
દેશમાં નવા વર્ષના આગમન સાથે કોલસા બજાર તથા ઉદ્યોગમાં સમીકરણોમાં ઝડપી બદલાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીથી મળેલા આ ક્ષેત્રના ટ્રેન્ડ બદલતા સમાચાર મુજબ સરકારે કોમર્શિયલ કોલ માઈનિંગ (ક્ષેત્ર) બધા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પૂર્વે આવા કોલ માઈનિંગના ઓકશનમાં વિવિધ શરતો મૂકવામાં આવતી હતી.
આ શરતોમાં કોલસાનો ઉપયોગ કોણ કરવાનું છે તથા આવા ઓકશનમાં ભાગ લેનારને આ ક્ષેત્રનો શું અનુભવ છે? આવા વિવિધ પ્રકારના મુદ્દાઓ- શરતો આવા ઓકશન માટે રાખવામાં આવતી હતી. જોકે તાજેતરમાં આવી કડક શરતો હવે સરકારે હળવી બનાવી છે તથા તેના પગલે બધી લોકલ તથા ગ્લોબલ પેઢીઓ કંપનીઓ આવા કોલસાના ઓકશનમાં હવે ભાગ લઈ શકે એવો તખતો દિલ્હીમાં ગોઠવાયો છે.
ભારતમાં કોલસાનું ઉત્પાદન સરકાર હસ્તકની કોલ- ઈન્ડિયા કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે. જોકે સરકારના બદલાયેલા વલણના પગલે આ ક્ષેત્રે વ્યાપક ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે સરકારી સૂત્રો એવો દાવો પણ કરી રહ્યા છે કે આવો બદલાવ છતાં સરકાર હસ્તકની કોલ- ઈન્ડિયા કંપનીને કોઈ વિશેષ અસર પડશે નહિં.
આ ઉપરાંત દેશમાં આયર્ન- ઓરના માઈનિંગના લીઝ કરાર માર્ચ મહિનામાં પૂરા થવાના છે એને લક્ષમાં રાખી સરકારે આ મુદત પૂરી થાય એ પૂર્વે આયર્ન ઓર માઈનિંગના ઓકશનની પ્રક્રિયા પણ ફરી શરૂ કરવામાં આવનાર છે. દરમિયાન, ભવિષ્યમાં હવે પછી કેપ્ટીવ કોલ બ્લોક ઓકશનો કરવામાં આવશે નહિં એવું સૂત્રોએ જણાવ્યું હતું.
નવા વર્ષમાં હવે આના પગલે કોલસા ઉદ્યોગ અને કોલસાની બજારમાં ખાસ્સા ફેરફારો થવાની શક્યતા જન્મી છે.
હવે એક્સપ્લોર નહિં થયેલા કોલસાના બ્લોકસ તથા આંશિક રીતે એક્સપ્લોર થયેલા કોલસાના બ્લોકસમાં માઈનિંગના દરવાજા ખુલી જવાની આશા જાણકારો બતાવી રહ્યા છે.
હવે જે પેઢી અથવા કંપની અથવા વ્યક્તિ આ ક્ષેત્રે રોકાણ કરવા ઈચ્છુક હશે તેઓ આ ક્ષેત્રે દાખલ થઈ શકશે એવો તખતો ગોઠવાયો છે.
આ દરમિયાન દેશમાં કોલ માઈનિંગ ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ એફડીઆઈનો પણ પ્રવેશ થશે અને આના માટે હવે આ ક્ષેત્રના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
ભારતમાં કોલસાનું ઉત્પાદન વધશે તો આયાત પર આધાર ઘટશે એવી ગણતરી બતાવાઈ રહી છે. દેશમાં વાર્ષિક ધોરણે આશરે ૨૩૫૦ લાખ ટન જેટલા કોલસાની આયાત કરવામાં આવે છે અને એ પેટે વાર્ષિક ધોરણે આશરે રૂ.૧.૭૫ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે. આવી આયાત પૈકી આશરે જે ૧૦૦૦ લાખ ટન કોલસાની આયાત થાય છે એ આયાતી કોલસો કોકીંગ- કોલ તરીકે વપરાય છે જ્યારે બાકીનો આયાતી કોલસો પાવર પ્લાન્ટોમાં વપરાય છે.
પાવર પ્લાન્ટોમાં વપરાતા આવા આયાતી કોલસાની આયાત ઘટાડવા સરકાર પ્રયત્નો કરી રહી છે. દેશમાં સરકાર હસ્તકની કોલ ઈન્ડિયામાં કોલસાનું ઉત્પાદન ૨૦૨૩-૨૪ સુધીમાં વધીને આશરે એક અબજ ટન થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. જોકે આ ગાળામાં કોલસાની માગ પણ વધીને આ ઉત્પાદનના આંકથી ઉંચી જવાની ગણતરી છે અને તેના પગલે આ ગાળામાં ઉત્પાદન એક અબજ ટનથી વધુ વધે એ માટે સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે.
ભારતમાં સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે કોલસાનો વિશેષ ઉપયોગ થતો રહ્યો છે. સ્ટીલ ઉદ્યોગના જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના નવા પગલાઓથી દેશમાં કોલસાની આયાત ઘટશે જે હાલ વાર્ષિક ધોરણે સરેરાશ આશરે ૧૫ અબજ ડોલર જેટલી થઈ રહી છે.
વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉંચા જાય છે ત્યારે કોલસાના ભાવ પણ વધે છે એ જોતાં ભારતમાં કોલસાની આયાત ઘટશે તો અર્થતંત્રને ખાસ્સો લાભ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. દેશમાં કોલસાના ઉત્પાદનમાં પર્યાવરણ તથા જંગલ- ફોરેસ્ટ ખાતા તરફથી લેવી પડતી મંજૂરીઓ પણ હવે ઝડપથી મળે એ માટે સરકારે પ્રયત્નો આદર્યા છે.
દરમિયાન, ભારતમાં કોકિંગ કોલની આયાત રશિયા તથા મોંગોલીયા ખાતેથી શરૂ કરવા સરકારે ગતિવિધિ શરૂ કરી છે. હાલ દેશમાં આવા કોલસાની આયાત ઓસ્ટ્રેલીયાથી થઈ રહી છે તથા હવે રશિયા અને મોંગોલીયા તરફ સરકારે નજર માંડી છે.
ઓસ્ટ્રેલીયાથી થતી આવી આયાતની સરખામણીએ મોંગોલીયાથી આવા કોલસાની આયાત સસ્તી પડે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. આ ઉપરાંત રશિયાથી પણ આવી આયાત વધારવાની દિશામાં સક્રિય પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાના નિર્દેશો મળ્યા છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TDErst
via Latest Gujarati News
0 Comments