
જાહેર જગ્યાઓ અને સરકારી ગૌચર
સરકારી અધિકારીઓ સાર્વજનિક હેતુ માટેની જમીનો / મિલ્કતો જાળવવાની જવાબદારી નિભાવે
જમીન / મિલ્કતના વ્યવસ્થાપનના કાયદામાં જમીન મહેસૂલ કાયદાની કલમ-૩૭ પ્રમાણે ખાનગી મિલ્કત સિવાયની તમામ જમીનો / મિલ્કતો સાર્વભૌમ (Sovereign) સ્વરૂપે સરકારી માલિકીની ગણાય છે અને સરકારી જમીન ઉપર કોઈ માલિકીની જમીન હોવાનો દાવો કરે તો જમીન મહેસૂલ કાયદાની કલમ-૩૭(૨) પ્રમાણે માલિકી હક્ક પુરવાર કરવો પડે અને તેની પણ પ્રક્રિયા અનુસર્યા બાદ વિધિવત તપાસ હાથ ધર્યા બાદ માલિકી હક્ક પ્રસ્થાપિત કરવાનો રહે છે. આ સિવાય તમામ જમીનો સરકારને નિહિત (Vest) થયેલ હોવાનું અનુમાન છે.
અંગ્રેજોના સમયમાં જે નિયમનકારી કાયદા (Regulating Act) ઘડાયા, તેમાં ભારતીય / સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ જોગવાઈઓ કરવામાં આવી જેમ કે જમીન મહેસૂલ કાયદામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત દબાણ કરે તો કલમ-૬૧ હેઠળ પેશકદમી / દબાણકાર સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ અંગે સબંધિત તાલુકાના મામલતદારને સરકારી જમીન ઉપર દબાણ કરવા બદલ અને તેનો ઉપયોગ કરવા બદલ ઉપજદંડ અને દબાણકર્તાને દૂર કરવાની સત્તાઓ આપેલ છે. આજ કાયદાની કલમ-૨૦૨ હેઠળ સંક્ષિપ્ત સ્વરૂપે દૂર કરવા / હાંકી કાઢવાની સત્તા છે. પાયાના સિધ્ધાંત તરીકે સરકારી જમીન ઉપર દબાણ ન થાય તેની પ્રાથમિક રીતે રોકવાની જવાબદારી સ્થાનિક મહેસૂલી અધિકારીઓની છે. દર વર્ષે તલાટી / સર્કલ ઑફિસરે સરકારી જમીનોની ખાત્રી કરવાની છે.
આજ રીતે જ્યારે જમીનોનું સર્વે સેટલમેન્ટ કરવામાં આવ્યું ત્યારે ગૌચર (Grazing Land) ચરીયણ તરીકે વપરાતી જમીનોu identify કરવામાં આવી અને તે હેતુ માટે મુકરર નક્કી કરવામાં આવી અને પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ મોટા ભાગની ગૌચરની જમીનો સબંધિત ગ્રામ પંચાયતોને ગૌચરના હેતુ માટે જમીનો નીમ કરવામાં આવી. ગૌચરની જમીનો જાળવવાની જવાબદારી જ્યાં ગ્રામપંચાયતોને ફાળવવામાં આવી છે તેની નિભાવણી અને જાળવવાની જવાબદારી ગ્રામપંચાયતોની છે, પરંતુ અનુભવે જણાવ્યું છે કે આ જમીનો ઉપર પણ મોટાપાયે સ્થાપિત હિતો દ્વારા દબાણો થયા છે. ગૌચરની ગ્રામપંચાયતોને સુપ્રત કરેલ જમીનો ઉપરના દબાણો દૂર કરવાની જવાબદારી સબંધિત ગ્રામપંચાયતની છે.
પરંતુ સ્થાનિક રાજકારણના હસ્તક્ષેપ અથવા મતના રાજકારણના કારણે આવા દબાણો દૂર કરાતા નથી. જીલ્લા પંચાયત હસ્તકના દબાણ વિભાગ દ્વારા પણ અસરકારક કામગીરી થતી નથી. દ્રષ્ટાંત સ્વરૂપે અને આજના અધિકારીઓને દાખલારૂપ કામગીરી કરે તે માટે અમો જ્યારે વડોદરા જીલ્લા પંચાયતમાં ટૂંકાગાળા માટે જીલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળતા હતા ત્યારે વડોદરાના વાઘોડીયા રોડ ઉપર નવજીવન સોસાયટીની બાજુમાં જીલ્લા પંચાયતની જમીન ઉપર ૧૯૬૭માં જે ખરીદવામાં આવેલ તેના ઉપર માથાભારે ઈસમોએ દબાણો કરેલ, જે વર્ષોથી કોઈ દૂર કરાવી શકતું ન હતું, જે દબાણો દૂર કરાવતી વખતે અમારી દબાણ ટીમ ઉપર હુમલો પણ કરવામાં આવેલ અને સ્થાનિક નેતાએ હસ્તક્ષેપ પણ કરેલ, પરંતુ અમોએ નૈતિક તાકાતથી, જીલ્લા પંચાયતની જમીન ઉપર દબાણો દૂર કરાવી ખુલ્લી કરાવેલ, અને આજની તારીખે કરોડો રૂપિયાની જમીનનું મૂલ્ય થાય છે અને જાહેર સંપતિની જાળવણી જીલ્લા પંચાયતના હિતમાં કરાવેલ, આ દાખલો ઐતિહાસિક સ્વરૂપે છે.
