બેંગાલુરૂ, તા. 2 જાન્યુઆરી 2020, ગુરૂવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની કર્ણાટક રાજ્યની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન ખેડૂતો માટે એક આર્થિક પેકેજ જાહેર કરે એવી શક્યતા હોવાની જાણકારી મળી હતી.
વડા પ્રધાને પીએમ-કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી હતી. આ જાહેરાત અન્વયે દેશના છ કરોડ ખેડૂતોને 12,000 કરોડ રૂપિયા મળવાના હતા. જો કે પશ્ચિમ બંગાળના ખેડૂતો આ યોજના સાથે જોડાયા નથી એટલે એમના સિવાય દેશના તમામ ખેડૂતોને આ લાભ મળશે.
કેન્દ્રના ખેતીવાડી અને કિસાન કલ્યાણ મંત્ર્યાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આજે વડા પ્રધાન આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. અત્રે એ નોંધવું જોઇએ કે આ નિધિની ડિસેંબરના હપ્તાની રકમ હજુ ખેડૂતોને મળી નથી. આજે એ રકમ રિલિઝ કરાશે એવું આ મંત્ર્યાલયના પ્રવક્તાએ કહ્યું હતું.
બંગાળના 70 લાખથી વધુ ખેડૂતો આ લાભથી વંચિત રહી જશે. વડા પ્રધાનની આ યોજના સામે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને કેન્દ્રની અન્ય યોજનાઓની જેમ આ યોજના સામે પણ વાંધો હતો એટલે એમના રાજ્યના ખેડૂતો આ યોજના સાથે જોડાયા નથી. મમતા પહેલેથી આ યોજનાનો વિરોધ કરતાં રહ્યાં છે. એમને ડર છે કે આ યોજનાનો પોતાના રાજ્યમાં અમલ કરવાથી ભાજપની વગ વધી જશે અને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને નુકસાન થશે.
આમ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના ઝઘડાનો ભોગ ખેડૂતો બની જવાના છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZGOLAU
via Latest Gujarati News
0 Comments