
અલાપ્યુઝહા (કેરળ),તા.19 જાન્યુઆરી 2020 રવિવાર
અહીંની એક મસ્જિદમાં યોજાયેલા દુર્લભ લગ્ન સમારોહમાં હિંદુ યુવક-યુવતીએ પરિણય- સૂત્રે બંધાઇને જીવનભર સાથના વચનોની આપ-લે કરી હતી.અત્રેથી નજીક આવેલી ચેરુવલિ મુસ્લિમ જમાત દ્વારા યોજાયેલા લગ્ન પ્રસંગમાં પવિત્ર પરંપરાગત અગ્નિદેવ સમક્ષ હિંદુ રીતરિવાજોનું પાલન થયું હતું. બંને કોમના મહેમાનો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
અંજુ નામની નવવધૂ અને સરથ નામના વરરાજાએ મસ્જિદમાં ઉપસ્થિત મૌલવીની હાજરીમાં, પરસ્પરના ગળામાં વરમાળા પહેરાવી હતી. કોમી સંવાદિતાના પ્રતીકરૂપ આ દુર્લભ પ્રસંગે મસ્જિદ સંકુલને સુંદર સજાવાયું હતું.લગ્ન પ્રસંગે શાકાહારી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.કેરળના મુખ્ય પ્રધાન પિતારાયી વિજયને નવપરિણીત યુગલને ફેસબુક પરથી અભિનંદન પાઠવ્યા હતા.
કન્યા અંજુનું પરિવાર આર્થિકપણે નિર્બળ હોઇ એની માતાએ લગ્નના આયોજન માટે મસ્જિદ સમિતિની મદદ લીધી હતી.સમિતિએ અંજુને લગ્નની ભેટરૂપે સોનાના દસ સિક્કા અને બે લાખ રૂપિયા આપ્યા હતા. હિંદુ રીત-રિવાજો પ્રમાણે યોજાયેલા લગ્ન પ્રસંગમાં લગભગ ૧૦૦૦ અતિથિઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. એમ ચેરૂવેલિ જમાત સમિતિના મંત્રીએ જણાવ્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sCfqCS
via Latest Gujarati News
0 Comments