CAA પર સ્ટેનો સુપ્રીમનો ઈનકાર: કેન્દ્ર એક માસમાં જવાબ આપે


- અમને 143માંથી 60 જ અરજીની કોપી મળી છે, અને તેનો અભ્યાસ કરવાનો પણ બાકી છે: સરકાર

- ઉ. પ્રદેશ, ત્રિપુરા, આસામ, અન્ય રાજ્યોમાં સીએએના અમલમાં ગેરરીતી થયાના આરોપ, સુપ્રીમ સુનાવણી કરશે 

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી 2020, બુધવાર

સીએએને લઇને સુપ્રીમ કોર્ટમાં ૧૪૪ જેટલી અરજીઓ થઇ છે, જેમાં ૧૪૧ અરજીઓ સીએએના વિરોધમાં જ્યારે ચાર તરફેણમાં થઇ છે. આ અરજીઓની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલ સીએએ પર સ્ટે મુકવો શક્ય નથી, આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને સમગ્ર મામલે ચાર સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. 

મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની બેંચે કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે સાથે જ દેશની જુદી જુદી હાઇકોર્ટમાં સીએએને લઇને જે પણ અરજીઓ થઇ છે તેની સુનાવણી હાલ હાઇકોર્ટ ન કરે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય ન કરે ત્યાં સુધી આમ કરવાનું કહ્યું છે. ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીર અને સંજિવ ખન્ના પણ આ બેંચમાં સામેલ છે. 

કેટલાક અરજદારો વતી કોર્ટમાં હાજર કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ મામલાને બંધારણીય બેંચને સોપવો જોઇએ. સાથે જ એનપીઆરની પ્રક્રિયાને પણ થોડા મહિના સુધી મુલતવી રાખવી જોઇએ. જોકે કોર્ટે કહ્યંઅ હતું કે અમે આ કેસોની સુનાવણી માટે પાંચ જજોની બેંચની રચના કરીશું, સાથે એમ પણ કહ્યું હતું કે અમે આ મામલાની સુનાવણી બંધારણીય બેંચ કરે તે અંગે પણ વિચારીશું. હાલ સીએએ પર સ્ટેની માગણી પણ કરાઇ હતી, જોકે કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કેન્દ્ર સરકારને ન સાંભળી લઇએ ત્યાં સુધી સીએએ પર સ્ટે ન આપી શકાય. 

ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, આસામમાં સીએએનો અમલ નિયમોના ભંગ કરીને અને કોઇ પણ પ્રકારના ધારાધોરણો નક્કી કર્યા વગર કરી દેવાયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જે પણ અરજીઓ થઇ છે તેની સુનાવણી અલગથી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કોર્ટે કરી હતી.

સરકાર વતી હાજર એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને કહ્યું હતું કે કોર્ટમાં જે પણ અરજીઓ થઇ છે તેની કોપી સરકારને પુરતા પ્રમાણમાં નથી મળી, ૧૪૩માંથી ૬૦ અરજી જ મળી છે. અને બાકીની અરજીઓનો મળ્યા બાદ પણ અભ્યાસ કરવામાં સમય લાગી શકે છે. માટે સુપ્રીમ કોર્ટે સરકારને હાલ ચાર સપ્તાહનો સમય આપ્યો છે. સરકાર પોતાનો જવાબ આપે તે બાદ સીએએ પર સ્ટે મુકવો કે રદ કરવો અથવા ચાલુ રાખવો તે અંગે કોર્ટ અંતિમ નિર્ણય લેશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aC5fzm
via Latest Gujarati News

Post a Comment

0 Comments