
હોંગકોંગ,તા.23 જાન્યુઆરી 2020 ગુરૂવાર
હિંદુકુશ પર્વત શ્રૂંખલાના ગ્લેશિયર્સ આ સદીના અંત સુધીમાં પીગળીને એક તૃતિયાંશ જેટલા રહી જશે. તેના કારણે અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી ફેલાયેલા 800 કિમી લાંબા હિંદુકુશ હિમાલય ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશો સૌથી વધારે પ્રભાવિત થશે. ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાાનિકોએ ભવિષ્યમાં અબજો લોકો જળસંકટનો ભોગ બનશે તેવી ચેતવણી આપી છે.
ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઈસીઆઈએમઓડી) ના ડીજી ડેવિડ મોલ્ડેનના કહેવા પ્રમાણે જો હાલમાં જળવાયુ પરિવર્તનને રોકવા માટે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવજાતિ સામે ભારેે મોટું સંકટ નિર્માણ પામશે અને લોકોએ પીવાના પાણી માટે તેલ કરતાં પણ વધારે કિંમતો ચુકવવી પડશે. પૃથ્વીના ત્રીજા ધૃવ તરીકે પ્રખ્યાત હિંદુકુશ હિમાલય ક્ષેત્રના ગ્લેશિયર્સમાંથી વહેતી નદીઓ પર દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયાના અબજો લોકોનું જીવન નિર્ભર છે.
બ્રહ્મપુત્ર, સિંધુ, યાંગત્જે અને મેકોંગ સહિતની અનેક પ્રમુખ નદીઓ આ ક્ષેત્રમાંથી ઉદ્ગમ પામે છે. જો ભવિષ્યમાં આ નદીઓમાં પાણી નહીં હોય તો ભારત, ચીન, પાકિસ્તાન સહિત અન્ય અનેક દેશના લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. વધારે પડતી ગરમ હવાઓ, અનિયમિત ચોમાસુ અને પ્રદૂષણના કારણે પાણીના ઉદ્ગમસ્થાનો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. 2015ની સાલમાં સધાયેલી પેરિસ સમજૂતી ગ્લોબલ વોર્મિંગના સૌથી જોખમી પ્રભાવો રોકવા માટેનું પ્રભાવી માધ્યમ બની શકે છે પરંતુ તેના માટે બધા દેશો સાથે મળીને તે દિશામાં કામ કરે તે જરુરી છે.
જળવાયુ પરિવર્તનના કારણે દર વર્ષે પીવાના પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારત સહિત સમગ્ર એશિયામાં વિશ્વની અડધાથી વધારે વસ્તી વસે છે અને અહીં પીવાના પાણીની સમસ્યા વધી રહી છે માટે તેનાથી ગરીબ લોકો સૌૈથી વધારે પ્રભાવિત થશે. ગ્લેશિયર્સ પીગળવાના કારણે પૂર, દુષ્કાળ, ભૂસ્ખલન અને હિમસ્ખલન સહિતની સમસ્યાઓનું જોખમ વધે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી હોનારતના પ્રમાણમાં ભારે ઉછાળો નોંધાયો છે. ગત વર્ષે દક્ષિણ ભારતનું ચેન્નાઈ શહેર ભયંકર દુષ્કાળનો ભોગ બન્યું હતું ત્યારે ઉત્તર ભારતના અનેક વિસ્તારો પૂરમાં સપડાયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GiyIAp
via Latest Gujarati News
0 Comments