એન્ટાર્ટિકામાં ભીષણ ગરમી, પહેલી વાર ગરમીનો પારો પહોંચ્યો 18.3 ડિગ્રી પર

એન્ટાર્ટિકા, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર

ચારે તરફ બરફથી ઢંકાયેલા અને દુનિયાના સૌથી ઠંડા સ્થળો પૈકી એક મનાતા એન્ટાર્ટિકાનુ હવામાન ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપથી ગરમ થઈ રહ્યુ છે. અહીંનો બરફ પણ બહુ ઝડપથી પિગળી રહ્યો છે.

એન્ટાર્ટિકાને લઈને વૈજ્ઞાનિકો કેટલાક વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે ત્યારે આ વખતે એન્ટાર્ટિકાના ઉત્તરી હિસ્સામાં પહેલી વખત 18.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને જે અત્યાર સુધીનુ સૌથી વધુ તાપમાન છે. આ આંકડાએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે.

સામાન્ય રીતે આ પ્રકારનુ તાપમાન આપણે ત્યાં શિયાળામાં વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં રહેતુ હોય છે.

આર્જેન્ટિનાએ રિસર્ચ કરવા માટે સ્થાપેલા એક બેઝ પર ગુરુવારે આ તાપમાન રેકોર્ડ થયુ હતુ.જોકે હજી વર્લ્ડ મીટરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેનુ વેરિફિકેશન બાકી છે.વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, વેરિફિકેશન બાદ આ આંકડામાં ઝાઝો ફેરફાર થાય તેવી શક્યતા નથી.

એન્ટાર્ટિકાના અન્ય એક સ્થળ મારાંબિયો સાઈટ પર પણ 1971 બાદનુ સૌથી વધુ 14.1 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયુ હતુ. નિષ્ણાતોના કહેવા પ્રમાણે એન્ટાર્ટિકામાં નાટકીય બદલાવો થઈ રહ્યા છે. આ વખતે એન્ટાર્ટિકાની પેગ્વિનની વસાહતો પણ ઓછી દેખાઈ રહી છે.

એન્ટાર્ટિકા વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગથી સૌથી વધુ અસર પામેલા વિસ્તારો પૈકીનો એક છે. અહીંયા પચાસ વર્ષમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uyamex
via Latest Gujarati News

Post a Comment

0 Comments