કશ્મીરના ભૂતપૂર્વ નાણાં પ્રધાનના પુત્રની ધરપકડ

જમ્મુ તા.17 જાન્યુઆરી 2020, શુક્રવાર

નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને જમ્મુ કશ્મીરના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અબ્દુલ રહીમ રાધરના પુત્ર હિલાલની કરોડોના ફ્રોડ કેસમાં ગુરૂવારે ધરપકડ કરી લેવામાં આવી હતી.

હિલાલે જમ્મુ કશ્મીર બેંક પાસેથી લીધેલી 177 કરોડની ટર્મ લોન બાબતમાં ગોલમાલ કરી હોવાના આરોપસર કશ્મીરના એન્ટી કરપ્શન બ્યૂરોએ એને ઝડપી લીધો હતો.

આ કેસની વિગત એવી છે કે શ્રીનગરના ડૉક્ટર રિઝવાન રહીમ, બારામુલ્લાના ગુલામ મુહમ્મદ ભટ્ટ, જમ્મુની મહિલાઓ દલજિત વઢેરા અને દીપશિખા જમ્વાલ સાથે હિલાલે ભાગીદારીમાં કંપની શરૂ કરી હતી. આ લોકોએ પેરેડાઇજ એવેન્યુ નામે એક ટાઉનશીપ બનાવવાની યોજના ઘડી હતી.

જમ્મુ કશ્મીર બેંકના નિયમ મુજબ ભાગીદારી ધરાવતી કંપની હોય એવી સંસ્થાઓને 40 લાખ રૂપિયાથી વધુ રકમની લોન મળી શકે નહીં. પરંતુ રાજકીય વગના કારણે જમ્મુ કશ્મીર બેંકે 74 કરોડ 27 લાખનો પહેલો હપ્તો રિલિઝ કર્યો હતો.

બીજી બાજુ હિલાલે રાજ્યના નાણાં પંચ કનેથી પણ એક લોન બાબત વન ટાઇમ સેટલમેન્ટ કરી ચૂક્યો હતો. આ બધી રકમ દ્વારા હિલાલે વિદેશયાત્રાઓ કરી હતી અ્ને વિદેશોમાં મોજશોખ પાછળ પૈસા ઊડાવી દીધા હતા. છેલ્લા થોડા મહિનાથી એન્ટી કરપ્શન બ્યૂરો એની પૂછપરછ કરી રહી હતી. આખરે ગુરૂવારે એની કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u50M7C
via Latest Gujarati News

Post a Comment

0 Comments