નવી દિલ્હી તા.22 જાન્યુઆરી 2020, બુધવાર
એક તરફ કાતિલ ઠંડી અને બીજી તરફ ગાઢ ધૂમ્મસ, પરિણામે સમગ્ર ઉત્તર ભારતમાં વિઝિબિલિટી ઘટી જતાં સંખ્યાબંધ ટ્રેનો કલાકો સુધી લેટ પડી હતી અને ફ્લાઇટ્સના શિડ્યુલ્સ બદલવાની ફરજ પડી હતી.
કેટલાક વિસ્તારોમાં તો વિઝિબિલિટી માત્ર દસ મીટર જેટલી રહી જવા પામી હતી પરિણામે સડક પરના વાહન વ્યવહારને પણ ગંભીર અસર થઇ હતી. પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ હતી પરિણામે ઉષ્ણતામાનનો પારો નીચે ઊતરી ગયો હતો અને લોકોને અનિવાર્ય કામ ન હોય તો ઘરમાં ગોંધાઇ રહેવાની ફરજ પડી હતી. કેટલાક વિસ્તારોમાં સ્કૂલોમાં આજે રજા આપી દેવામાં આવી હતી.
જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. પાટનગર નવી દિલ્હીમાં ઇંદિરા ગાંધી એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી જતાં કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ કરવી પડી હતી. દિલ્હી આવી રહેલી કેટલીક ફ્લાઇટ્સના પાઇલટોએ વિઝિબિલિટી ઓછી હોવાથી પેાતાની ફ્લાઇટ્સ લેન્ડ કરવાનું જોખમ લેવાની ના પાડી દેતાં આવી ફ્લાઇટ્સને નજીકના બીજાં રાજ્યોમાં મોકલવા પડ્યાં હતાં.
દિલ્હી તરફ આવી રહેલી મોટા ભાગની ટ્રેનો એકથી આઠ કલાક લેટ હતી. રેલવેએ સત્તાવાર જાહેરાત કરી હતી કે ગાઢ ધૂમ્મસના પગલે ટ્રેનો મોડી દોડી રહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2twO9m2
via Latest Gujarati News
0 Comments