
મુંબઈ,તા.22 જાન્યુઆરી 2020, બુધવાર
મુંબઇ ભારતનું ૩૭માં ક્રમનું સૌથી પ્રદુષિત શહેર છે. મંગળવારે ગ્રીન-પીસ ઇન્ડિયાના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સૌથી પ્રદુષિત શહેરોની ૨૦૧૮ની યાદીમાં મુંબઇનો નંબર ૩૭મો હતો. ૨૦૧૩થી ૨૦૧૮ સુધીના પાંચ વરસો દરમ્યાન દેશના ૨૮૭ શહેરોમાં નોંધાયેલા વાયુ પ્રદુષણના ડાટાનું એનાલિસીસ કરી એનજીઓએ ઉક્ત રિપોર્ટ બહાર પાડયો હતો.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૮માં ભારતના સૌથી પ્રદુષિત શહેરો જરિયા અને ધનબાદ હતા. જ્યારે ઉત્તર પ્રદેશના નોઇડા અને ગાઝિયાબાદ અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે હતા. દિલ્હી દસમા, પટના ૧૯માં અને જયપુર ૩૪માં નંબરે હતું. ૩૭માં ક્રેમ આવેલુ મુંબઇ ઉત્તર ભારતના ઘણા શહેરો કરતા વધુ પ્રદુષિત હતું. ગ્રીનપીસની યાદીમાં મુંબઇ દેશનું સૌથી પ્રદુષિત તટવર્તી નગર તરીકે પણ નોંધાયું હતું.
ડોંબિવલી, ચન્દ્રપુર, ઉલ્હાસનગર, થાણે, નવી મુંબઇ અને ભિવંડી જેવા મુંબઇ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં વાયુ પ્રદુષણનું સ્તર રાષ્ટ્રીય અને ડબલ્યુએચઓ (વ્હુ)ના ધોરણો કરતા પણ ઉંચુ હતું જ્યારે પુણે, અમરાવતી, નાગપુર, પિંપરી, ચિંચવડ, નાશિક, સાંગલી, જળગાંવ, અકોલા, સોલાપુર અને ઔરંગાબાદમાં પણ પ્રદુષણનું સ્તર રાષ્ટ્રીય ધોરણો કરતા ઉચું અને વ્હુના ધોરણો કરતા પાંચથી આઠ ગણું વધુ હતું.
દરમિયાન, મહારાષ્ટ્ર પ્રદુષણ નિયંત્રણ મંડળ (એમપીસીબી)એ ૨૦૨૪ સુધીમાં રાજ્યના ૧૮ શહેરોમાં વાયુ પ્રદુષણ ૨૦થી ૩૦ ટકા ઘટાડવા કેન્દ્ર સરકારના નેશનલ ક્લિન એર પ્રોગ્રામ હેઠળ એકશન પ્લાન્સ તૈયાર કર્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vg7FUf
via Latest Gujarati News
0 Comments