તુલસી ગાબાર્ડનો હિલેરી સામે બદનક્ષીનો કેસ : પાંચ કરોડ ડોલરના વળતરની માગણી


વૉશિંગ્ટન, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ડેમોક્રેટિક પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તુલસી ગાબાર્ડને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અમેરિકાના જાસૂસ ગણાવ્યા હતા. એ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો છે. તુલસીએ હિલેરી સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે અને પાંચ કરોડ ડોલરના વળતરની માગણી કરી છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક  પક્ષના જ બે મહિલા નેતાઓ વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. તુલસી ગાબાર્ડ ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે અને પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ડેમોક્રેટિક પક્ષ વતી પ્રાઈમરી ચૂંટણી લડી રહ્યા છે. 

ફેબુ્રઆરીમાં પ્રાઈમરી ચૂંટણી થશે. એ રેસમાં ભારતીય મૂળના અમેરિકન સાંસદ તુલસીએ ઝંપલાવ્યું છે. હિલેરી ક્લિન્ટને ડેમોક્રેટિક પક્ષના સંભવિત પ્રમુખપદના ઉમેદવાર તુલસી ગેબાર્ડને રશિયાના ફેવરિટ ગણાવ્યા હતા. એ પછી વિવાદ ખડો થયો હતો.

ન્યૂયોર્કની કોર્ટમાં તુલસીએ હિલેરી ઉપર કેસ કર્યો હતો. તુલસીની અરજીમાં કહેવાયું હતું કે હિલેરીના નિવેદનથી તેની ઈમેજને નુકસાન થયું છે. એટલું જ નહીં, આ નિવેદનથી તેમના ચૂંટણી કેમ્પેઈનને પણ ગંભીર અસર થઈ છે. એ માટે માનહાનિનો કેસ કરવાની સાથે સાથે તુલસીએ પાંચ કરોડ ડોલરના વળતરની પણ માગણી કરી હતી.

હિલેરી ક્લિન્ટને એક ઈન્ટરવ્યૂમાં એવું નિવેદન આપ્યું હતું કે ડેમોક્રેટિક પક્ષમાં જ રિપબ્લિકન પાર્ટી દ્વારા ઉમેદવાર તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી રિપબ્લિકન્સ જીતી શકે.

હિલેરીએ તુલસીને રશિયાના ફેવરિટ ઉમેદવાર ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિક પક્ષની સિનિયર મહિલા નેતા છે. 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે હિલેરીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેમનો પરાજય થયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37oCC6H
via Latest Gujarati News

Post a Comment

0 Comments