પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ધ્યાન આપવા સલાહ


(પીટીઆઈ) લખનૌ, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

કોંગ્રેસ સાથે ગઠબંધન સાધવાથી દૂર રહેતા બસપા પ્રમુખ માયાવતી તક મળ્યે કોંગ્રેસ પર હુમલો કરવાનું પણ નથી ચુકતા. ત્યારે તાજેતરમાં તેમણે કોટા હોસ્પિટલ ખાતે થયેલા બાળકોના મોત મામલે પ્રિયંકા ગાંધી વાડ્રા પર બરાબરનું નિશાન તાક્યું છે.

બસપા સુપ્રિમો માયાવતીએ રાજસ્થાનના કોટામાં બાળકોના મૃત્યુ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને નિશાન પર લઈને ટ્વિટ કરી હતી. માયાવતીએ ગુરૂવારે સવારે એક સાથે ત્રણ ટ્વિટ કર્યા હતા અને પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને 'કોંગ્રેસની વરિષ્ઠ નેતા ઉત્તર પ્રદેશની માફક રાજસ્થાનની પીડિત માતાઓને પણ મળેત તો સારૂં રહેતું' તેમ લખ્યું હતું.

 પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં સતત સક્રિય થઈ રહ્યા છે તેને લઈ ભાજપ ઉપરાંત ક્ષેત્રીય દળો પણ નારાજ થયા છે. નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં હિંસક પ્રદર્શનો દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળવા ઉપરાંત પ્રિયંકા ગાંધી ઘાયલો અને ધરપકડ થયેલા લોકોના પરિવારજનોને પણ મળી રહ્યા છે. 

પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશમાં સક્રિયતા મામલે સમાજવાદી પાર્ટી બાદ હવે બસપા સુપ્રીમોએ પણ પોતાનું મોઢું ખોલ્યું છે. તેમણે કોટામાં સરકારની લાપરવાહીના કારણે જ બાળકોના મોત થયા હોવાનો આરોપ મુકીને આ મામલે કોંગ્રેસના ટોચના નેતૃત્વ અને ખાસ કરીને મહિલા મહાસચિવની ચુપકિદી દુખદ છે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે ત્યાંના મુખ્યમંત્રી શ્રી ગેહલોત પણ હજુ આ મામલે અસંવેદનશીલ, ઉદાસ અને બિનજવાબદાર બની રહ્યા છે તેમ કહી તેમની ટીકા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35fBRuV
via Latest Gujarati News

Post a Comment

0 Comments