજારાશાહી ઊભી ન થાય. આ ઉપરાંત જાહેર ક્ષેત્રના ઉપક્રમો સ્થાપવાનો અન્ય એક હેતુ રોજગાર નિર્માણનો પણ રખાયો હતો.

પરંતુ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સરકાર માટે આજે ધોળો હાથી સાબિત થઈ રહ્યા હોવાથી સરકાર તેમાંથી પીછો છોડાવી રહી હોવાનું તેના ડીસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમો પરથી સમજી શકાય એમ છે. આમ આઝાદી બાદની રોજગાર નિર્માણની નીતિ નિષ્ફળ રહી છે ત્યારે નીતિવિષયકોએ રોજગાર નિર્માણને એક પડકાર તરીકે ઝીલી લઈ  તે તરફ પ્રાથમિક ધોરણે કામગીરી હાથ ધરવી રહી અન્યથા બેરોજગારીનું સ્તર એટલી હદે વધી જશે જેને કાબુમાં લેવા સરકારની કોઈપણ નીતિ કામ નહીં કરે અને અવારનવાર ઊંટ વૈદુ કરતા રહેવાની ફરજ પડતી રહેશે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30AjpMU
via Latest Gujarati News

Post a Comment

0 Comments