બદલાતા જતા સંજોગોમાં સરકારી જમીનો જુદા જુદા સત્તા મંડળોને પણ સાર્વજનિક હેતુ માટે કે ચોક્કસ હેતુઓ માટે આપવામાં આવી. જેમાં પંચાયત / નગરપાલિકા / મહાનગરપાલિકા કે સરકારના જુદા જુદા વિભાગોને જમીનો / મિલ્કતો ફાળવવામાં આવી. આમ જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ સરકારી જમીનો પુરતી લાગુ પડે, પરંતુ પંચાયત અધિનિયમ / નગરપાલિકા અધિનિયમ / ગુજરાત મહાનગરપાલિકા અધિનિયમ હેઠળ કે અન્ય સરકારી / જાહેર સંસ્થાઓને જે જમીનો ફાળવવામાં / તબદીલ કરવામાં આવી તે સબંધિત સંસ્થાઓએ તે જમીનો / મિલ્કતો ઉપર દબાણ ન થાય તેની જવાબદારી જે તે સંસ્થાની છે અને સબંધિત કાયદા હેઠળ દબાણો દૂર કરાવવાની સત્તા છે.
નામદાર સુપ્રિમ કોર્ટે પણ અંબાલા - પંજાબના કિસ્સામાં દરેક રાજ્યોને / સત્તા મંડળોને જાહેર જગ્યા / સાર્વજનિક જગ્યાઓ ઉપર દબાણ ન થાય તે માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે અને સાર્વજનિક હેતુ સિવાય આવી જમીનો તબદીલ ન કરવા પણ પ્રતિબંધ પાઠવ્યો છે. આવી જ રીતે ૨૦૦૯માં સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર સ્થળો / જગ્યાઓ ઉપર કોઈપણ પ્રકારના ધામક સ્થાનો - બિન અધિકૃત સ્વરૂપે ન થાય અને થયેલા હોય તો પણ દૂર કરાવવાના સ્પષ્ટ નિર્દેષ્ટો આપ્યા છે. આજ રીતે જાહેર સ્થળો / જાહેર માર્ગો ઉપર કોઈપણ પ્રકારના દબાણો ન થાય અને પ્રજાના અવર જવરના હક્કો અબાધિત સ્વરૂપે જળવાય તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ઓલ્ગા ટેલીસ મુંબઈ કોર્પોરેશન, અનુપમ રેકડી જામનગર કોર્પોરેશન, એચ. એસ. પટેલ - ડે.મ્યુ.કમિશ્નર વડોદરા મહાનગરપાલિકા અને નવાબખાન - ગુલાબખાન અમદાવાદ કોર્પોરેશનમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશો આપ્યા છે કે જાહેર રસ્તા ઉપરના દબાણો જીપીએમસી એકટની કલમ-૨૩૦ અને ૨૩૧ હેઠળ કમિશ્નરને નોટીસ આપ્યા વગર પણ દૂર કરાવવાની સત્તા છે.
અમો જ્યારે વડોદરા કોર્પોરેશનમાં ડે.મ્યુ.કમિશ્નર હતા, ત્યારે ન્યાયમંદિરની સામે ૧૩૦ કેબીનો દૂર કરાવેલ અને જાહેર રસ્તો પણ ખુલ્લો કરાવેલ, તે આજકાલ સમાચાર માધ્યમોથી જાણવા મળે છે કે ફરીથી અમુક તત્વો દ્વારા દબાણ કરી અવરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર સરકારી સંસ્થાઓની જમીનો / મિલ્કતો ઉપર પણ બિન અધિકૃત દબાણ / કબજો દૂર કરાવવા માટે પબ્લીક પ્રિ-માઈસ ઈવીક્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી બિન અધિકૃત કબજા દૂર કરાવી શકાય છે. આમ જાહેર હેતુ માટે / સરકારી ઉપયોગ માટેની જમીનો ઉક્ત કાયદાઓના વાસ્તવિક અમલથી જાળવી શકાય છે. આશા રાખીએ કે સાર્વજનિક હિત જાળવવાની જવાબદારી સરકારીતંત્રની દ્રઢ ઈચ્છાશક્તિથી થઈ શકે છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bSiJrA
via Latest Gujarati News
0 Comments