મુંબઇગરાં નવા વર્ષના આગમનના ઉત્સાહ સાથે ટાઢોબોળ શિયાળો પણ માણે છે : ઠંડી હજી વધશે


મુંબઇ-મહારાષ્ટ્ર પર વાયવ્ય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાય છે : નાશિક-૧૦.૩,પુણે-૧૦.૮,માથેરાન-૧૨.૪,સાતારા-૧૧.૮ અને દહાણુ-૧૪.૭ ડિગ્રી: આવતા ત્રણેક દિવસમાં મરાઠવાડા અને વિદર્ભમાં હળવી વર્ષાનો વરતારો 

મુંબઇ,1 જાન્યુઆરી 2020 બુધવાર

નવા ૨૦૨૦ના આગમનના ઉત્સાહ-ઉમંગ સાથે મુંબઇગરાં શિયાળાના ટાઢાબોળ વાતાવરણનો પણ આનંદ માણી રહ્યાં છે.ખાસ કરીને ૨૫,ડિસેમ્બર બાદ મુંબઇ અને મહારાષ્ટ્રમાં શિયાળાની મોસમ બરાબર જામી છે.લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ નીચો ઉતરી રહ્યો છે.

   હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૮.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫.૦૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૭.૦૦ ડિગ્રી નોંધાયું હતું.૩૧,ડિસેમ્બર-૨૦૧૯ના છેલ્લા દિવસે સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું હતું.આમ આજે મુંબઇના લઘુત્તમ તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાયો હતો.

આજે નાશિકમાં લઘુત્તમ તાપમાન ૧૦.૩ ડિગ્રી જેટલું ઠંડુગાર રહ્યું હતું.

   હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇ અને મહારાષ્ટ્રના લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલ મુંબઇ  અને મહારાષ્ટ્ર પર વાયવ્ય(ઉત્તર-પશ્ચિમ) દિશામાંથી ફૂંકાય છે.વળી,આ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા હોવાથી ઠંડકનો વધુ અનુભવ થાય છે.વળી,હાલ ઉત્તર કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર)અને મધ્યમહારાષ્ટ્ર(નાશિક,પુણે,સોલાપુર, સાંગલી, સાતારા)માં લઘુત્તમતાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે.

     બીજીબાજુ હાલ દક્ષિણ ગુજરાત અને આજુબાજુના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે. 

   ડો.કે.એસ.હોસાલીકરે એવો સંકેત પણ આપ્યો હતો કે આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં હજી પણ ઘટાડો નોંધાશે.મહત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહે તેવી સંભાવના છે.બીજીબાજુ મરાઠવાડા અને વિદર્ભના અમુક વિસ્તારોમાં આવતા ત્રણેક દિવસ દરમિયાન હળવી વર્ષા પણ થાય તેવાં કુદરતી પરિબળો છે.

    હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે પુણેમાં લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી સાતારા-  ૧૧.૮,માથેરાન-૧૨.૪,જેઉર-૧૩.૦,જળગાંવ-૧૪.૬,દહાણુ-૧૪.૭,સાંગલી-૧૫.૩,અલીબાગ-૧૫.૭,કોલ્હાપુર-૧૬.૧, ચીકલથાણા-૧૬.૪,પરભણી-૧૬.૬ ડિગ્રી અને રત્નાગિરિ-૧૭.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SKvihu
via Latest Gujarati News

Post a Comment

0 Comments