
દેશમાં ફુગાવો ઉંચો ગયો છે. વિવિધ જીવનજરૂરી ચીજોના ભાવ એક પછી એક ઉંચા જઈ રહ્યા છે. આ પૂર્વે કાંદાના ભાવ ઉછળ્યા પછી બટાટા તથા ખાદ્યતેલોના ભાવ ઉંચા ગયા છે. તાજેતરમાં દાળ- કઠોળ બજારમાં પણ કરન્ટ જોવા મળ્યો છે. સરકાર એક ચીજના ભાવ કાબુમાં રાખવા પ્રયત્નો કરી રહી હોય છે ત્યારે ઓચીંતા બીજી ચીજના ભાવ ઉંચા જવા માંડે છે અને સરકાર માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ દેખાતી રહી છે.
આ પૂર્વે તાજેતરમાં કાંદા પછી બટાટાની બજારના સમાચાર ચમક્યા હતા. દિલ્હી બજારના સમાચાર મુજબ ૨૦૧૯માં ત્યાં બટાટાના ભાવ પાછલા વર્ષની સરખામણીએ આશરે ૭૦થી ૭૫ ટકા ઉંચા ગયા હતા. કલકત્તા બજારમાં આ ગાળામાં બટાટાના ભાવ આશરે બમણા થઈ ગયા હતા. આ તરફ કાંદાના ભાવને કાબુમાં લાવવા સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી હતી એ વખતે બટાટાના સમાચાર ચમકવા માંડયા હતા. જોકે કાંદા જેટલી તેજી બટાટામાં આવી નથી કારણ કે બટાટામાં ફ્રેશ પુરવઠો બજારમાં આવતો થયો હતો.
દિલ્હી બજારમાં તથા મુંબઈ બજારમાં ડિસેમ્બરમાં બટાટાના ભાવ કિલોના રૂ.૩૦થી ૩૫ જોવા મળ્યા હતા જ્યારે કલકત્તામાં ભાવ રૂ.૨૦થી ૨૫ નોંધાયા હતા. ચેન્નાઈ બજારના આ આંકડા રૂ.૩૦નો ભાવ બતાવતા હતા. આ આંકડા કેન્દ્ર સરકારના પુરવઠા ખાતાના સૂત્રોએ બતાવ્યા હતા. જોકે બટાટા બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઉંચામાં ભાવ રૂ.૪૦ સુધી પણ જોવા મળ્યા હતા.
બટાટા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં પંજાબ, ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં બટાટાનો પાક વિશેષ લેવાય છે તથા આ રાજ્યોમાં ઓક્ટોબરથી કમોસમી વરસાદ વરરસતો જોવા મળ્યો છે. આ વરસાદના પગલે આ રાજ્યોમાં બટાટાના પાકને પ્રતિકુળ અસર પડી છે.
કાંદાના ભાવ વધતાં તેની હૂંફે પણ અમુક વિસ્તારોમાં બટાટાના ભાવ ઉંચા બોલાવા માંડયા હતા એવું સૂત્રોએ ઉમેર્યું હતું. આ દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાંથી મળેલા સમાચાર મુજબ ખેડૂતો કાંદા, લસણ, શેરડી તથા અન્ય પાકો તરફ વળતાં તેના કારણે બટાટાના વાવેતરને તેટલા પ્રમાણમાં અસર પડી છે. વૈશ્વિક સ્તરે બટાટાના ઉત્પાદનમાં વિવિધ ઉત્પાદક દેશોમાં ભારત બીજા ક્રમાંકે આવે છે.
આ દરમિયાન ઉત્તર- પ્રદેશ, પંજાબ તથા હરીયાણામાં બટાટાનું વાવેતર નીચું આવ્યું હતું. ઉત્તર પ્રદેશના કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ બટાટા ઉગાડતા ઘણા મોટા ખેડૂતો તેમનો બટાટાનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હતા અને એ દરમિયાન તેમને નુકસાન થતાં આવા મોટા ખેડૂતો પણ તાજેતરમાં બટાટાથી દૂર થતા જોવા મળ્યા હતા. બટાટા ઉગાડતા ઘણા ખેડૂતો ઉત્તર પ્રદેશમાં મસ્ટર્ડ- સરસવના પાક તરફ પણ વળ્યાના વાવડ મળ્યા હતા.
બટાટાના જથ્થાબંધ ભાવ તથા છૂટક ભાવ વચ્ચેનું અંતર મોટું થતાં તેના કારણે પણ બટાટા ઉગાડતા ઘણા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ૨૦૧૭-૧૮માં બટાટાનું ઉત્પાદન આશરે ૫૧૦ લાખ ટન હતું તે વધીને ૨૦૧૮-૧૯માં ૫૩૦ લાખ ટન થતાં તથા તેના પગલે આ ગાળામાં બટાટાના ભાવ નીચા જતા રહેતાં તેના કારણે પણ ખેડૂતોમાં નારાજગી દેખાઈ હતી. આના પગલે બટાટાનો સંગ્રહ કરનારા ખેડૂતોને મોટો ફટકો પડયો હતો.
ભારતના બટાટાની માગ મધ્ય- પૂર્વના દેશો તથા શ્રીલંકામાં રહેતી હોય છે. જોકે વિશ્વબજારમાં બટાટાની નિકાસમાં ભારત સામે બંગલાદેશની હરીફાઈ પણ દેખાઈ છે. ઘરઆંગણે ઉત્તર- પ્રદેશ તથા પશ્ચિમ બંગાળમાં બટાટાનો વાવેતર વિસ્તાર ઘટયો છે. ૨૦૧૯માં પૂર્વાર્ધમાં બટાટાના ભાવ નીચા રહ્યા પછી ઉત્તરાર્ધમાં ભાવ ઉંચા ગયા હતા.
ઉત્તર પ્રદેશમાં વાવેતરનો વિસ્તાર આશરે ૮થી ૧૦ ટકા ઘટયો છે. જોકે પશ્ચિમ બંગાળમાં આવો ઘટાડો ઓછો જણાયો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ખેતર- બેઠા (એક્સ- ફાર્મ) બટાટાના ભાવ કિલોના ૧૮થી ૨૦ જોવા મળ્યા હતા. ૨૦૨૦નો આરંભ થઈ ગયો છે અને નવા વર્ષમાં બટાટાના ભાવ નીચા આવે તથા વ્યાજબી સ્તરે આવે એવી શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે.
૨૦૧૯માં ઉત્તર પ્રદેશમાં બટાટાનો પાક આશરે ૧ કરોડ ૬૦ લાખ ટન જેટલો થયો હતો જે પૈકી મોટા ખેડૂતોએ આશરે ૧ કરોડ ૧૫ લાખ ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા હતા. આવો સંગ્રહ કરનારાઓને પાછલા વર્ષે શરૂઆતના મહિનાઓમાં નુકસાન પણ ભોગવવું પડયું હતું. જોકે ઉત્તરાર્ધમાં ઉંચા ભાવ દેખાવા માંડયા હતા. ઉત્તર પ્રદેશમાં બટાટાના ભાવ ઉંચા જાય છે ત્યારે પશ્ચિમ બંગાળના ખેડૂતો પણ મક્કમ બની ઉંચા ભાવ માગતા થઈ જતા હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G30TTW
via Latest Gujarati News
0 Comments