
વૈશ્વિક સ્તરની તેમજ ઘરઆંગણાની વિવિધ પ્રતિકૂળતાઓને કારણે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાઈ જવા પામી છે. નકારાત્મક પરિબળોનેલઈને અર્થતંત્રના પાયામાં રહેલા મોટા ભાગના ક્ષેત્રનો વૃદ્ધિદર ધીમો પડી ગયો છે. નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ વચ્ચે નવા રોકાણ અટકી ગયા છે. તો બીજી તરફ માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ, વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ અર્થતંત્રની ગતિ રૂંધાઈ રહી છે તો બીજી તરફ તાજેતરમાં જાહેર થયેલ જાન્યુઆરી માસનો ફુગાવો વધીને છ વર્ષની ટોચે પહોંચી ગયો છે. તેની સાથોસાથ જાન્યુઆરીમાં બેરોજગારીનો દર પણ વધીને ૧૦ ટકા નજીક પહોંચી ગયો છે. તેમાં ય મહત્ત્વની બાબત તો એ છે કે ગ્રામ્ય અને શહેરી બેરોજગારીના દરના તફાવતમાં પણ વધારો થઈ રહ્યો છે. આમ, ત્રેવડા માર વચ્ચે દેશની પ્રજા પીસાઈ રહી છે.
શાકભાજી, કઠોળ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ભાવ વધવાના કારણે જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો વધીને ૭.૫૯ ટકા થયો હતો જે લગભગ છ વર્ષની ટોચે હતો. દરમિયાન ભારતે ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં નેગેટીવ વૃદ્ધિ દર્શાવી છે અને તેમાં ૦.૩ ટકા ઘટાડો થયો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો ૭.૩૫ ટકા હતો જે જાન્યુઆરી ૨૦૧૯માં ૧.૯૭ ટકા હતો. અગાઉ મે, ૨૦૧૪માં સીપીઆઇ આધારિત ફુગાવો ૮.૩૩ ટકા નોંધાયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એકંદર ખાદ્યાન્ન ફુગાવો ૧૩.૬૩ ટકા થયો હોત જે અગાઉના મહિનાના ૧૪.૧૯ ટકા ફુગાવા કરતા થોડો નીચો હતો.
શાકભાજીમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ફુગાવો વધીને ૧૦.૧૯ ટકા થયો હતો, જ્યારે કઠોળ અને પ્રોડક્ટસ માટે તે વધીને ૧૬.૭૧ ટકા નોંધાયો હતો. પ્રોટીનથી ભરપૂર ચીજોના ભાવ જાન્યુઆરીમાં ૧૦.૫૦ ટકા વધ્યા હતા, જ્યારે ઇંડાના ભાવમાં સમાન ગાળામાં ૧૦.૪૧ ટકાનો વધારો થયો હતો. ફૂડ બેવરેજિસ કેટેગરીમાં ૧૧.૭૯ ટકા ફુગાવો નોંધાયો છે તેમ ડેટા દર્શાવે છે. જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન હાઉસીંગના દરમાં ૪.૨૦ ટકાનો વધારો થયો હતો. જ્યારે ઇંધણ અને લાઇટ માટે ફુગાવાનો દર ૩.૬૬ ટકા હતો. આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ખાદ્યાન્ન ફુગાવો ચિંતાજનક છે કારણ કે તમામ કેટેગરીમાં વ્યાપક વધારો થયો છે.
શાકભાજીમાં ફુગાવામાં અપેક્ષા કરતા ઓછો ઘટાડો થયો છે. સરકાર તેમજ રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને અંકુશમા લેવા ભરાયેલા પગલા સ્હેજ પણ કારગત નીવડયા નથી તે બાબત આ આંકડા પુરવાર કરે છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સરકાર જે આંકડા જાહેર કરતી હોય છે તે તમામ પ્રકારની આંકડાકીય કવાયતો બાદ જ જાહેર કરાય છે.આમ, આ ગણિત જોતાં ઉંચા ફુગાવાના કારણે સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર પ્રબળ રીતે અસર કરી રહ્યો છે તેમ કહેવું વધારે પડતું નથી.
થોડા સમય પહેલાં રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા વેળા રિઝર્વ બેંકે સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ફુગાવો વધવાની સંપૂર્ણ શક્યતા છે. બજારમાં નવો પાક ઠલવાતા જે તે ચીજવસ્તુના ભાવમાં ટૂંકા ગાળા માટે ભાવમાં ઘટાડો થશે પરંતુ ત્યારબાદ, આ ઘટાડો જળવાઈ રહેવાની સંભાવના ઓછી છે. આમ, રિઝર્વ બેંકે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હોવા છતાં આ મુદ્દે સરકાર દ્વારા ચોક્કસ પગલા ભરવામાં ઉદાસીનતા જોવા મળી છે અને તે કારણથી જ જાન્યુઆરી માસનો ફુગાવો છ વર્ષની ટોચે પહોંચી જવા પામ્યો છે.
