લખનઉ તા.2 જાન્યુઆરી 2020 ગુરૂવાર
બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આંટા મારવાને બદલે પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનના કોટા શહેરમાં મરણ પામેલાં બાળકોનાં માતાપિતાને મળવાની જરૂર હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને કોટાની હૉસ્પિટલમાં તાજેતરમાં સંખ્યાબંધ બાળકો મરણ પામ્યાં હતાં. એ સંદર્ભમાં માયાવતી બોલી રહ્યાં હતાં.
માયાવતીએ ટ્વીટર પર લખ્યું હતું કે કોટામાં 100 બાળકોનાં મરણ થયાં છે. એ બાળકોની માતાઓને મળીને આશ્વાસન આપવાને બદલે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં આંટા મારે એ તેમનો રાજકીય સ્વાર્થ અને નાટકબાજી દેખાડે છે.
માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે સો સો બાળકો મૃત્યુ પામ્યા છતાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર કે મુખ્ય પ્રધાન ગેહલોત આ મુદ્દે ઉદાસીન અને લાપરવા રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કોટા જવાની અને મરણ પામેલાં બાળકોની માતાઓને ધીરજ બંધાવવાની તાતી જરૂર હતી. ઉત્તર પ્રદેશની બાબતોમાં બોલી રહેલી પ્રિયંકા કોંગ્રેસ શાસનવાળા રાજસ્થાનની ઘટનાઓ અંગે કેમ ચૂપ રહ્યાં છે ? એવો સવાલ માયાવતીએ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના સ્વાર્થ પ્રેરિત રાજકારણનો આ એક દુઃખદ નમૂનો છે. રાજસ્થાનમાં તેમના પક્ષની નેતાગીરીની બેદરકારીથી એકસો બાળકો અકાળે મરણ પામ્યાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2suRmlC
via Latest Gujarati News
0 Comments