
બેગુસરાય, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
મિશનરી સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોમાં 'સંસ્કાર'નો અભાવ હોય છે અને તેમાં ભણીને વિદેશ જનારા મોટાભાગના ભારતીયો બીફ ખાવાનું શરૂ કરી દે છે તેમ કહીને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ગુરૂવારે એક નવો વિવાદ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં તેમણે ખાનગી સ્કૂલોમાં ભગવદ્ ગીતા અને હનુમાન ચાલિસા શીખવાડવાની ભલામણ કરી હતી.
તેમના લોકસભા મતવિસ્તારમાં એક ધાર્મિક સમારંભને સંબોધન કરતાં ભાજપના વિવાદાસ્પદ નેતા ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે મિશનરી સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોને 'સંસ્કારી' બનાવવા માટે ખાનગી સ્કૂલોમાં ભગવદ ગીતા અને હનુમાન ચાલીસા શીખવાડવાં જોઈએ.
સિંહે જણાવ્યું હતું કે, અહીં બેઠેલા લોકોને હું કહેવા માગું છું કે ખાનગી શાળાઓમાં ભગવદ ગીતા અને હનુમાન ચાલીસા શીખવાડવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે સરકારી શાળાઓમાં તે ભણાવવાનું શરૂ કરાશે તો સરકાર પર ભગવા એજન્ડા લાદવાનો આરોપ મૂકાવાનું જોખમ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મિશનરી સ્કૂલોમાં સમૃદ્ધ પરિવારોમાંથી ભણતા બાળકો એમડી, અથવા એન્જિનિયર વગેરે બની જાય છે અને કારકિર્દીનીખૂબ જ સારી શરૂઆત કરે છે, પરંતુ તેઓ વિદેશ જાય ત્યારે બીફ ખાવાનું શરૂ કરી દે છે. તેમને 'સંસ્કાર' આપવામાં આવ્યા ન હોવાથી આમ થાય છે. તેથી તેમને ભગવદ ગીતા અને હનુમાન ચાલીસા શીખવવામાં આવે તે જરૂરી છે.
ગિરિરાજ સિંહે નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે નવા કાયદાનો વિરોધ કરી રહેલાં દેખાવકારોને પાકિસ્તાન સ્પોન્સર્ડ 'ગઝવા-એ-હિન્દ' (ભારત સામે પવિત્ર યુદ્ધ) સમાન ગણાવ્યા હતા અને કોંગ્રેસ તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી જેવા વિપક્ષોની ઝાટકણી કાઢી હતી.
તેમણે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે તેનામાં હિંમત હોય તો તે ખુલીને બહાર આવે અને બાંગ્લાદેશમાંથી બધા જ ગેરકાયદે વસાહતીઓ અને મ્યાંમારમાંથી રોહિંગ્યાઓને નાગરિકતા આપવાની વાત કરી બતાવે. તેમણે વિપક્ષ પર મત બેંકનું રાજકારણ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sH2ZWy
via Latest Gujarati News
0 Comments