સરકાર સામાન્ય માણસને આર્થિક રીતે સક્ષમ બનાવવાની વાતો કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પણ આ મુદ્દાને લઈને ચોક્કસ પગલા ભરવાથી જોજનો દૂર રહે છે. સરકાર પોતાની પ્રસિદ્ધિ અને ઇતિહાસ બદલવાના દાવા કરવામાંથી ઊંચી આવતી જ નથી જેના કારણે મોંઘવારી સહિતના અન્ય મહત્ત્વના મુદ્દા જે સીધા જ દેશની જનતાને સ્પર્શે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. સરકાર છાશવારે નવી નવી યોજનાઓ રજૂ કરીને આપણા દેશને વિદેશની સમકક્ષ લઈ જવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવમાં જે મુદ્દાઓ માટે નક્કર યોજનાઓની જરૂર છે તે મુદ્દે હરફ સુધ્ધાં ઉચ્ચારતી નથી. આમ, સરકારની આ 'મુંગેરીલાલ કે હસીન સપને' જેવી નીતિના કારણે દેશની પ્રજા બેસુમાર મોંઘવારીના મારથી પીસાઈ રહી છે.
વિતેલા સપ્તાહમાં મોંઘવારીની સાથોસાથ બેરોજગારીના આંકડાની પણ જાહેરાત થઈ હતી. જેમાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર ૯.૭ ટકા પર પહોંચી જવા પામ્યો હતો, જ્યારે ગ્રામ્ય બેકારી ઘટી છે જે પુરવાર કરે છે કે આપણે શહેરી ભારતમાં પૂરતા પ્રમાણમાં નોકરીઓનું સર્જન કરી શક્યા નથી. ગ્રામ્ય વિસ્તારના સંખ્યાબંધ લોકો રોજી-રોટી માટે શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે છે પરંતુ, તાજેતરના આ આંકડા જોતા કહી શકાય કે આ સ્થળાંતરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બેકારી ઘટી છે અને શહેરોમાં તેમાં વધારો થવા પામ્યો છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં કહેવાયું છે કે, શહેરી વિસ્તારમાં બેરોજગારીનો આંક ૯.૭ ટકા પર પહોંચી ગયો છે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારીમાં રાહત થઈ રહી છે પણ શહેરી વિસ્તારોમાં યુવાનો પાસે કામ રોજબરોજ છિનવાઈ રહ્યું છે. જાન્યુઆરીમાં ભારતનો બેરોજગારીનો દર ૭.૧૬ ટકા રહ્યો છે જે આગલા મહિનાના ૭.૬ ટકા કરતા ઓછો છે પણ ચોંકાવે તેવી બાબત શહેરી વિસ્તારની છે. ડિસેમ્બર ૨૦૧૯માં શહેરી વિસ્તારમાં બેરોજગારી ૯ ટકા નોંધાઈ હતી. જેમાં એક મહિનામાં ૦.૭ ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૧૯માં આ આંક ૯.૭૧ ટકા હતો.
લેબર માર્કેટમાં લોકોનો પ્રવેશ રોજેરોજ વધી રહ્યો છે પણ તકલીફ એ છે કે આપણે શહેરી વિસ્તારમાં હજુ સુધી રોજગારી વધારવામાં ઉણા ઉતર્યા છીએ. શહેરી વિસ્તારમાં ગ્રામીણ એરિયા કરતા સારી જોબ હોવી જરૂરી છે પણ તે શોધ્યે મળતી નથી. સ્વાભાવિક છે કે સરકાર દ્વારા ૨૦૧૬માં લાગુ કરવામાં આવેલી નોટબંધી અને તે પછી તરત જ જીએસટીનો ઉતાવળે અમલ જેવાં કારણોને લીધે વેપાર- ઉદ્યોગને હજુ કળ વળી નથી. બજારમાં નાણાંકીય તરલતાનો અભાવ છે અને ઉપભોક્તાઓમાં વ્યાપેલી નિરાશાને કારણે મંદીનો માહોલ પ્રબળ બન્યો છે. રોકડની ભયંકર અછત છે.
રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરોમાં નિયમિત ઘટાડા પછી પણ બેન્કોમાંથી લોન લેવાની સક્રિયતા દેખાતી નથી અને નવા ઉદ્યોગ- રોકાણ પર તેની સીધી અસર દેખાઈ રહી છે. ચિંતા ઉપજાવે તેવી બાબત એ છેકે સરકારના અઢળક પ્રયાસો પછી પણ અર્થતંત્રમાં કોઈ હિલચાલ કે ઉત્સાહ દેખાતો નથી. નાણામંત્રી નિર્મલા સીતારામને અર્થતંત્ર પાટા પર ચઢી રહ્યું હોવાનું નિવેદન કર્યું છે પણ તેની વાસ્તવિકતા અલગ જ છે.
આમ, એક તરફ દેશના અર્થતંત્રની ગતિ મંદ પડી છે અને બીજી તરફ દેશની પ્રજા મોંઘવારીના માર અને બેરોજગારીના ભારથી પીસાઈ રહી છે. અર્થતંત્રને સ્પર્શતી આ બે મહત્ત્વની બીમારી વધુ પ્રબળ બને તે પહેલા સરકારે આ બે રોગના નિદાન માટે કમર કસીને નક્કર આયોજન હાથ ધરવું પડશે. અર્થતંત્રમાં સમાયેલ પાયાના ક્ષેત્રોની વૃદ્ધિ અને માંગમાં રિકવરી ક્યારે આવશે તેની આગાહી કે અંદાજ મુશ્કેલ છે પણ આ બે બીમારીનો ઇલાજ તો શક્ય છે. જરૂર છે માત્ર તેના યોગ્ય નિદાનની. આ બે બીમારીનું યોગ્ય નિદાન કરાશે તો સહુ સારા વાના થશે અન્યથા તેને મહામારીનું રૂપ ધારણ કરતા વાર નહી લાગે...
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wib19G
via Latest Gujarati News
0 Comments