
સીએએ સામેનું આંદોલન સંસદ વિરૂદ્ધ નહીં, સરકારની વિભાજનકારી નીતિઓ સામેનું : વિપક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલાં કોંગ્રેસ અને વિપક્ષના આંદોલન પર કર્ણાટકના તુમકુરમાં ગુરૂવારે જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથીઓ દેશની સંસદ વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા છે. કેટલાક સપ્તાહ પહેલાં જ આપણી સંસદે નાગરિકતા સુધારા કાયદાને મંજૂરી આપવાનું ઐતિહાસિક કામ કર્યું છે. પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દેશમાં સંસદ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ લોકો પાકિસ્તાનથી આવેલા દલિતો, પછાતો અને હેરાનગતિનો સામનો કરી રહેલાં વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે.
મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનનો જન્મ ધર્મના આધારે થયો હતો અને ત્યારથી જ બીજા ધર્મોના લોકો સાથે અત્યાચાર શરૂ થઈ ગયા હતા. સમયની સાથે પાકિસ્તાનમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર સતત અત્યાચારો વધતા રહ્યા છે. લાખો લોકોએ તેમના ઘર છોડી ભારત આવવું પડયું છે. પાકિસ્તાને આ લોકો પર અત્યાચાર ગુજાર્યા, પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાકિસ્તાન વિરૂદ્ધ નહીં, પરંતુ પીડિતો વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં છે.
તેમણે ઉમેર્યું, આશરો લેવા માટે આવેલા લોકો વિરૂદ્ધ રેલીઓ કાઢવામાં આવી રહી છે, પરંતુ જે પાકિસ્તાને ત્યાંના લઘુમતીઓ પર અત્યાચાર કર્યા તે મુદ્દે તેમના મોં પર તાળા કેમ વાગ્યા છે? પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓની મદદ કરવી એ આપણી નૈતિક ફરજ છે.
પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ અને તેમાં પણ મોટાભાગના દલિત લોકોને આપણે તેમના નસીબ પર છોડી શકીએ નહીં. આજે સંસદ વિરૂદ્ધ આંદોલન કરી રહેલા લોકોને હું કહેવા માગું છું કે આજે પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડવાની જરૂર છે. આંદોલન કરવું જ હોય તો પાકિસ્તાનના છેલ્લા 70 વર્ષના કરતૂતો વિરૂદ્ધ કરવું જોઈએ.
નાગરિકતા સુધારા કાયદાના બદલે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધ થઈ રહેલા અત્યાચારોનો વિરોધ કરવાની વડાપ્રધાનની ભલામણ પર જવાબી હુમલો કરતાં કોંગ્રેસે માત્ર પોતાના શાસનકાળમાં થયેલા યુદ્ધોમાં પાકિસ્તાનને શીખવાડેલા બોધપાઠની જ યાદ નથી અપાવી, પરંતુ એમ પણ કહ્યું કે વર્તમાન આંદોલન ભારતીય સંસદ વિરૂદ્ધ નહીં, મોદી સરકારની વિભાજનકારી નીતિઓ વિરૂદ્ધ છે.
મોદીના નિવેદન પર ભાજપની ટ્વીટને રીટ્વીટ કરતાં કોંગ્રેસે લખ્યું, મોદીજી, આ આંદોલન સંસદ નહીં, તમારા વિભાજનકારી કરતૂતો વિરૂદ્ધ થઈ રહ્યું છે. અમે તમને દેશ તોડવા નહીં દઈએ.
બાકી પાકિસ્તાનની વાત છે, તો આ જ હિન્દુસ્તાને 1948, 1965, 1971, કારગીલમાં જે ઘા તેને આપ્યા છે, તેમાંથી આજ સુધી તે બહાર આવી શક્યું નથી. પાકિસ્તાનને જવાબ આપવો હોય તો 'બિરિયાની' અને 'આમ'નો ખેલ બંધ કરો. વડાપ્રધાન મોદી 25મી ડિસેમ્બર 2015ના રોજ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને તેમના જન્મદિને શુભકામનાઓ આપવા માટે અચાનક લાહોર પહોંચી ગયા હતા.
આ ઘટનાને યાદ કરતાં મોદી પર કટાક્ષ કરતાં કોંગ્રેસ કહેતી આવી છે કે મોદી નવાઝ શરીફના હાથોની 'બિરિયાની' ખાવા લાહોર પહોંચી ગયા હતા. એ જ વર્ષ ેજુલાઈમાં નવાઝ શરીફે ઈદના પ્રસંગે મોદીને 'આમ' (કેરી) મોકલી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ તુમકુરમાં જ ખેડૂતોની જનસભાને મંચ પરથી સંબોનધ કર્યું હતું.
આ પહેલાં તેમણે મંચ પરથી એક બટન દબાવીને પીએમ કિસાન સન્માન નિિધ યોજના હેઠળ ત્રીજા હપ્તા પેટે ખેડૂતોના ખાતામાં 12,000 કરોડ મોકલી દીધા હતા. મોદીએ કહ્યું કે આજે પીએમ કિસાન સન્માન નિિધ હેઠળ 8 કરોડ ખેડૂતોના ખાતામાં 12,000 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. આટલા ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવવી ખૂબ મોટી વાત છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qkkd59
via Latest Gujarati News
0 Comments